રાજકોટ જળબંબાકાર: ૧૭ ઇંચ

  • September 13, 2021 05:07 PM 

રાજકોટ શહેર ઉપર ભાદરવા મહિનામાં જાણે પિતૃકૃપા વરસી હોય તેમ વ‚ણદેવ મન મુકીને વરસતા રાજકોટ જળબંબાકાર થઇ ગયું છે. ગઇકાલે સવારે ૭-૦૦ વાગ્યાથી આજે બપોરે ૧-૦૦ વાગ્યા સુધીની ૩૦ કલાકમાં કુલ ૧૭ ઇંચ પાણી વરસ્યુ હોવાનું મહાપાલિકાની ફાયરબ્રિગેડ શાખાના કન્ટ્રોલ‚મે જાહેર કર્યું છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતા જળાશયો પૈકી ન્યારી-૧ ડેમ ઓવરફલો થઇ ગયો છે. જયારે આજી ડેમમાં ૪ ફૂટ પાણી આવતા શહેર માટે બે મહિનાનો જળ જથ્થો આવી ગયો છે અને ભાદર ડેમમાં તો રાજકોટને પુરું વર્ષ ચાલે તેટલું પાણી ઠલવાઇ ગયું છે. આ ઉ૫રાંત ન્યારી-૨ અને લાલપરી તળાવ પણ ઓવરફલો થઇ ગયા છે. રાજકોટના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદના લીધે આજી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને નદી કાંઠાના વિસ્તારો રામનાથપરા, જંગલેશ્ર્વર, લલુડી વોંકળી વિગેરે વિસ્તારોમાંથી ૧૦૯૦ લોકોનું સ્થળાંતર કરાયું છે.


વિશેષમાં મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે આજી નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠાના રામનાથપરા, જંગલેશ્ર્વર, લલુડી વોંકળી અને હાથીખાના સહિતના વિસ્તારોમાંથી આજે બપોર સુધીમાં ૧૦૯૦ નાગરીકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તેમના માટે મહાપાલિકાની શાળાઓમાં રાહત રસોડા શ‚ કરવામાં આવ્યા હતાં. આ વિસ્તારમાં રહેતા અમુક દર્દીઓ અને સિનિયર સીટીઝન્સને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા હતાં. બોલબાલા ટ્રસ્ટની મદદથી વિસ્તારમાં ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે આજે સવારથી જ તેમણે સેન્ટ્રલ ઝોન કચેરીના ફાયર બ્રિગેડ કન્ટ્રોલ ‚મમાં ચાર્જ સંભાળ્યો હતો અને તેમની સાથે પ્રદેશ ભાજપ અગ્રતી નીતિનભાઇ ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતાં. શહેરના વિવિધ ૧૮ વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો મળી હતી જેનું તાત્કાલીક અસરથી ફોલોઅપ લઇને નિવારણ કરાવવામાં આવ્યું હતું. પાણી ભરાયાની ફરિયાદો જે વિસ્તારોમાંથી મળી હતી તેમાં રૈયા ગામ વિસ્તાર, રામનાથપરા નદીકાંઠા વિસ્તાર, જંગલેશ્ર્વર, કોઠારીયા રણુજા મંદિર પાસે, કેનાલ રોડ પર લલુડી વોંકળી વિસ્તાર અને અમીન માર્ગના છેડે જયાં આગળ ૧૫૦ ફુટ રીંગ રોડ ટચ થાય છે ત્યાં પાણી ભરાયાની ફરિયાદો મળી હતી જેનો નિકાલ કરાવવામાં આવ્યો હતો.


ફાયર બ્રિગેડ કંટ્રોલ‚મના સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે તા.૧૨-૯-૨૦૨૧ને રવિવારના સવારે ૭ વાગ્યાથી આજે તા.૧૩-૯-૨૦૨૧ને સોમવારે બપોરે ૧ વાગ્યા સુધીની ૩૦ કલાકમાં પશ્ર્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪૩૩ મીમી (૧૭ ઈંચ), ઈસ્ટઝોનમાં ૩૩૪ મીમી (૧૩.૫ ઈંચ) અને સેન્ટ્રલ ઝોનમાં ૩૨૨ મીમી (૧૩.૫ ઈચ) વરસાદ નોંધાયો છે. આ લખાય છે ત્યારે આજે બપોરે ૨ વાગ્યા પછી પણ રાજકોટ શહેરમાં વરસાદ યથાવત રહ્યો છે. જયારે આજે સવારથી વરસેલો વરસાદ જોઈએ તો સવારે ૭ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીમાં પશ્ર્ચિમ ઝોનમાં વધુ ૯.૫ ઈંચ, સેન્ટ્રલ ઝોનમાં ૧૦.૫ ઈંચ અને ઈસ્ટ ઝોનમાં ૧૦ ઈંચ વરસાદ વ્રસ્યો છે.


રાજકોટ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ શહેરીજનોને ખાસ અપીલ કરી છે કે, અત્યંત જ‚રી કામ ન હોય ત્યાં સુધી ઘર બહાર નીકળવું નહીં. હજુ પણ ભારે વરસાદની આગાહી હોય ફાયર બ્રિગેડ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને મ્યુનિ. સ્ટાફને હેડ કવાર્ટર નહીં છોડવા તાકિદ કરાઈ છે.

બપોરે બારથી એક સુધીમાં સાડાચાર ઈંચ ખાબક્યો!
રાજકોટ શહેરમાં છેલ્લી ૩૦ કલાકમાં કુલ ૧૭ ઈંચ વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ સાડાચાર ઈંચ વરસાદ આજે બપોરે ૧૨થી ૧ કલાક દરમિયાન વરસ્યો હોવાનું મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. આજે સવારથી ધીમીધારે વરસાદ ચાલુ હતો અને બપોરે ૧૨ વાગ્યાથી એકાએક ધોધમાર વરસાદ વરસવાનું શ‚ થયું હતું અને આ ૬૦ મિનિટના સમયગાળામાં ૧૧૩ મીમી એટલે કે સાડાચાર ઈંચ પાણી વરસી ગયું હતું. ભાગ્યે જ એક કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસતો હોય છે. ૧૨થી ૧ વાગ્યા સુધીના સમયગાળામાં દર ૧૫ મિનિટે એક ઈંચ પાણી વરસ્યું હતું. શહેરના ત્રણેય ઝોનમાં વરસાદ છે પરંતુ ગઈકાલે સવારે ૭ વાગ્યાથી આજે બપોરે ૧ વાગ્યા સુધીની ૩૦ કલાકમાં સૌથી વધુ વરસાદ પશ્ર્ચિમ ઝોનમાં ૧૭ ઈંચ નોંધાયો છે. જયારે ઈસ્ટઝોનમાં ૧૩.૫ ઈંચ અને સેન્ટ્રલ ઝોનમાં પણ ૧૩.૫ ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ ફાયરબ્રિગેડના સૂત્રોએ જાહેર કર્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS