હાલારમાં આજે માવઠાની આગાહી: ખેડુતોમાં ચિંતા
ત્રણ દિવસ બાદ રાજયમાં ગરમીનો પારો ઉંચકાય તેવી શકયતા
જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલે સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, વાતાવરણમાં થોડો બદલાવ આવ્યો હતો. પરંતુ હવામાન ખાતાના જણાવ્યા મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત સુધીમાં છુટાછવાયા ઝાપટા પડશે. આમ નવી આગાહીથી ખેડુતોમાં ફરીથી ચિંતા જોવા મળી છે.
રાજયમાં ત્રણ દિવસ બાદ ફરીથી ગરમીમાં વધારો થશે અને કેટલાક સ્થળે તાપમાન ૪૦ ડીગ્રીને પાર કરી દેશે. અઠવાડિયા પહેલા આવેલા માવઠાને કારણે હાલારના કેટલાક ગામડાઓમાં ઘઉં, રાય, મરચા, સહિતના કેટલાક પાકને ભારે નુકશાન થયુ હતું અને કેટલાક યાર્ડમાં ઓચિંતા ઝાપટા આવવાને કારણે માલ પણ પલળી ગયો હતો.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૨.૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૫ ડીગ્રી, હવામાં ભેજ ૭૩ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જામનગર શહેરમાં આજ સવારથી વાદળો છવાયા બાદ ઉઘાડ પણ નિકળ્યો છે. મળતા અહેવાલો મુજબ ગામડાઓમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે.
કાલાવડ, ખંભાળીયા, લાલપુર, જામજોધપુર, ભાણવડ, કલ્યાણપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, સલાયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં પણ આજ સવારથી વાદળીયું વાતાવરણ છે, એક તરફ ખેડુતો મગફળી અને કપાસના વાવેતર કરવા માટે મહેનત કરી રહ્યા છે, બીજી તરફ અઠવાડીયામાં ખરા સમયે કાચુ સોનુ વરસ્યું છે તે આગામી દિવસો વાવેતર માટે શુભ સંકેત બની રહેશે અને એક દિવસ ફરીથી વરસાદની આગાહી છે અને ગામડાઓમાં ઝાપટા પડે તેવી શકયતા પણ છે.
રાજયમાં જામનગર ઉપરાંત રાજકોટ, દ્વારકા, જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. અવારનવાર ઝાપટા પડવાથી ખેડુતોના જીવ ઉચાટ થઇ જાય છે. તેવુ પણ કહેવાય છે કે આગામી સમયમાં કેટલીક વખત માવઠુ થતુ નથી, અન્ય દિવસે ઝાપટા પડતા હોય છે. આમ આજ રાત સુધીમાં આગાહીથી ગામડાઓમાં માવઠુ પડે છે કે કેમ તે અંગે તંત્રની પણ નજર છે.