બાળક ગર્ભમાં હોય ત્યારથી તેના જન્મ પછી ઉછેરશૈલીના આધારે તેનું વ્યક્તિત્વ ધડાય છે.. તેથી બાળકને મોબાઈલ આપી જવાબદારી મુક્ત ન થવું

  • June 18, 2021 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકના ઉછેર, સમાજિકરણ અને વ્યક્તિત્વના વિકાસમાં મહત્વનો ફાળો માતા- પિતાનો હોય છે. બાળક જ્યારથી ગર્ભમાં હોય ત્યારથી માંડી ને બાળકના જન્મ પછી તેની ઉછેરશૈલી ના આધારે વ્યક્તિત્વ ધડાય છે.દરેક બાળક ના વ્યક્તિત્વ વિકાસ પર ઉછેર શૈલી ની અસર જોવા મળે છે.આ આધુનિક સમયમાં બાળકના વ્યક્તિત્વ વિકાસ પર માતા- પિતાની ઉછેર શૈલી ની અસરો જોવા મળી રહી છે.જે બાળક ના વ્યક્તિત્વ વિકાસ તેમજ શિક્ષણ પર  અસરો કરે છે.આધુનિક સમયમાં બાળકમાં જીદીપણું, માતા- પિતા નું કહેવું ન માનવું,પોતાની વાત મનાવવા ધમપછાડા કરવા, મોબાઈલ વ્યસન તેમજ શિક્ષણમાં પણ ક્યારેક રસવિહીન જોવા મળી રહ્યુ છે.ઘણી વખત આવા બાળકને તોફાની કહી લોકો ખિજાતા હોય છે પણ દરેક બાળક તોફાની કે જીદી નથી તેનો જે ઉછેર હોય તેની અસર પણ પડતી હોય છે.


 
ગર્ભાવસ્થા માં જ ખૂબ ધ્યાન દેવું જરૂરી


માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે માતા ને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવુ પડે છે.વર્તન,આવેગો,ખોરાક,વિચારો તેમજ તેની દરેક ક્રિયા પ્રતિક્રિયાની અસર તેના બાળક પર થતી હોય છે.તે ઘણી ક્રિયા માતાના ગર્ભમાં શીખી લે છે.તેથી તેને સારું વાતાવરણ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા.તે સમયે માતા એ પોતાના વર્તન આવેગો ને નિયંત્રણ માં લાવવા જોઈએ.તેમજ તામસી ખોરાકથી દૂર સાદું ભોજન લેવું જોઈએ.તેમજ વિચારો સારા કરવા જેથી તે વિચારોની વિધાયક અસર તેના બાળક પર થાય છે.તેથી જ બાળકના ઉછેર અને વ્યક્તિત્વ વિકાસ નું પહેલું બીજ માતા જ રોપે છે.                                        
બાળકના જન્મ બાદ તેના માતા પિતા બનેં દ્વારા બાળકનો ઉછેર થાય છે.બાળકના જન્મ બાદ મુખ્યત્વે માતા નો ફાળો હોય છે પરંતુ જેમ બાળક મોટું થતું જાય તેમ તે પિતા તેમજ પરિવારના  અન્ય સભ્ય ના સંપર્ક માં આવે છે.બાળકને ખાવું પીવું,બોલવું ,ચાલવું,વગેરે શિક્ષણ માતા પિતા તરફ થી પ્રાપ્ત થાય છે. દરેક માતા પિતા પોતાનાં બાળક નો ઉછેર અલગ અલગ શૈલી ઓ થી કરતા હોય છે.બાળકનું માતા પિતા કે અન્ય વ્યક્તિઓ સાથે નો સંબંધ તેમજ બાળકનો સ્વભાવ એ બાળઉછેર શૈલી પર આધાર રાખે છે. મનોૈજ્ઞાનિકોએ બાળઉછેર શૈલી ઓ આપી છે. જેવી બાળકની ઉછેરની શૈલી હોય તેની અસર બાળકના સમગ્ર વ્યક્તિત્વ પર થાય છે.

