સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા : વિઘ્નહર્તાનું વાજતે ગાજતે કરાયું સ્વાગત

  • September 10, 2021 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની મહામારીને લીધે ગત વર્ષે ગણેશોત્સવની મોટે પાયે મંજૂરી આપવામાં આવી ન હતી. જયારે આ વખતે 4 ફૂટની મૂર્તિ સાથે શેરી-ગલીમાં યોજાતા ગણેશોત્સવને મંજૂરી મળતાં સૌરાષ્ટ્રભરમાં વિઘ્નહર્તાને વધાવવાની તૈયારીઓ દિવસોથી શરૂ થઈ ગઈ હતી. આખરે આજે ઠેર ઠેર બાપ્પાનું શુભ મૂહુર્તમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે શેરીઓ-ગલીઓ ગુંજી ઉઠી હતી. આ વર્ષે મહત્તમ લોકોએ ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કર્યું છે તો અનેક લોકોએ તો ઘરે જ મૂર્તિ બનાવી તેનું ભાવપૂર્વક સ્થાપન કર્યું હતું.

છેલ્લા ઘણાં વર્ષોથી ગણેશોત્સવ દરમિયાન 'મિની મહારાષ્ટ્ર'માં રૂપાંતરીત થતાં સૌરાષ્ટ્રમાં એક વર્ષના બ્રેક પછી ફરી વખત બાપ્પાનું શેરી ગલીઓમાં સ્થાપ્ન શક્ય બન્યું છે. સરકારે 4 ફૂટ સુધીની મૂર્તિ સાથેની સાર્વજનિક ગણેશોત્સવની મંજૂરી આપી હતી, જેને પગલે ઠેર ઠેર આજે સવારે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. 11 દિવસ સુધી ચાલનારા આ ગણેશોત્સવમાં સાર્વજનિક પંડાલોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તો લોકોએ ઘરે પણ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરી હતી.

રાજ્ય સરકારે ખૂલ્લા મેદાનમાં 400 લોકોની મર્યાદા સાથે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપવાની સાથે ડીજે તથા સંગીતના કાર્યક્રમોને પણ મંજૂરી આપી છે. જેને લીધે આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવમાં સંગીતની સુરાવલી માણવા મળશે. મિની મહારાષ્ટ્ર એવા સૌરાષ્ટ્રમાં પખવાડીયાથી જ ગણેશોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આજે તમામ સાર્વજનિક પંડાલો અને ઘરે ઘરે વિઘ્નહર્તાની 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે ધામધૂમ પૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. આજથી 11 દિવસ હવે દરરોજ સવારે તથા સાંજે દુંદાળાદેવની આરતી, છપ્પન ભોગ તથા અન્નકોટના દર્શન, ભક્તિ સંગીત સહિતના કાર્યક્રમોમાં ભાવિકો લીન થશે.

સામાન્ય રીતે ગણેશોત્સવ 11 દિવસનો હોય છે. પરંતુ આ વર્ષે તિથીનો ક્ષય હોવાને લીધે ભાવિકો 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા-અર્ચના કરી ભાવભીની વિદાય આપશે. આ વર્ષે અનેક ભાવિકોએ ઘરે જ માટી તથા ચોકલેટ સહિતની ઈકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓમાંથી મૂર્તિ બનાવી તેની જ સ્થાપ્ના કરી હતી. તો સ્થાપ્ન વિધિને ધ્યાને લઈને ફૂલ, હારના વેપારીઓને ત્યાં ઘસારો જોવા મળ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application