સૌરાષ્ટ્ર કચ્છની 425માંથી 122 કોવિડ હોસ્પિ.માં વીજળી ગુલ્લ, 64માં રિપેરીંગ ચાલુ

  • May 19, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડાની સૌરાષ્ટ્રમાં વ્યાપક અસર
પીજીવીસીએલ વિસ્તારમાં 2.23 લાખ કિમી વીજ લાઈનમાંથી આશરે 9 હજાર કિલોમીટર લાઈનને નુકશાન

 


તાઉતે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોને ખાસુ નુકશાન પહોંચાડ્યું છે. પીજીવીસીએલ વિસ્તારની કુલ 2.23 લાખ કિલોમીટર વીજ લાઈનમાંથી 9 હજાર કિમી (ખેતી વાડી સિવાયની) લાઈન ક્ષતિગ્રસ્ત થઈ છે. તો 12 જિલ્લાઓમાં આવેલી 425 કોવિડ હોસ્પિટલોમાંથી 122 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જે પૈકી 58 હોસ્પિટલોનો વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તો બાકીની 64 હોસ્પિટલોમાં રિપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે.

 


આજે બપોરે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે યોજેલી પત્રકાર પરિષદમાં ’તાઉતે’ વાવાઝોડાને પગલે વીજ તંત્રને કરોડો રૂપિયાનું નુકશાન થયાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પીજીવીસીએલના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના દરિયાકાંઠે વ્યાપક અસર થઈ છે. વાવાઝોડાને પગલે પીજીવીસીએલ વિસ્તારમાં 2.23 લાખ કિલોમીટર વીજ લાઈનમાંથી આશરે 9 હજાર કિલોમીટર લાઈનને નુકશાન થવા પામ્યું છે. ખેતીવાડી સિવાયના 1,20,000 ટ્રાન્સફોર્મરમાંથી 6,000 જેટલાં ટ્રાન્સફોર્મરને નુકશાન થયું છે.

 


ઊર્જા મંત્રીએ હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ કોવિડ હોસ્પિટલોને પ્રાથમિકતા આપવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના 12 જિલ્લાઓમાં કુલ 425 કોવિડ હોસ્પિટલો પૈકી 122 હોસ્પિટલમાં પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી 64 હોસ્પિટલોમાં રિપેરીંગનું કામ બાકી છે. આ હોસ્પિટલમાં જનરેટર સેટ દ્વારા વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

 

 

3282 ફિડરો ઠપ્પ, 949 રિપેર કરાયા
પીજીવીસીએલ હેઠળ આવતાં કુલ 3282 ફિડરો ઠપ્પ થઈ ગયા હતા. જેમાં રાજકોટ શહેરના 68, રૂરલ સર્કલના 329, મોરબીના 258, પોરબંદરના 237, જૂનાગઢના 395, જામનગરના 497, ભાવનગરના 205, અમરેલીના 798, બોટાદના 153, સુરેન્દ્રનગરના 173 ફિડરોનો સમાવેશ થાય છે. જેમાં 949 ફિડરો ફરીથી શરૂ કરાયા છે તો હજુ 2333 ફિડરોનુ્ં કામ હાલમાં ચાલી રહ્યાનું જણાવ્યું હતું.

 

 

1800 કરતાં વધુ ગામડાઓ અંધકારમાં ગરકાવ
આને પગલે અમરેલી અને ભાવનગર વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થવા પામ્યું છે. અમરેલી જિલ્લાના 589 અને ભાવનગર જિલ્લાના 550 ગામો અંધકારમાં ગરકાવ થઈ ગયા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના કુલ 2053 ગામડાઓમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. જેમાંથી 249 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે, જ્યારે 1804 ગામડાઓમાં કામગીરી હાથ ધરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS