કોરોના સાથે આરોગ્ય તંત્ર પણ ગીયરઅપ : શહેરમાં એક દિવસમાં કરાયા 1192 રેપીડ ટેસ્ટ

  • November 20, 2020 02:05 PM 270 views

રાજકીય સન્માન સમારોહો અને પેટા ચૂંટણી પતતા જ સરકારને કોરોનાની ગંભીરતા પુન: યાદ આવી ગઈ હોય એમ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અને કડક અમલ માટે ફરમાન થયું છે પરિણામે ભાવનગરમાં પણ મ્યુ.આરોગ્ય તંત્ર પુન: હરકતમાં આવી ગયું છે અને ગઈકાલે લાભપાંચમથી જ કામગીરી ચેતનવંતી કરી દેવાઈ છે. નવા રાઉન્ડમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં જ 1100થી વધુ લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો જિલ્લામાં ટેસ્ટનો આંક શહેર કરતા ડબલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મીટીંગોનો ધમધમાટ સાથે તંત્ર વાહકો એક્શનમાં આવી ગયા છે. આજે સાંજે પણ ધન્વંતરી આરોગ્ય રથના મેડીકલ ઓફિસરોની મીટીંગ બોલાવાઈ છે. તો માસ્ક ડ્રાઇવ ટીમ પણ  પૂરતી તાજગી અને જોમ જુસ્સાભેર મેદાને આવી ગઈ છે. આજે સવારે કાળાનાળા ચોકમાં ચેકીંગ ગોઠવી માસ્ક વગર નીકળેલા  લોકોને દંડવામાં આવ્યા હતા.

 

ભાવનગરમાં કોરોના સંક્રમણએ હાહાકાર મચાવ્યા બાદ અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા હતા તો અસંખ્ય લોકોને પથારી ભેગા કરી દીધા બાદ છેલ્લા ઘણા દિવસથી સ્થિતિ નિયંત્રણમાં હતી. તંત્ર વાહકોની રાત દિવસની તનતોડ મહેનત અને લોકજાગૃતિના કારણે પરિણામ લક્ષી કામગીરી થતા કોરોનાના કેસ નહિવત રહ્યા હતા પરંતુ કોરોના સંક્રમણએ પાછો ઉથલો માર્યો હોય તેમ સરકારી આંકડાઓ પરથી ફલિત થાય છે. અન્ય મહાનગરોમાં કેસ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સ્વભાવિક છે કે ભાવનગરમાં પણ ધીમે ધીમે કેસ વધશે. આથી મ્યુ.આરોગ્ય તંત્રને કમિશનર ગાંધીએ પુન: ચેતનવંતું કરી પહેલાની જેમ જ ફરી કામે લાગી જવા જણાવી દીધું છે. ગઈકાલે જ પ્રથમ દિવસે તંત્રએ પોતાની કામગીરીનો પ્રભાવ રેપીડ ટેસ્ટ મારફત દશર્વ્યિો હતો. જેમાં શહેરમાં 1192 રેપીડ ટેસ્ટ નવા રાઉન્ડમાં પ્રથમ દિવસે જ કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય અધિકારી ડો.સિંહાએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. જોકે, આ પૈકી પોઝીટીવ દર્દી મળી આવેલ કેસની સંખ્યા નહિવત હતી. પરંતુ ગંભીરતા સમજી  દરરોજ ટેસ્ટની સંખ્યા વધારવા તેમજ કેસ આવે ત્યાં સર્વે કામગીરી પણ હાથ ધરી દેવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. જરૂર પડે ત્યાં કોરોના ટેસ્ટ માટે તંત્ર કડકાઈ પણ વાપરશે તેવો નિર્દેશ પણ આરોગ્ય અધિકારી સાથેની વાતચીતમાં જાણવા મળ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application