રાજકોટમાં કોરોના રાક્ષસની ભયાનક ભૂતાવળ: 318 કેસ

  • April 16, 2021 02:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પખવાડિયામાં જ રાજકોટ શહેરમાં 5126 કેસ મળતાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ: આંખો મીંચીને ટેસ્ટિંગ વધારી દેવાયા બાદ કેસ વધતા મહાનગરપાલિકા તંત્ર ઉંધા માથે

 


રાજકોટ શહેર હવે કોરોના રાક્ષસની ભયાનક ભૂતાવળમાં સપડાઈ ચૂકયું છે અને તેમાંથી કયારે બહાર આવશે તે કોઈ કહી શકે તેમ નથી. શહેરમાં લગાતાર છેલ્લા એક સપ્તાહથી કેસ વધી રહ્યા હોય હવે પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે. રાજકોટ શહેરમાં અનડિકલેર્ડ મેડિકલ ઈમરજન્સી હોય તેવી સ્થિતિ પ્રવર્તી ગઈ છે. મ્યુનિ. આરોગ્ય કેન્દ્રો અને જાહેર ટેસ્ટ બૂથ પર નાગરિકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ તંત્રવાહકો ટેસ્ટ કરાવવા માટે નાગરિકોને અપીલ કરી રહ્યા છે અને બીજીબાજુ જ્યારે નાગરિકો ટેસ્ટ કરાવવા માટે જાય ત્યારે કલાકો સુધી તેમનો વારો આવતો નથી. કોરોના થઈ ગયા બાદ સારવાર મેળવવી તો દુષ્કર જ છે પરંતુ કોરોનાના  ટેસ્ટમાં પણ વારો આવતો નથી તેવી દુ:ખદ સ્થિતિનું નિમર્ણિ થઈ ગયું છે.

 


મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ તા.31 માર્ચથી આજે 15 એપ્રિલ સુધીના એક પખવાડિયામાં જ કોરોનાના 5126 પોઝિટિવ કેસ મળતા રાજકોટ શહેર હવે કોરોનાના સકંજામાં સપડાઈ ગયું છે. છેલ્લા 15 દિવસમાં રાજકોટ શહેરમાં મળેલા કોરોનાના પોઝિટિવ કેસની તારીખ વાઈઝની તારીજ જોઈએ તો તા.31 માર્ચના 172 કેસ, એપ્રિલમાં તા.1લીએ 179 કેસ, બીજી એપ્રિલે 262, ત્રીજીએ 236, ચોથીએ 233, પાંચમીએ 283, છઠ્ઠીના 321, સાતમીએ 395, આઠમીએ 427, નવમીએ 340, દસમીએ 462, 11 એપ્રિલે 405, 12 એપ્રિલે 503, 13 એપ્રિલે 529, 14 એપ્રિલે 551 અને આજે 15 એપ્રિલે બપોર સુધીમાં 318 કેસ મળ્યા છે. તા.31થી 14 એપ્રિલ સુધીના દિવસોમાં જ 5126 કેસ મળ્યા છે.

 


દરમિયાન આજે બપોરે મહાપાલિકાએ જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર રાજકોટ શહેરમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાના 318 પોઝિટિવ કેસ મળ્યા છે અને તે સાથે જ આજ સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 24537 થઈ ગઈ છે. આજ સુધીમાં કુલ 20467 નાગરિકો કોરોનાની સારવાર લઈ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને રિકવરી રેઈટ 83.41 ટકા રહ્યો છે. જ્યારે હાલ સુધીમાં કુલ 8,09,885 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 24537 પોઝિટિવ આવ્યા છે અને પોઝિટિવિટી રેઈટ 2.99 ટકા રહ્યો છે. ગઈકાલે તા.14ના રોજ 14360 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 551ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

 


શહેરીજનો માસ્ક પહેરી રાખે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સાબુ કે સેનેટાઈઝરથી હાથ ધોતા રહે તેમજ અત્યંત જરી કામ વિના ઘર બહાર નીકળવાનું ટાળે તો જ કોરોના વાયરસમાં સંક્રમણથી બચી શકશે. ભીડભાડવાળા સ્થળે બિલકુલ જવું નહીં, કોઈપણ પ્રકારના સામાજિક કે ધાર્મિક મેળાવડામાં ભાગ લેવો નહીં. શકય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી. આ ઉપરાંત કોઈપણ નાગરિકને તાવ, શરદી, ઉધરસ, શ્ર્વાસ રુંધાવો, ગળું પકડાવું, સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો, મોઢું કડવું લાગવું, થાક કે નબળાઈનો અનુભવ થવો જેવા કોરોનાના લક્ષણો પૈકી કોઈપણ લક્ષણ અનુભવાય તો તુરંત જ પોતાનો તેમજ પોતાના પરિવારજનોનો કોરોના ટેસ્ટ કરાવી લેવો અત્યંત હિતાવહ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS