વાવાઝોડાની સ્થિતીને પહોંચી વળવા તંત્ર સજ્જ, ૭૮ શહેરી અને ૧૩ ગ્રામ્ય કોવીડ હોસ્પિટલમાં વીજપુરવઠો જળવાઇ રહે તે માટે જનરેટરો ઉપલબ્ધ કરાવાયા, જિલ્લા કલેકટરે આપી વિગતો

  • May 17, 2021 09:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સૌરાષ્ટ્રને ટકરાઈને પ્રચંડ વાવાઝોડુ પસાર થવાનું છે ત્યારે તેની અસર રાજકોટ જિલ્લામાં પણ જોવા મળી હતી. રવિવારે રાત્રે શહેરમાં પણ જોરદાર પવન ફુંકાવાની શરુઆત થઈ હતી. ત્યારે લોકોને આ સમયમાં ઘરમાં જ રહેવા જિલ્લા કલેક્ટર રેમ્યામોહને અપીલ કરી હતી. વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા રાજકોટ વહિવટીતંત્ર સુસજ્જ છે આથી લોકોએ આ બાબતે ભય રાખવાની જરૂર નથી તેમ આશ્વસ્ત કરતા જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યુ હતું.

 


વાવાઝોડાનો સામનો કરવા રાજકોટ વહિવટીતંત્ર દ્વારા કરાયેલ તમામ તૈયારીઓ ની વિગતો આપતા કલેકટરએ જણાવ્યું હતું કે તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓને ફરજ સોંપાય ગયેલ છે. હાલ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલોને ઓકસીજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઇ છે. ઓકસીજન પ્લાન્ટમાંથી ઓકસીજનના પુરવઠાનું પરિવહન કરતા ટેન્કરોને પણ અડચણો ન આવે તે માટે ખાસ ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરાઇ છે. જેમાં જિલ્લાના હાઇ-વે, માર્ગ અને મકાન (રાજય તથા પંચાયત) પોલીસ અને વનવિભાગને રોડ કલિયર રાખવા સુચીત કરાયા છે. આ ઉપરાંત તમામ ૭૮ શહેરી અને ૧૩ ગ્રામ્ય કોવીડ હોસ્પીટલમાં વીજપુરવઠો  જળવાઇ રહે તે માટે ખાસ જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે

 


તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર દવાઓનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરાવાયો છે. ગ્રામ્ય વિસ્તારના ૩૪ જેટલા ગામોના કુલ ૨૦૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ કરી દેવાઇ છે. સગર્ભા મહિલાઓને પણ સલામત સ્થળે શીફટ કરવા સુચના અપાઇ છે. આ તકે તેઓએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરતા જણાવ્યું હતું કે “સાવચેતી એ જ સલામતી”  સૌ લોકો ઘરમાંજ રહે અને સલામત રહે તે જરૂરી છે. શહેર ના જુદાજૂદા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરાયેલા હોર્ડીગ્ઝને કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે હાઇ-વે, માર્ગ અને મકાન (રાજય તથા પંચાયત)  તથા નગરપાલીકાઓને સુચના અપાઇ છે. તેઓએ ખાસ કરીને વાડી વિસ્તારમાં વસતા લોકો ગામમાં સલામત સ્થળે આશ્રય લેવા અપીલ કરી હતી. ભારે વરસાદની શકયતાઓને લઇને નદી ના પટ કે નીચાણ વાળા પુલો પરથી અવરજવર ન કરવા તાકીદ કરી હતી. તેઓએ ઉમેર્યું હતુ રાજકોટની આસપાસના જિલ્લાને પણ જરૂર પડયે સહાયતા કરવા જિલ્લા વહિવટી તંત્ત્ર તૈયાર છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS