BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિ.પંચાયતના પ્રમુખપદે ગૌરીબેન, ઉપપ્રમુખ ચીમનભાઇ નકુમ બીનહરીફ

  • May 23, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિ.પંચાયતના પ્રમુખપદે ગૌરીબેન, ઉપપ્રમુખ ચીમનભાઇ નકુમ બીનહરીફ

ધ્રોલ, જોડીયા, કાલાવડ, લાલપુર, અને જામનગરના પ્રમુખ, ઉપપ્રમુખ જાહેર: જામજોધપુરમાં હજુ અવઢવ: દ્વારકા જિલ્લાનાં દ્વારકા, ખંભાળીયા, ભાણવડ, અને કલ્યાણપુર તા.પંચાયતના હોદેદારોના નામો સોમવારે જાહેર થશે.
​​​​​​​
દેવભૂમિ દ્વારકા જિ.પંચાયતમાં વિપક્ષના કોઇ સભ્યએ ફોર્મ ન ભરતા ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી બિનહરીફ થઇ હતી. હવે રાજકારણ શાંત પડયુ છે, ભાજપના ઉમેદવાર પ્રમુખપદે ચુંટાયા છે, ગૌરીબેન જેઠાભાઇ હાથીયા પ્રમુખ અને ચીમનભાઇ દેવશીભાઇ નકુમ ઉપપ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા છે. જયારે કારોબારી સમિતિનાં ચેરમેનપદે રંજનબેન કશ્યપની વરણી થઇ છે. 

દ્વારકા જિ.પંચાયતમાં રર બેઠકોમાંથી ૧૮ બેઠકોમાં ભાજપ ચુંટાઇ આવ્યું હતું. ફોર્મની પ્રક્રિયામાં આપ અને કોંગ્રેસના કોઇ ઉમેદવારોએ ફોર્મ નહિ ભરતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીનો રસ્તો કલીયર થયો હતો. તા.૨૫ના રોજ વિધિવત જાહેરાત કરવામાં આવશે. જયારે દ્વારકા તા.પંચાયતની દ્વારકા, ખંભાળીયા, ભાણવડ, અને કલ્યાણપુર પંચાયતના હોદેદારોના નામ સોમવાર તા.૨૫ના રોજ જાહેર થશે.

જામનગર તા.પંચાયતની વાત લઇએ તો સરસ્વતીબેન ખાણધર પ્રમુખ અને દિવ્યાબા જાડેજા ઉપપ્રમુખપદે નિયુકત થયા છે, જયારે ધ્રોલમાં પ્રવિણભાઇ લીંબાસીયા પ્રમુખ, ઉર્મિલાબેન દલસાણીયા ઉપપ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા છે. જોડીયા તા.પંચાયતમાં વૈશાલીબેન ચનીયારા પ્રમુખ અને ચેતનભાઇ રામપરીયા ઉપપ્રમુખપદે ચુંટાઇ આવ્યા છે જયારે કાલાવડમાં અનુ.જાતિની બેઠકના ઉમેદવાર સેજલબેન બથીયાર પ્રમુખપદે અને હરપાલસિંહ જાડેજા ઉપપ્રમુખપદે ચુૅટાઇ આવ્યા છે. લાલપુરમાં આમ આદમી  પાર્ટીના દેવાભાઇ કરંગીયા પ્રમુખ અને દિવ્યાબા જાડેજા ઉપપ્રમુખ પદે ચુંટાઇ આવ્યા છે. જયારે જામજોધપુરમાં કોંકડુ ગુંચવાયુ છે. અને પુજાબેન મોરી અને કવિબેન કરંગીયા ઉપપ્રમુખપદે ચુંટાઇ તેવી શકયતા છે.

જામનગર જિ.પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી તા.૨૫ના રોજ થશે. જયારે તેની સાથે દ્વારકા તા.પંચાયતની તમામ ૪ બેઠકોના હોદેદારોની ચુંટણી પણ સોમવારે કરવામાં આવશે. કલ્યાણપુરમાં કોંગ્રેસનું શાસન હશે જયારે લાલપુરમાં આમ આદમી પાર્ટીનું શાસન આવશે આમ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને એક એક પંચાયત મળી છે જામનગરની ૮ અને દ્વારકાની ૪ પંચાયતો ભાજપે કબજે કરી છે. આજે બપોરે જામનગર જિલ્લાની તા.પંચાયતના હોદેદારોની સતાવાર જાહેરાત થઇ જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application