જામનગર: આરબલુસ ગામમાં મહિલાની હત્યા કેસમાં પતિ તથા જેઠાણીને આજીવન કેદ
ખુનને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરવાનો ચકચારી કેસ : સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખતી સેશન્સ કોર્ટ
લાલપુર તાલુકાના આરાબલુસ ગામ મહિલાની હત્યા નીપજાવવાના કેસમાં તેણીના પતિ અને જેઠાણી ને આજીવન કેદની સજાનો અદાલતે હુકમ કર્યો છે.
ભાવનગર જીલ્લા ના ભંડારીયા ગામે રહેતા જયુભા કનુભા ગોહિલની દીકરી પુર્ણાબાના લગ્ન આરબલુસ ગામે રહેતા શકિતસિંહ રાજુભા જાડેજા સાથે થયા હતાં. લગ્ન બાદ પુર્ણબાને તેના પતિ શક્તિસિંહ રાજુભા ત્થા જેઠાણી અનિતાબા અનોપસિંહ દ્વારા દુ:ખ,ત્રાસ આપવામાં આવતો હતો. તેથી તેઓનો ત્રાસ સહન ન કરી શકતા મરણજનાર પુર્ણબા એ આત્મહત્યા કરેલ હોવા ની ફરીયાદ જયુભા ગોહિલએ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.
આ ગુન્હાની પોલીસ દ્વારા જીણવટ પૂર્વક તપાસ કરતાં જણાયું હતું કે, ગુજરનાર પુર્ણબાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરેલ નથી. પરંતુ તેના પતિ શકિતસિંહ દ્વારા અને જેઠાણી અનિતાબાના સહકારથી મરણજનાર પુર્ણબાની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ દિશામાં તપાસ કરી આરોપી ઓ સામે પુરતા પુરાવા મેળવી અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર તરફે એ.પી.પી હાજર થયેલા અને ૪૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી ૨૬ જેટલા સાહેદો ને તપાસેલ હતાં. આરોપી ઓ દ્વારા પોતે બનાવ સમયે હાજર ન હોય અને તેઓએ મરણજનારનું ખુન કરેલ ન હોય, પોલીસે ખોટી રીતે ખુન કેસમાં સંડોવી દીધેલ હોય અને પોતે નિદોર્ષ હોય તેથી છોડી મુકવા માટે રજુઆત કરેલ હતી.
જેની સામે સરકાર તરફે એ.પી.પી. ધમેન્દ્ર એ. જીવરાજાનીએ આરોપીઓના બચાવનો વિરોધ કરી દલીલ કરેલ હતી કે, પી.એમ. કરનાર ડોકટરે મરણજનારનું મૃત્યુ ગળાફાંસો નહીં પરંતુ ગળેટુંપો દઈને થયેલ હોવાનું સ્પષ્ટ અભિપ્રાય આપેલો છે.
સરકાર દ્વારા જરૂરી અને મહત્વના પુરાવાઓ અને સાક્ષીઓની જુબાની થયેલી છે. તથા કેસ સ્પષ્ટ પણે સાબીત કરવામાં આવેલ છે. વિગેરે કરેલ દલીલો માન્ય રાખી એડી. સેશન્સ જજ આર.વી.માંડણીએ આરોપી શકિતસિંહ રાજુભા જાડેજા ત્થા આરોપી અનિતાબા અનોપસિંહને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા દંડ ફરમાવતો હુકમ કરેલ છે, આ ચક્યારી ખુન કેસમાં સરકાર તરફે એ.પી.પી. ધમેન્દ્ર એ. જીવરાજાની હાજર રહેલ હતાં.