દેશમાં 70 ટકા લોકો રસી લેશે ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવશે: ડો. તેજસ પટેલ

  • April 10, 2021 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જે વ્યક્તિએ રસી લીધી હશે તે 50 ટકા સુરક્ષિત છે, આ વખતે વેક્સિનેશન, વેન્ટિલેશન અને વલ્નરેબલ્સ કેરનું સૂત્ર અપ્નાવવું પડશે: ખ્યાતનામ છ ડોક્ટરોના અભિપ્રાય
 

ગુજરાતના છ ખ્યાતનામ ડોક્ટરોએ કોરોનાના નવા સ્ટ્રેઇન અંગે કહ્યું હતું કે અત્યારના સંક્રમણના સમયમાં માસ્ક, સેનેટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સીંગ ખૂબ જરૂરી છે. એ ઉપરાંત હોસ્પિટલાઇઝેશનથી બચવા માટે પ્રત્યેક વ્યક્તિએ પ્રોટોકોલ પ્રમાણે રસી લેવી જરૂરી છે. લોકોએ ગભરાયા વિના રસી લઇને સંક્રમણને નિયંત્રણમાં રાખવા સહયોગ આપવો જોઇએ.

 


ડો. તેજસ પટેલ સહિતના છ ડોક્ટરોએ કોરોનાના બીજા તબક્કાના સંક્રમણ અંગે તેમના વિચારો વ્યક્ત છે જે આ પ્રમાણે છે....
ડો. તેજસ પટેલ (કાર્ડિયોલોજીસ્ટ) --- કોરોના વાયરસને ઠંડી, ગરમી અને વરસાદની કોઇ અસર થતી નથી, ગમે ત્યારે સંક્રમણ વધી શકે છે. એક સમય એવો હતો કે કેસો ઘટી ગયા હતા પરંતુ કોરોનાના નવા સ્ટ્રેઇન જોવા મળ્યાં છે તેથી વધારે સાવચેતીની જરૂર છે. માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણ અટકી શકે છે. અત્યારે રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે મારી વિનંતી છે કે પ્રત્યેક વ્યક્તિએ રસી લેવી જોઇએ, કે જેથી સંક્રમણ 50 ટકા ઓછું થાય છે અને હોસ્પિટલાઇઝ થવાની જરૂર રહેતી નથી. જે વ્યક્તિએ રસી લીધી છે તે સુપરસ્પ્રેડર બનતો નથી. ગભરાયા વિના રસી લેવી જોઇએ. દેશમાં જ્યારે 70 ટકાથી વધારે નાગરિકો રસી લેશે ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવશે.

 


ડો. વીએન શાહ (ઝાયડસના ડાયાબિટોયોલોજીસ્ટ) --- એકમાત્ર રસીકરણ કોરોનાથી સુરક્ષિત કરી શકે છે. રસી પછી ભલે કોરોના થાય પરંતુ તેની તીવ્રતા ઓછી થઇ જાય છે. એન્ટી બોડી કેપેસિટી વધે છે. રસીના પહેલા ડોઝથી 50 ટકા સુરક્ષા મળે છે. રસીકરણ માટે માસ મુવમેન્ટની જરૂર છે. યંગસ્ટર અને બાળકોમાં કોરોના સંક્રમણ વધ્યું છે તેથી વધારે સાવચેતી રાખવી જરૂરી છે. કોવિડનો યુકે વેરિયન્ટ આપણા દેશમાં છે જે ચાર થી છ ગણી ઝડપથી ફેલાઇ રહ્યો છે. રસીના ડોઝની સામે આડઅસરના માત્ર 0.001 ટકાથી ઓછા કિસ્સા આવતા હોય છે.

 


ડો. દિલીપ માવલંકર (ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ) --- માસ્ક, સેનેટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ ખૂબ જરૂરી છે. કોરોનાનો આ બીજો વેવ ત્રણ ગણો ઝડપી છે તેથી કેસોની સંખ્યા વધી રહી છે. જેમણે રસીકરણ કર્યું છે તેમને કોરોના થવા અંગે સંશોધન ચાલી રહ્યું છે. વિશ્વમાં અલગ અલગ વાયરસની રસી બનાવવામાં વર્ષો વિતી જાય છે ત્યારે કોરોનાની રસી બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો છે જે એક ઉપલબ્ધી છે. રસી એ માત્ર પ્રોડેક્શન છે. જેમણે રસી લીધી છે તેઓ મોટાભાગે બીજાને સંક્રમિત કરી શકતા નથી. આ વખતે વેક્સિનેશન, વેન્ટિલેશન અને વલ્નરેબલ્સ કેરનું સૂત્ર અપ્નાવવું પડશે.

