જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાના મોનીટરીંગમાં બેદરકારી સબબ ૨૩ સીઆરસીને નોટીસ ફટકારવામાં આવી છે. રાજ્યકક્ષાએ થયેેલી ચકાસણીમાં શાળાની મુલાકાતમાં અનિયમિતતા અને નિષ્કીયતા ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ મુજબ કારણની જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરને જાણ કરવાની તસ્દી પણ સીઆરસી કર્મચારીઓેએ લીધી ન હતી. જો કે, આ મામલે નોટીસ ફટકારવામાં આવતા સીઆરસી દોડતા થયા છે.
સમગ્ર શિક્ષા અંતર્ગત જામનગર સહીત રાજયભરમાં બ્લોક કક્ષાએ બીઆરસી,સીઆરસી અને કલસ્ટર કક્ષાએ સીઆરસી કો-ઓર્ડીનેટર કાર્યરત છે. સમગ્ર શિક્ષાના નિર્ધારીત હેતુઓ, ઘ્યેય, ગુણવતાલક્ષી કાર્યક્રમો, વિવિધ પ્રવૃતિઓના સુચારૂ અમલીકરણ માટે કાર્યરત સીઆરસી, બીઆરસી, યુઆરસી કો-ઓર્ડીનેટર દ્રારા શાળા મુલાકાત કરવામાં આવે છે. જેમાં કો-ઓર્ડીનેટરોને બજેટના અમલીકરણ માટે તેમના કાર્યક્ષેત્રમાં નિશ્ચિત કરેલી શાળાઓમાં દર મહીને નકકી કરેલી શાળાઓની મુલાકાત માટે મોનીટરીંગ કરવાનું થાય છે. આ સમગ્ર કામગીરીના ખરેખર સમય મોનીટરીંગ માટે રાજયકક્ષાએથી સીઆરસી, બીઆરસી, યુઆરસી કો-ઓર્ડીનેટરો માટે ઓનલાઇન મોનીટરીંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
ત્યારે રાજયકક્ષાએથી વીકસાવાયેલી મોનીટરીંગ સિસ્ટમ અંતર્ગત જે તે મહીનામાં ઓનલાઇન મોનીટરીંગ માટે નિયત કરેલી શાળાની મુલાકાત અંતર્ગત સીઆરસી,બીઆરસી, યુઆરસી કો-ઓર્ડીનેટર દ્રારા શાળા મુલાકાતની રેન્ડમલી ચકાસણી રાજયકક્ષાએથી કરવામાં આવી હતી. જેના ઓનલાઇન રીપોર્ટમાં અનિયમિતતા અને નિષ્ક્રીયતા ખૂલી હતી. જે અંગેનો રિપોર્ટ રાજયકક્ષાએથી જામનગર સહીત રાજયના તમામ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારીને મોકલવામાં આવ્યો છે. જેમાં જામનગર જિલ્લાના ૨૩ સીઆરસીને અનિયમીતતા અને નિષ્ક્રીયતા સબબ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર દ્રારા નોટીસ ફટકારવામાં આવી છે.આ નોટીસની કાર્યવાહીના પગલે સીઆરસી કો-ઓર્ડીનેટર દોડતા થયા છે અને ટૂંકા ગાળામાં શાળાની નિયમ મુજબ ૧૦૦ ટકા મુલાકાત લીધી હોવાનું ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
બીજી બાજુ કો-ઓર્ડીનેટરોની નિષ્ક્રીયતા અને અનિયમિતતા દૂર થાય અને ઓનલાઇન મોનીટરીંગના સુચારૂ અમલીકરણ માટે સમગ્ર શિક્ષાના સચીવે પરિપત્ર કરી દરેક જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરને સૂચનો કર્યા છે. જેમાં કો-ઓર્ડીનેટરો શાળાની સમયમર્યાદામાં મુલાકાત લે તે માટે જિલ્લા કક્ષાએથી યોગ્ય મોનટરીંગ વ્યવસ્થા કરવા જણાવાયું છે. તદઉપરાંત જે કો-ઓર્ડીનેટરોની કામગીરીમાં અનિયમિતતા અને નિષ્ક્રીયતા જણાય તેને તાકીદ કરી અથવા જરૂર પડયે સુનવણી કરી તેમની પ્રતિનિયુકતી અંગે નિર્ણય કરવાની કાર્યવાહી જિલ્લા કક્ષાએથી કરવા આદેશ કરાયો છે. સાથે સાથે કો-ઓર્ડીનેટરોની પ્રતિનિયુકતિ રદ કરવાના કિસ્સામાં આ નિર્ણયથી નારાજ કો-ઓર્ડીનેટરોએ આદેશની તારીખથી ૧૫ દિવસમાં રાજયકક્ષાએ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરને અપીલ કરી શકશે. સમયમર્યાદા બહાર કરેલી અપીલ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.