શિવજી ઉગ્ર દેવમાંથી કલ્યાણકારી અર્થાત શંકર કઈ રીતે બન્યા

  • August 01, 2020 12:59 PM 237 views

વેદ સમયના દેવતાઓ અને અત્યારે પૂજાતા દેવતાઓના નામ અને સ્વરૂપ બન્નેમાં સમય જતાં પરિવર્તન આવ્યા છે. કેટલાક ભગવાનનાં નામ વેદની સંહિતાઓમાં છે. આરણ્યક માં કે બ્રાહ્મણોમાં મળતાં નથી. પણ શિવજી આદિદેવ છે એટલે તેનો ઉલ્લેખ રુદ્ર તરીકે વેદનાં ચારેક સૂકતોમાં મળે છે. ઉગ્ર દેવ તરીકે રુદ્રનું સ્વરૂપ શિવ નું મૂળ સ્વરૂપ, આદિ સ્વરૂપ છે. રૂદ્ર પરથી જ અત્યત ઉગ્ર માટે રૌદ્ર શબ્દ બન્યો છે. વેદ પછીના હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શિવજીનું સ્વરૂપ ધીમે ધીમે ઉગ્રમાંથી કલ્યાણકારી થયું. વેદાંતમાં શિવના સ્વરૂપો વધ્યાં. ઉપનિષદમાં રૂદ્રનાં આઠ નામ બન્યાં જેમાંથી ચાર ઉગ્ર અને વિસર્જનકારી નામ રૂદ્ર, શર્વ, ઉગ્ર અને અશની બન્યાં, બાકીના ચાર નામ સૌમ્ય અને કલ્યાણકારી બન્યાં ભવ, ઈશાન, પશુપતિ અને મહાદેવ. પુરાણો સુધીમાં શિવજીનાં વર્ણન ઉગ્ર માંથી ઘટીને શાંત, ગંભીર, અને માનવીય ગુણો તથા વૃતિઓ ધરાવનારાં બન્યા. તેમાં કથાઓ જોડાઈ, બની અને પ્રચલિત થઇ. શંકરનો અર્થ જ કલ્યાણકારી, શાંત એવો થાય છે.


 મહાદેવ મૂળે ઉગ્ર દેવ છે. તેનું રૂદ્ર રૂપ અગ્નિ સ્વરૂપ કહેવાયું છે. શર્વ રૂપ પૃથ્વી સ્વરૂપ, ઉગ્ર રૂપ વાયુ સ્વરૂપ છે, ઈશાન સૂર્ય સ્વરૂપ તથા મહાદેવ ચંદ્ર સ્વરૂપ છે. ઉપનિષદમાં શિવ માત્ર સંહાર કે વિનાશના દેવ નથી કહેવાયા, તેમના સર્જન સાથે પણ જોડવામાં આવ્યા છે. કૃષ્ણ યજુર્વેદ શાખાના શ્વેતાશ્વર ઉપનિષદમાં બ્રહ્મ શક્તિનું વર્ણન છે અને આ શક્તિ જ સૃષ્ટિના કારણરૂપ ગણાવવામાં આવી છે. તેમાં ચોથા અધ્યાયના દસમા શ્લોકમાં કહેવાયું છે કે પ્રકૃતિને માયા સમજવી જોઈએ અને મહેશ્વરને આ માયાના રચયિતા સમજવા જોઈએ. તેના જ અવયવ ભૂતથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. ઉપનિષદોની આ ભૂમિકા પરથી પરબ્રહ્મ સ્વરૂપ શિવ સમજાય છે. જે પરમતત્વ આ સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરે છે તે શિવ જ છે અને જીવ તથા શિવનું ઐકય જ અદ્વૈત છે તે વેદાંતે પ્રતિપાદિત કર્યું અને બ્રહ્મ સાથે એકાકાર થવું એ જ મોક્ષ છે, એ જ પ્રગતિ છે એવું સમજાવતા અહમ બ્રહ્માસ્મિ હું જ બ્રહ્મ છું. અને તત્વમસિ શ્વેતકેતુ તે (બ્રહ્મ) તું જ છે, શ્વેતકેતુ જેવા અમર જ્ઞાન વાકયો નો ઉદ્ભવ થયો. એ જ પરંપરામાં જગદ્ગુરૂ શંકરાચાર્ય એ ગાયું ચિદાનંદ રૂપ શિવોહમ્ શિવોહમ્.’ જેને નિર્વાણ અષ્ટક નામ આપવામાં આવ્યું. નિર્વાણ એટલે મોક્ષ. શંકરાચાર્યએ માત્ર આઠ વર્ષની ઉંમરે, તેમના ગુરુ સાથેની પ્રથમ મુલાકાતમાં પોતાનો પરિચય આપતા આ અદ્ભુત રચના તત્ક્ષણ તેને સંભળાવી હતી, મનો બુદ્ધિ અહંકાર ચિતાની નાહં...! ચિદાનંદ રૂપ: શિવોહમ શિવોહમ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application