રાજકોટના કેબલના વેપારી સાથે ગોરેગાંવના દંપતીએ કરેલી રૂ.56.71 લાખની ઠગાઈ

  • March 12, 2021 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈના ગોરેગાંવમાં પેઢી ધરાવનાર દંપતીએ અગાઉ ઉધારમાં માલ મગાવી સમયસર પેમેન્ટ કયુર્ં: 2020ના જાન્યુઆરી માસમાં 56.71 લાખનો માલ ઉધારમાં મગાવ્યા બાદ હાથ ઉંચા કરી દીધા: મુંબઈ સ્થિત ઓફિસમાં પણ તાળાં



મુંબઈના ગોરેગાંવમાં રહેતા અને અહીં પોલીરીસ કેબલ નામની પેઢી ધરાવનાર દંપતીએ રાજકોટના કેબલના વેપારી પાસેથી ઉધારમાં માલ મગાવ્યા બાદ પૈસા ન ચૂકવી રૂ.56.71 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

 


રાજકોટમાં દિવાનપરા મેઈન રોડ પર શેરી નં.4ના ખૂણે અર્ષ કોમ્પ્લેકસમાં રહેતા અને ભાવનગર રોડ પર કચ્છી પટેલ ઉદ્યોગનગરમાં ઈન્ડિયા ગ્લાસ સ્ક્રેપ ટ્રેડર્સના નામે કેબલ વાયરનો વેપાર કરનાર યાસીનભાઈ મહંમદભાઈ ગાંજા (ઉ.વ.56) દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં મુંબઈના લોખંડવાલા કોમ્પ્લેકસમાં રહેતા અને ગોરેગાંવમાં પોલીરીસ કેબલ નામની પેઢી ધરાવનાર અશોક આત્મારામભાઈ ભણસાણી અને તેની પત્ની શીતલબેન સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 


ફરિયાદમાં જણાવ્યા મુજબ 2019માં ફરિયાદીનો મુંબઈ સ્થિત આ દંપતી સાથે પરિચય થયો હતો અને તેઓ કેબલ વાયરનો વેપાર કરતા હોય બન્ને વચ્ચે વ્યાપારીક સંબંધો સ્થાપિત થયા હતા. અગાઉ ફરિયાદીએ કેબલ વાયર ઉધારમાં આપ્યા બાદ આરોપી દંપતીએ નિયમિત સમયે પેમેન્ટ કર્યું હતું જેથી ફરિયાદીને તેમના પર વિશ્ર્વાસ આવ્યો હતો અને બન્ને વચ્ચે વેપારી કોન્ટ્રાકટ પણ કરવામાં આવ્યો હતો.

 


દરમિયાન તા.8-1-2020થી તા.25-1-2020 દરમિયાન ફરિયાદી યાસીનભાઈએ પોતાની પેઢીમાંથી કેબલ અને વાયરનો 56,71,119નો માલ ઉધારમાં મોકલ્યો હતો. બાદમાં દંપતિએ 15 દિવસમાં પેમેન્ટ કરવાની વાત કરી હતી પરંતુ પેમેન્ટ કર્યું ન હતું. દરમિયાન લોકડાઉન આવી ગયુંં હતું ત્યારે લોકડાઉનના લીધે ધંધો ચાલતો ન હોય તેવા બહાના કાઢયા હતા.

 


બાદમાં વારંવાર ફોન કરવા અને સંપર્ક કરવા છતાં મગાવેલ માલનું પેમેન્ટ ન કરતાં ફરિયાદીએ પોતાના એકાઉન્ટન્ટ હમીદ ભટ્ટીને મુંબઈના ગોરેગાંવ આરોપીઓની ઓફિસે તપાસ કરવા મોકલતા તેમની ઓફિસે તાળાં લાગી ગયા હોવાનું માલુમ પડયું હતું જેથી ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા તેણે આ અંગે ડીસીબીમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી દંપતી સામે આઈપીસીની કલમ 406, 420, 120-બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS