જામનગર જિલ્લા પંચાયતમાં જનરલ મહિલા, દ્વારકામાં એસસી-એસટી બનશે પ્રમુખ
જામનગર જિલ્લા પંચાયતમાં રેસ લાગવાની શકયતા, દ્વારકામાં કદાચ સતવારા, આહીર, ક્ષત્રિય સમાજ ચુંટણીમાં નિરસ રહી શકે: એસસી, એસટીમાં સારો એવો સળવળાટ: નવા જાહેર થયેલા રોટેશન બાદ થોડુ ઘણું રાજકીય ચિત્ર બદલાવવાની પૂરેપુરી શકયતા
રાજયની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી આવી રહી છે ત્યારે રાજયના વિકાસ કમિશનર દ્વારા બેઠકવાઇસ અનામત રોટેશન ગઇકાલે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામતના ઉમેદવાર પ્રમુખપદ સંભાળશે જયારે દ્વારકામાં એસસી, એસટી નવા રોટેશનમાં પ્રમુખપદનો તાજ સંભાળશે. કેટલીક તાલુકા પંચાયતમાં રોટેશનમાં ફેરફાર થયા છે.
જામનગર જિલ્લા પંચાયતમાં ગઇ ટર્મમાં મહિલા પ્રમુખપદે હતા હવે ફરીથી આ રોટેશન મુજબ ફેરફાર થશે જિલ્લાની છ તાલુકા પંચાયતના પ્રમુખપદની વાત કરીએ તો જામનગરમાં ઓબીસી પુરૂષ, કાલાવડ તા.પંચાયતમાં અનુ.જાતિ મહિલા, જામજોધપુરમાં ઓબીસી મહિલા, ધ્રોલમાં સામાન્ય પુરૂષ, જોડીયામાં સામાન્ય મહિલા, અને લાલપુર તા.પંચાયતમાં સામાન્ય પુરૂષને સતા સોંપવામાં આવશે.
જામનગર જિલ્લા પંચાયતના રાજકારણમાં પણ સળવળાટ થઇ ચુકયો છે કારણકે રોટેશન એવું આવ્યું છે કે મોટા ભાગના માંધાતાઓને બેઠક બદલવી પડશે. વળી આ વખત બીજી વખત મહિલા સતાનુ સુકાન સંભાળશે. એટલે જામનગર જિલ્લા પંચાયતના ૨૪ બેઠકના રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાની શકયતા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસસી, એસટીને પ્રમુખપદ આપવામાં આવશે જેને કારણે રાજકારણમાં કંઇક નવા ફેરફાર આવી શકે છે. ખાસ કરીને ક્ષત્રિય, સતવારા, આહીર જ્ઞાતિના લોકો જોઇએ તેટલુ જોશથી ચુંટણીમાં કદાચ કામ ન કરે તેવી શકયતા છે. હવે રોટેશન જાહેર થઇ ચુકયુ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી છે. રોટેશન જાહેર થયા પછી મહાપાલિકા, જિલ્લા પંચાયત, અને તા.પંચાયતની અને નગરપાલિકાની ચુંટણીઓમાં ભારે ગરમાવો જોવા મળશે. કદાચ ત્રિપાંખીયો જંગ પણ ખેલાશે.