ગુજરાતના ૬૩માં ગૌરવ દિવસની આન-બાન-શાનથી ઉજવણી

  • May 01, 2023 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિનની જામનગર ખાતે પહેલીવાર ઐતિહાસિક અને અદ્દભૂત ઉજવણી થઇ છે, ગુજરાત ગૌરવ દિનની આ ઉજવણીના રાજ્યોત્સવથી શહેરનો માહોલ સંપૂર્ણ બદલાઇ ગયો છે, રાજ્યપાલ અને ગુજરાતના વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં આખો દિવસ ભરચક્ક કાર્યક્રમોનું આયોજન થયું છે, પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, બે મુખ્ય માર્ગ કલાકો સુધી બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવાનો નિર્ણય થયો હતો, ત્યારે પ્રથમવાર જામનગરનો વારો આવ્યો હતો, એ પ્રકારની ઉજવણી આજે ગૌરવ દિવસ નિમિત્તે થઇ હોવાથી લોકો માટે યાદગાર બની રહી છે. 



આજના મુખ્ય કાર્યક્રમો પૈકી સવારે ૧૦.૩૦ વાગ્ય અહીંની સત્યસાઇ સ્કૂલ સામેના મેદાનમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે અને તેમાં આધુનિક શસ્ત્ર સરંજામ લોકોને જોવા માટે રાખવામાં આવ્યા છે, તેને જોતા આપણી સુરક્ષા દળની તાકાતના નમૂના મળે છે, આ શસ્ત્ર પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હાજર નહીં રહી શકતા એમના સ્થળે ગુજરાતના આરોગ્ય મંત્રી કાર્યક્રમોના અઘ્યક્ષસ્થાને રહ્યાં હતાં, બપોરે ૧.૦૦ કલાકે જિલ્લા પંચાયતની સામે સર્કલમાં મુકવામાં આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું છે અને આ તકે જ્યારે હેલીકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી, હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે પ્રતિમાનું અનાવરણ થયું, એ બધા દ્રશ્યો જોવા એ લોકો માટે અદ્દભૂત અને અવિસ્મરણીય બની રહ્યા હતા, ક્ષત્રિય સમાજના ગુજરાતભરના લોકો પરંપરાગત પોષાકમાં જોવા મળ્યા હતા, અત્રે નોંધનીય છે કે મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવાની લાંબા સમયની માંગણી આખરે પરિપૂર્ણ થઇ છે. 



સવારથી બપોર સુધી ઉપરોક્ત બન્ને કાર્યક્રમો માટે શહેરમાં ધમધમાટ ચાલ્યો હતો, બીજી તરફ મંત્રીઓના કાફલા આવવાના શ‚ થયા હતા, એરપોર્ટથી લઇને સર્કીટ હાઉસ અને કાર્યક્રમ સ્થળ સુધી તથા શહેરના મુખ્ય તમામ મથકો ખાતે પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.



આજે સાંજે પાંચ કલાકે ગૌરવપથ પર ટાઉનહોલથી સાત રસ્તા સુધી અદ્દભૂત અને આકર્ષક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ ૧પ દિવસથી ચાલી રહી હતી, આ પરેડમાં ૮૦૦ જવાનો સલામી આપશે, જિલ્લા પંચાયતની બરાબર સામે ક્રિકેટ બંગલા પાસે વિશાળ ડાયસ ઉભું કરવામાં આવ્યું છે, જ્યાં પરેડની સલામી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીના સ્થાને ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રી ઋષીકેશભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, સાંસદો, ધારાસભ્યો દ્વારા ઝીલવામાં આવશે અને આ દ્રશ્ય પણ જામનગર માટે યાદગાર બની રહેશે.



સત્યસાઇ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી ઋષીકેશભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, પુનમબેન માડમ, બીનાબેન કોઠારી, દિવ્યેશભાઇ અકબરી સહિતના મહાનુભાવોની હાજરીમાં ૩પર કરોડના ૩પ૩ વિકાસકાર્યોનું ખાતમુર્હુત કરાયું હતું જેમાં ૪૪ર કામોનું ઇ-લોકાર્પણ, ૧ર૩ કામનું ખાતમુર્હુત અને ૮ કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંત્રીઓ અને સચિવો સહિતના અધિકારીઓએ શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.



રાઘવજીભાઇ પટેલના હસ્તે શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું હતું આ તકે ઋષીકેશભાઇ પટેલ, પુનમબેન માડમ, બીનાબેન કોઠારી, દિવ્યેશભાઇ અકબરી, વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતાં.



બપોરે ક્રિકેટ બંગલા સામે મુકવામાં આવેલી મહારાણી પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું આ સમયે હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા થઇ હતી અને ક્ષત્રિય સમાજે પરંપરાગત પોષાકમાં બાઇક રેલી કાઢી હતી, અનાવરણ વખતે સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application