 


ડો. અતુલ પટેલ (સ્ટર્લિંગ હોસ્પિટલના ડાયરેક્ટર) --- કોરોના અંતે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. કોરોના સંક્રમણના 80 ટકા જેટલા દર્દીઓને સામાન્ય લક્ષણો હોય છે તેથી તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. દવા વિના રિકવરી પણ થતી હોય છે. આ દર્દીઓએ માત્ર ખૂબ પાણી પીવું જોઇએ અને આરામ કરવો જોઇએ. શરીરને કષ્ટ પડે તેવી કસરતો કરવી નહીં. ઓક્સિઝન લેવલ 94 કે તેથી વધુ હોવું જોઇએ. જો ઓક્સિજન લેવલ ઓછું થાય તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. રેમડેસિવિર ઇન્જેક્શનની આડઅસર હોવાથી જરૂર ના હોય તો લેવું ન જોઇએ, કારણ કે તે લાઇફ સેવિંગ ડ્રગ્સ નથી. તે માત્ર હોસ્પિટલનો સ્ટે ઓછો કરે છે. તમામ પોઝિટીવ દર્દીઓ માટે સ્ટીરોઇડ પણ લેવું હિતાવહ નથી. આ વાયરસ ચેપી કરતાં ઇન્ફેલેમેટરી ડિસિઝ છે. જે શરીરના અંતરના ભાગ સુધી પહોંચી જાય છે અને ફેફસા, કિડની, લીવર અને આંતરડા જેવા અંગોમાં સોજો પેદા કરે છે. ડેક્ઝામિથેસોન અને ટોસિલિઝુમેબ દવા ઝડપછી રિકવરી લાવે છે.

 


ડો. તુષાર પટેલ (સ્ટર્લિંગના પલ્મોનોલોજીસ્ટ એન્ડ ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ) --- કોરોના સંક્રમણ થયા પછી સૌથી સરળ ઉપાય હોમ આઇસોલેશન છે પરંતુ ઓક્સિઝન લેવલ અને શરીરનું તાપમાન સતત તપાસવું જોઇએ. જો ફીવર હોય તો આઠ કલાકના અંતરે પેરાસિટામોલ લેવી જરૂરી છે. ઊંધા સૂઇ જવાથી ફેફસામાં સંક્રમણ ઘટે છે અને ફાયદો થાય છે. યોગ અને પ્રાણાયામ પણ કરી શકાય છે. કોરોનાની મુખ્ય સારવાર ઓક્સિજન છે. તે પયર્પ્તિ માત્રામાં મળી રહે તો દર્દીને વાંઘો આવતો નથી. આ વેરિયન્ટમાં બાળકોને ઝાડા, પેટમાં દુખાવો, તાવ, સામાન્ય શરદી જેવા લક્ષણો દેખાય છે. આ વખતે યુવાનો અને બાળકોમાં કોરોનાના લક્ષણો વધુ દેખાઇ રહ્યાં છે.

 


ડો. મહર્ષિ દેસાઇ (એપોલોના ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ) --- શરીરમાં પુરતા પ્રમાણમાં પ્રવાહી હોવું જરૂરી છે જે વાયરસ સામે રક્ષણ આપે છે. 20 ટકા કેસો પૈકી 15 ટકાને હોસ્પિટલની જરૂર હોય છે જ્યારે 5 ટકા કેસોમાં આઇસીયુની જરૂર પડે છે. કોરોનાનો આ નવો વેરિયેન્ટ યુકે, બ્રાઝીલ કે સાઉથ આફ્રિકાથી આવ્યો છે તે અંગે સંશોધન ચાલી રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં સિટીસ્કેનની જરૂર હોતી નથી. પોઝિટીવ આવ્યા પછી પાંચ થી સાત દિવસે જરૂર પડ્યે સિટીસ્ક્રેન કરાવી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS