જામનગર : બેડેશ્વર વિસ્તારમાં ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ કરતા એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.
બેડેશ્વર ખાતે સંજય મીલની પાછળની ગલીમાં આરોપી મનસુખભાઈ રામાભાઈ સોલંકી (ઉ.વ. ૩૪), રહે. રાંદલનગર, નવાઘામ ઘેડ, જામનગર જાહેરમાં ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસનું રીફિલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી આસપાસના લોકોના જીવને જોખમ ઊભું થયું હતું.
પોલીસે સ્થળ પરથી ગેસના ભરેલા બાટલા નંગ ૪, અર્ધભરેલો બાટલો નંગ ૧, ખાલી બાટલા નંગ ૩ તેમજ બે લોખંડની નોઝલ મળી કુલ રૂપિયા ૧૬,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીને નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.