લાલપુર-જામજોધપુરના ખેડૂતોના પ્રશ્ર્ને અને કંપનીના દબાણો અંગે અવાજ ઉઠાવતા હેમંત ખવા

  • February 13, 2023 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર-જામજોધપુરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હેમંતભાઈ ખવા પ્રજાના પ્રશ્નને વાચા આપવા એક્ટિવ મોડમાં કામગીરી કરી રહ્યા છે. ધારાસભ્ય તરીકે ચુંટાયાની સાથે જ તેઓ એ ગામેગામનો પ્રવાસ કરી લોકોની સમસ્યા જાણી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી રહ્યા છે. જેના ભાગરૂપે તાજેતરમાં લાલપુર તાલુકાના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા ફરિયાદ અને સંકલનની તથા ધારાસભ્યની પ્રથમ બેઠક મળી હતી. જેમા ૮૦-જામજોધપુર- લાલપુરના યુવા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પી.એમ. કિશાન સહાય યોજના, અન્ન અને પુરવઠા વિતરણ વ્યવસ્થામાં સુચારૂ આયોજન, કંપનીના દબાણ સહિતની રજુઆત કરી હતી.


વધુમાં ગ્રામીણ કક્ષાએ તલાટી મંત્રીઓની કામગીરી અને અવાર-નવાર સર્જાતા વિજ વિક્ષેપથી ખેડૂતોને પડતી મુશ્કેલીના મામલે સબંધિત અધિકારીઓને રજુઆત કરી ઘટતું કરવા તાકીદ કરી હતી.


ઉપરાંત સંકલનની બેઠક બાદ ધારાસભ્ય હેમંતભાઈ ખવાની ઉપસ્થિતિમાં પીજીવીસીએલ કચેરી જામજોધપુર, લાલપુર, સિક્કા, સમાણા અને શાપરના અધિકારીઓ સાથે વીજ પ્રશ્નના નિકાલ માટે લોકદરબાર યોજાયો હતો. જેમાં અરજદારોની રજૂઆતો સાંભળી ખેડૂતોના પ્રશ્નોનો નિવેડો લાવવા મુદત સાથે લગત અધિકારીઓ દ્વારા ખાતરી અપાઈ હતી.


બીજી તરફ કોરોનાકાળથી એસટીના અનેક રૂટ બંધ હોવાથી મુસાફરો મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેની પરેશાની પારખી એસટી વિભાગના બંધ થયેલા રૂટ શરૂ કરવા રજુઆત કરાઈ હતી. જેના ફળ સ્વરૂપે બાધલા-જામનગર રૂટ વાયા નાના ખડબા, બાબરીયા, રિંજપુર, નાંદુરી, લાલપુર શરૂ કરવામાં આવ્યો છે અને ગોવાણા ગામના પાટિયા ખંભાળિયા રોડ પર તમામ લોકલ બસોને સ્ટોપ પણ અપાયો છે. વધુમાં આરબલુસ જામનગર બસ રૂટને કાનાલુશ સુધી લંબાવાયો છે. તેમજ લોકમાંગને લઈને બસના સમયમાં પણ બદલાવ કરાયો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application