જામનગર જિલ્લા પંચાયતની ૭ મી જુલાઇએ સામાન્ય સભા યોજાશે
કારોબારી, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ સહિત આઠ સમિતિના ચેરમેન અને સભ્યોની નિમણુંક કરાશે
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી પુર્ણ થયા બાદ નવા પદાધિકારીઓએ સુકાન સંભાળ્યુ છે હવે આગામી તા.૭ જુલાઇના રોજ જિ.પં.ની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ મહત્વપુર્ણ સમિતિઓની વિધિવત રચના કરાશે.
સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાયેલ કાર્યવાહીને બહાલી અપાશે. જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ તેઓએ પદભાર સંભાળી લીધો છે પરંતુ વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની વરણી હજુ બાકી છે ત્યારે વહીવટી કામગીરીને સુચારૂ રૂપ આપવા માટે ૭મી જુલાઇના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે.
જેમાં જુદી જુદી કુલ આઠ સમિતિઓની રચના કરવામાં આવશે જે સમિતિઓમાં કારોબારી અને શિક્ષણ સમિતિમાં સાત સાત સદસ્યો, જાહેર બાંધકામ સમિતિમાં પાંચ સભ્ય, ઉપરાંત ઉત્પાદન-સહકાર અને સિંચાઇ સમિતિ, મહિલા અને બાળ વિકાસ, યુવા તેમજ જાહેર આરોગ્ય અને સામાજીક ન્યાય સમિતિમાં સંભવત ચાર-ચાર સદસ્યોની નિયુકિત કરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા પંચાયતની મહત્વની સમિતિમાં ખાસ કરીને કારોબારી, શિક્ષણ, બાંધકામ, આરોગ્ય, વગેરે સમિતિમાં સ્થાન મેળવવા માટે નવ નિર્વાચિત સદસ્યો દ્વારા ગતિવિધી તેજ કરી દેવામાં આવી છે. ચેરમેન પદ કે સદસ્ય પદ મેળવવા માટે સ્થાનિક ઉચ્ચ નેતાઓ, સંગઠનનાં અગ્રણીઓનો સંપર્ક સાધી લોબીંગ પણ શરૂ કરી દેવાયું છે.