સરમુખત્યારશાહી શૈલી: 


આ ઉછેરની શૈલીમાં માતા પિતા તરફથી અમુક નિયમો લાદવામાં આવે છે.નિયમોનું પાલન કરવામાં આવે તો પુરષ્કાર અને જો નિયમોનું પાલન કરવામાં ન આવે તો ધમકાવવું કે સજા કરવી. માતા પિતા તરફથી એવો આગ્રહ રાખવામાં આવે છે કે બાળક પોતાના દરેક નિયમો તેમજ તેમની આજ્ઞા નું પાલન કરે.  અહીં બાળક માતાપિતાની કઠપૂતળી બની જાય છે જેનાથી બાળકમાં ગુસ્સો,બાળકમાં આત્મગૌરવની ઉણપ, બદલા તેમજ વેરવૃત્તિની, ભાવના,તેમજ તેનામાં આત્મવિશ્વાસ નો અભાવ, કમજોર વર્તન,લાગણી પર અવિશ્વાસ જોવા મળે છે.તેમજ બાળકનું એકલા પડી જવું જેની અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળે છે. આવું બાળક મોટું થતા ખૂબ આધિપત્ય વર્તન ધરાવનાર બને છે અને તેનાથી નાના લોકોને હેરાન કરવામાં આનંદ અનુભવે છે.
                 


 અતિ રક્ષણાત્મક શૈલી: 


ઘણા માતા પિતા બાળક પ્રત્યે આધારે પડતાં ભાવુક હોય છે.તે વધારે પડતું બાળકનું રક્ષણ કરે તેમજ વધારે પડતી કાળજી લે છે.તે બાળકના દરેક કાર્ય માં સાથે રહે છે.બાળકને પોતાના સ્વપ્ન કે લક્ષ્ય બતાવીને બાળકને આગળ વધવા માટે કહે છે.બાળક ના પણ પાડી શકતું નથી. બાળક જાતે એક ડગલું આગળ ભરે તો પણ માતાપિતાને ભય લાગે છે. જેના લીધે બાળકનો ઉપરછલ્લો આત્મવિશ્વાસ હોય છે.તેથી બાળક નો યોગ્ય વિકાસ રૂંધાય છે.તે બિનજવાબદાર,સ્વકેન્દ્રી તથા દ્વેશિલું બને છે,ગેરમાર્ગે દોરવાઈ જાય છે.તે મનગમતી પ્રવૃત્તિમાં સમય પસાર કરવા લાગે છે. શિક્ષણ માં પાછળ રહી જાય છે. આવું બાળક કોઈ નિર્ણય જાતે લઈ શકતું નથી. તે હંમેશા કોઈ પર આધારિત રહે છે. નિર્ણય શક્તિ ખૂબ નબળી રહી જાય છે

                                     

બેદરકાર શૈલી: 


નાના બાળકને જમે નહિ એટલે મોબાઈલ હાથમાં પકડાવી દેવો એ આ પ્રકારની શૈલી ગણાવી શકાય. માતા પિતા પોતાની જવાબદારી કે શિસ્ત શીખવવા થી દુર ભાગે છે તેઓ પોતાના બાળક થી દૂર રહી અને પોતાના માં જ વ્યસ્ત રહેતા હોય છે.તેમજ તેના મતે બાળકને જેમ કરવું હોય તેમ કરે તેવી ભાવના ધરાવતા હોય છે.  જેનાથી બાળકમાં સબંધો માં અવિશ્વાસ ,આત્મવિશ્વાસ નો અભાવ,તે પોતાની જાતને અને દુનિયાને પણ તિરસ્કારની ભાવના થી જુએ છે,પોતાની  લાગણી ઓ ને છુપાવે છે,જલ્દી થી કોઈ નો વિશ્વાસ કરી શકતું નથી.

 

આધુનિક યુગમાં માતૃત્વશૈલી ખૂબ મોટી જવાબદારી


આધુનિક સમયમાં માતા પિતા પોતાના બાળક નો ઉછેર ખૂબ લાડકોડ થી કરે છે.જેની નિષેધક અસરો બાળકના વ્યક્તિત્વ વિકાસ અને શિક્ષણ પર જોવા મળે છે. બાળકની દરેક વાત ને વધારે પડતું સમર્થન આપવું,બાળકની દરેક જીદ પૂરી કરવી, બાળક કહે તેમ કરવું,જેથી બાળક પોતાના માતા પિતા ના અતિ પ્રેમ, લાડ,અને હુંફ નો ફાયદો ઉઠાવે છે. બીજી તરફ વધુ પડતા આશાવાદી માતા પિતા પણ નજરે ચડે છે. સતત રેસમાં જ પોતાનું બાળક હોય એ રીતનું વર્તન હોય બાળકને બસ દોડવાનું જ રહે છે. જેથી એક અંતર આવી જાય છે.


