જામનગરમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી : સિંઘી સમાજમાં ઉત્સાહ

  • March 23, 2023 06:49 PM 

આજે ચેટીચાંદના પવિત્ર દિવસે સિંધી સમાજ અને ઝુલેલાલ મંડળ દ્વારા શોભાયાત્રા, સમુહ ભોજન, સિંધી લાડા ગીત અને રાત્રી સમુહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં સવારથી જ તીનબતી પાસે આવેલા ઝુલેલાલ મંદિરમાં ભકતો દર્શન કરી રહ્યા છે, જામનગરમાં ધર્મમયી વાતાવરણ બન્યું છે, બપોર બાદ સાંજે ૫ વાગ્યે નાનકપુરીથી એક વિશાળ શોભાયાત્રા નિકળશે જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને ઝુલેલાલ મંદિર તીનબતી ખાતે પહોંચશે.


આજ સવારથી જ તીનબતી ખાતે ઝુલેલાલ મંદિરે સવારે ૫ વાગ્યાથી ભાઇ-બહેનોએ દર્શન કર્યા હતાં, ત્યારબાદ સમુહ જનોઇનો કાર્યક્રમ દર વખતની જેમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, ત્યારબાદ બપોરે સમુહ ભોજન (લંગર)નો કાર્યક્રમ જીતુભાઇ લાલના પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો જેમાં ૨૫૦૦થી વધુ ભાઇ-બહેનોએ ભોજન લીધું હતું.
ચેટીચાંદ નિમિતે આજે સાંજે ૫ વાગ્યે નાનકપુરીથી એક વિશાળ શોભાયાત્રા નિકળશે જે પવનચકકી, દિગ્વિજય પ્લોટ, ખંભાળીયા ગેઇટ, સેતાવાડ, બર્ધનચોક, દરબારગઢ, ચાંદીબજાર, દીપક ટોકીઝ, રણજીત રોડ, તીનબતી થઇ ઝુલેલાલ મંદિરે પહોંચશે, માર્ગમાં ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. શોભાયાત્રામાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે, કેટલાક મંડળો દ્વારા આઇસ્ક્રીમ, સરબત અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે, શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પૂ.ભેરાણા સાહેબની જયોતનું તળાવમાં વિસર્જન કરવામાં આવશે અને રાત્રે પણ સમુહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 


શહેરમાં રામેશ્ર્વર મંદિર વિસ્તારમાં સિંધી સમાજ દ્વારા સમુહ ભોજનનો કાર્યક્રમ રખાયો છે જયારે સાધનાકોલોનીમાં આવેલ ઝુલેલાલ મંદિરમાં પણ સમુહ ભોજનનો કાર્યક્રમ રખાયો છે, આ ઉપરાંત બર્ધનચોક ગ્રુપ દ્વારા સમુહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આયો લાલ ઝુલેલાલના નાદ સાથે આજે સવારથી જ ભાઇ-બહેનો દર્શન કરી રહ્યા છે, કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ધ્રોલ, ભાટીયા, રાવલ, લાલપુર સહિતના ગામોમાં પણ ચેટીચાંદના ઉત્સવને દબદબાભેર ઉજવવામાં આવ્યો છે. 


આ સમગ્ર કાર્યક્રમમાં ઝુલેલાલ મંદિરના પ્રમુખ ભગવાનદાસ ભોલાણી, ઉપપ્રમુખ કિશનચંદ ધીંગાણી, ચેટીચાંદ ઉત્સવ કમિટીના ચેરમેન મનીષ રોહેરા, ઓધવદાસ ભુગડોમલ, મુકેશ લાલાણી, પ્યારેલાલ રાજપાલ, હરીશ ગનવાણી સહિતના અગ્રણીઓ અને અનેક કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application