ખીજડીયા બાયપાસ પાસે ટેન્કરોમાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું

  • August 07, 2023 05:38 PM 

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ નજીકના વિસ્તારમાં કેટલાક શખ્સસો દ્વારા જાહેર જનતાના જીવને જોખમમાં મૂકીને એલપીજી ભરેલા ગેસ ટેન્કર માંથી મોટાપાયે ગેસની ચોરી કરીને  નાના-મોટા બાટલાઓમાં ગેસનું રીફિલિંગ કરી મોટુ કારસ્તાન ચલાવવામાં આવતું હોવાનું એસ.ઓ.જી. શાખા ની ટુકડીને ધ્યાનમાં આવ્યા પછી દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી બે ગેસ ટેન્કરો ઉપરાંત ૫૬ નંગ ગેસ રીફિલિંગ ના બાટલા અને તેને લગતી સામગ્રી સહિત ૭૪.૩૧ લાખની માલમતા કબજે કરી લીધી છે. આ ગેરકાયદે રીતે ગેસ રીફિલિંગનું કારસ્તા  ચલાવનાર મુખ્ય સૂત્રધાર સહિત બેની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


 જામનગરની એસ.ઓ.જી શાખાના પીઆઇ ચૌધરી, પીએસઆઇ પરમાર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતો વનરાજસિંહ સોઢા નામનો શખ્સ કે જે રાજકોટના ભાણો નામના અન્ય એક શખ્સની મદદથી મોટી ખાવડીમાંથી એલપીજી  ભરીને નીકળનારા ટેન્કરો માંથી જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા પાટીયા નજીક આવેલી એક હોટલમાં પાછળના ભાગમાં ગેસ રીફિલિંગ નું કારસ્તાન ચલાવવામાં આવે છે, અને ગેસ ટેન્કરના સિલ તોડી વાલ્વ માંથી ગેસ ની ચોરી કરી બાટલાઓમાં ટ્રાન્સફર કરી જાહેર જનતાના જીવને જોખમમાં મુકાય તેવુ કારસ્તાન કરી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમી મળી હતી.


 જે બાતમી ના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ ખીજડિયા બાયપાસ નજીક આવેલી સુપ્રીમ હોટલના પાછળના ભાગમાં એક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન જુદા જુદા બે ગેસ ભરેલા ટેન્કર માંથી તેના વાલ્વ ના સીલ તોડી છેડછાડ કરી નળી મારફતે ૨૦ કિલોના કોમર્શિયલ  માં ગેસ રીફિલિંગ નું કારસ્તાન આચરવામાં આવતું હોવાનું રંગે હાથ પકડી પાડ્યું હતું. 


એસ.ઓ.જી. ની ટુકડીએ પાડેલા દરોડા દરમિયાન ગેસની ચોરી કરી રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના રત્નાભાઇ દેવાભાઈ મોરી, ભાણવડ નજીકના જંબુસર ગામના મનીષ અરશીભાઈ ઓડેદરા, જામજોધપુરના સતાપર ગામના સામત માયાભાઈ હુણ, જમ્મુ કાશ્મીરના વતની અને ટેન્કરના ડ્રાઇવર સુદેશ નાનોરામ દિગરા, તેમજ રાજસ્થાનના જોધપુરના વતની ગેસ ટેન્કર ચાલક કરણસિંહ ચતુરસિંહ પાંચેયને ઝડપી લીધા હતા, અને તેઓ પાસેથી ગેસ ભરેલા બે ટેન્કરો ઉપરાંત ગેસ રિફિંલીંગને લગતી સામગ્રી, એક મહિન્દ્રા પીકઅપ વેન, તેમજ ૫૬ નંગ કોમર્શિયલ ગેસના ખાલી- ભરેલા બાટલાઓ વગેરે મળી કુલ ૭૪,૩૧,૭૯૮ લાખ ની માલ સામગ્રી કબજે કરી લેવામાં આવી હતી. 


જે પાંચેય આરોપીઓ સામે પંચકોથી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે, અને તમામ સામે આઈપીસી કલમ ૨૮૫ અને ૧૧૪ની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડયો ત્યારે મુખ્ય સૂત્રધાર શેખપાટ ગામનો વનરાજસિંહ સોઢા અને રાજકોટનો ભાણો નામનો શખ્સ કે જે બંને ભાગી છુટ્યા હોવાથી પોલીસે તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application