 બાળક સમાજ માં પણ અન્ય વ્યક્તિઓ પાસે પણ માતા પિતા જેવા વર્તન ની અપેક્ષા રાખે છે.તેવું વર્તન કે છૂટછાટ ન મળતાં બાળક ગેરમાર્ગે પણ દોરવાઈ જાય છે બાળક મોટું થતાં તેમાં શિસ્ત,યોગ્ય આવડત ,યોગ્ય સંસ્કાર તેમજ  સ્થિરતાની ખામી સર્જાય છે. આવી અતિ લાડ પ્રેમ,હુંફ અને છૂટછાટ વાળી ઉછેર શૈલી બાળક ના ભવિષ્યને ધૂંધળું બનાવે છે.તેમજ તેના વ્યક્તિત્વ વિકાસ,સ્વભાવ,વર્તનભાતો પર વિપરીત અસર જોવા મળે છે.


ભય કે મહામારીમાં માવજતની અસર


જ્યારે પણ ભય કે મહામારીનું વાતાવરણ સર્જાય ત્યારે બાળકના કુમળા મન પર તેની અસર થતી હોય છે. આ સમયે ઘરના લોકોએ ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં નિષેધક વાતો ન કરવી, મૃત્યુકે બીમારીની વાતોથી બાળકને દૂર રાખવું, ગંભીર બાબતો પણ ખૂબ સરળ રીતે અને શાંતિથી સમજાવવી, ઘરમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તેની અસર બાળક પર ન થાય ધ્યાન રાખવું
   


બાળક અનુકરણથી શીખે છે


દરેક બાળક ઘરના વડીલો ખાસ કરીને માતા પિતાને જોઈ, તેમનું વર્તન જોઈ નિરીક્ષણ કરી શીખતાં હોય છે. જો માતા પિતા ઘરમાં અપશબ્દો કે અયોગ્ય વર્તન કરશે તો બાળક એ પણ શીખવાનું છે. એટલે બાળક સામે ખૂબ ધ્યાન પૂર્વક વર્તન કરવું

 

માતા પિતાએ ધ્યાનમાં લેવા જેવી બાબતો


# બાળકનો ઉછેર કરતી વખતે ખૂબ સખત કે ખૂબ નરમ વર્તન ન કરવું. 
# બાળક સામે શબ્દો બોલતી વખતે ખૂબ કાળજી રાખવી
# દંપતિ તરીકે નું કોઈપણ વર્તન જે અયોગ્ય છે તે બાળક સામે ન કરવું
# ઘરના કોઈ નિર્ણય લેતી વખતે બાળકને પણ ભાગીદાર બનાવો
# થોડા નિર્ણય બાળકને પણ લેવા દયો હા તેની મદદ ચોક્કસ કરો પણ તેની તર્ક શક્તિને વિકસવા દયો
# બાળક સામે વ્યસન ટાળવું
# બાળકને મોબાઈલ આપી જવાબદારી મુક્ત ન થાવ

 

એક યોગ્ય ઉછેર શૈલી


પ્રેમ સાથે શિસ્ત નું પાલન કરાવવું,બાળક પ્રત્યે અરસપરસ આદર, પ્રોત્સાહન આપવું,બાળક ને જવાબદારી સોંપવી,જરૂર પ્રમાણે ઉત્તર આપવો ,માર્ગદર્શન પૂરું પાડવું,અરસપરસ વાર્તાલાપ, પરિણામની સભાનતા કેળવવી. જેથી બાળકમાં સ્વાભિમાન તથા બીજા પ્રત્યે આદર ,જવાબદારી પૂર્વકનું વર્તન ,નેતૃત્વ કરી શકે , સાથ સહકાર અને સુમેળભર્યું સામાજિક વર્તન , ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમજ માનસિક રીતે સ્વસ્થ બને છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS