લૂંટના તરકટથી અજાણ મિત્રએ પોલીસથી બચવા એસિડ પીધું: મોત

  • July 21, 2021 06:36 PM 

આંગડિયા પેઢીના ભેજાબાજ કર્મીએ ૩૦ લાખ રૂપિયા હજમ કરવા કર્યુ હતું કારસ્તાન
બેન્કેથી રૂપિયા લઈને નીકળ્યા બાદ બાઈકસવાર બે શખસોએ લૂંટની સ્ટોરી બનાવી નાણા પિતરાઈ ભાઈને ફોન કરી મોકલી આપ્યા: પોલીસ તપાસમાં ભાંડો ફૂટો, પોલીસ ફેકટરી પર પહોંચતા યુવકે એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત

 


શહેરના ૧૫૦ ફટ રિંગરોડ પર બાલાજી હોલ નજીક આવેલી એસ.જી. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીના કર્મચારી સંજય અંબાવીભાઈ ભીમાણી (રહે.બાંસુરી પેલેસ વીંગ–એ ફલેટ નં.૩૨, કુંજન ટાઉનશિપ સામે, ૧૫૦ ફટ રિગરોડ) એ જ પેઢીના ૩૦ લાખ રૂપિયાની રકમ ઓળવી જવા માટે બાઈકસવાર બે શખસોએ લૂંટી લીધાનું તરકટ રચતા પોલીસે છએક કલાકની મહેનતના અંતે લૂંટ નહીં પરંતુ પેઢીના રૂપિયા ઓળવી જવા લૂંટનું તરકટ કર્યાનું ખૂલ્યું હતું. સંજયે સગેવગે કરેલા નાણાં નવાગામ મિત્રને ફેકટરીએ મોકલી દેતા નાણાં લેવા ગયેલી પોલીસને જોઈ પકડાઈ જવાના ડરે મિત્ર કેતન ભવાનભાઈ સદાદીયા એસિડ પી જતાં સારવારમાં ખસેડાયો યાં સવારે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.  લૂંટના નાટકના ભેજાબાજ કર્મી સંજય ભીમાણીની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

 


ઘટનાની પોલીસના સૂત્રોની વિગતો મુજબ એડવોકેટ નિલેશ મનસુખભાઈ  ભાલોડી (ઉ.વ.૪૦, રહે.માધવ રેસિડેન્સી, ફલેટ નં.૩૦૨, ૧૫૦ ફટ રિંગરોડ) બાલાજી હોલ પાસે એસ.જી. એન્ટરપ્રાઈઝ નામે આંગડિયા પેઢી ધરાવે છે યાં જેન્તીભાઈ ભીમાણી અને સંજય ભીમાણી સાથે બેસે છે. ગઈકાલે બપોરના સમયે નિલેશભાઈ તેના મોટાભાઈ ભાવેશની મવડી સ્મશાન પાસે વેલ ક્રિસ્ટલ હેવનમાં આવેલી ઓફિસ પર હતા ત્યારે નિલેશને ભાવેશ પાસેથી પેઢીના નાણાં લેવાના હોવાથી ભાવેશે ૩૦ લાખનો સેલ્ફનો ચેક આપ્યો હતો. જે ચેક વટાવવા નિલેશે પેઢીના કર્મચારી સંજયને આપ્યો હતો. કેકેવી સર્કલ પાસેની એકિસસ બેન્ક પરથી ૩૦ લાખ લઈને સંજય નીકળ્યો હતો. એક સાથે મોટી રકમ હાથ લાગતા સંજયની દાઢ ડળકી હતી અને લૂંટનું ત્રાગુ રચી રકમ હજમ કરી જવા પ્લાન બનાવ્યો હતો. સંજયે નવાગામ કારખાનું ધરાવતા પિતરાઈ ભાઈ બિપીનને રકમ લઈ જવા કહ્યું હતું. બિપીને ફેકટરીમાં જ ઉપરના માળે જગ્યા ભાડે રાખી ઈમિટેશનની ભઠ્ઠી ચલાવતા કેતનને રૂપિયા લેવા મોકલ્યો હતો.

 


કેતન આવતા સંજયે પોતાની પાસે રહેલો થેલો કેતનને સોંપી દીધો હતો. સમય થવા છતાં સંજય રૂપિયા લઈને ઓફિસે પહોંચ્યો ન હતો. એ દરમિયાન એક શખસ આવ્યો અને તેણે કહ્યું કે સંજયભાઈને મવડી કણકોટ રોડ પર લૂંટી લીધા છે. નિલેશે સંજયને ફોન કરતા ફોન સ્વિચેઓફ હતો જેથી નિલેશ કાર લઈને નીકળતા થોડે આગળ સંજય ચાલીને આવતો નજરે પડયો હતો. સંજયે શેઠ નિલેશને પોતે રૂપિયા લઈને આવતો હતો ત્યારે મવડી કણકોટ રોડ, ગોલ ટ્રાયો રેસિડેન્સી પાસે બે અજાણ્યા શખસોએ આવી રૂપિયા ભરેલો થેલો અને મોબાઈલ ફોન તથા બાઈકની ચાવી લઈ લૂંટી લીધાની સ્ટોરી વર્ણવી હતી. નિલેશને સંજયની વાત પર શંકા ઉપજી હતી. નિલેશે લૂંટારા કઈ તરફ ગયા તે પૂછયું હતું અને સંજયને કારમાં બેસાડી લૂંટના દર્શાવેલા સ્થળ પર લઈ ગયો હતો યાં સંજયનું એકિટવા પડયું હતું.

 


સંજય ગોળ–ગોળ વાતો કરતો હોય શંકા વધુ ધ્ઢ બની હતી અને તાલુકા પોલીસને લૂંટ સંદર્ભે જાણ કરી હતી. પીઆઈ ધોળા તથા સ્ટાફે સ્થળ નિરીક્ષણ સીસીટીવી ચકાસ્યા. શંકાસ્પદ બનાવ હોવાથી કર્મચારી સંજયની પોલીસની ઢબે પૂછતાછ કરતા સંજય પોપટ બની ગયો હતો અને નાણાંભીડ હળવી કરવા લૂંટનું નાટક કર્યાની વાત વર્ણવી હતી. પોલીસકાફલો સંજયે યાં રૂપિયા મોકલાવી દીધા હતા ત્યાં નવાગામ શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ પર પહોંચ્યો હતો. પોલીસને જોઈને જ કેતન પોતે પણ હવે ફસાશે તેવા ડરે કારખાનામાં જ રહેલું એસીડ પી ગયો અને ભાગવા જવા પ્રયાસ કર્યેા હતો. કેતનને તુરતં જ સારવારમાં ખસેડાયો હતો યાં આજે સવારે તેણે દમ તોડી દીધો હતો. મૃતક કેતન કુવાડવાના સાતડા ગામનો વતની અને બે ભાઈમાં નાનો હતો.

 


માસ્ટર માઈન્ડ સંજય સામે એડવોકેટ અને આંગડિયા પેઢી સંચાલક નિલેશ ભાલોડીએ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પીઆઈ જે.વી.ધોળાના જણાવ્યા મુુજબ ૨૩ લાખની રકમ કબજે કરાઈ છે. હાલતો સાત લાખની રકમ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી તેમજ તેના ભાઈ વિમલની પણ પૂછપરછ કરાઈ રહી છે. મૃતક યુવાને પૈસા લીધા હતા કે કેમ? તે બહાર આવ્યું નથી. લૂંટના રૂપિયા હોવા બાબતે બન્ને અજાણ હતા. સંજયે અગાઉ ડ્રાઈવિંગ કામ કરતો હતો. લોકડાઉનમાં કામ બધં થઈ જતા મકાનના હા ચઢી જતા નાણાભીડ દૂર કરવા લૂંટનું તરકટ રચ્યાની પોલીસ સમક્ષ કેફિયત આપી હતી.

 

 

મોબાઈલ સ્વિચઓફ કરીને લૂંટના સમાચાર આપવા અન્યને મોકલ્યો
શિકારી ખુદ શિકાર હો ગયાની જેમ જ ગુનેગાર કોઈ ભૂલ કરી બેસે માફક આરોપી સંજયે લૂંટનું નાટક કરી પોતાના પિતરાઈ અને મિત્રને નાણાં મોકલી આપ્યા હતા અને શેઠની ઓફિસે એક ઈસમને લૂંટ થયાના સમાચાર આપવા મોકલ્યો હતો. શેઠે મોબાઈલ કર્યેા તો પહેલેથી જ મોબાઈલ પણ લૂંટી ગયાનું દર્શાવવા સ્વિચઓફ કરી દીધો હતો.

 

પેઢી ચાલુ કર્યાના ૨૦ દિવસમાં જ કર્મચારીએ જ બનાવ્યો પ્લાન
આંગડિયા પેઢી હજુ ગત તા.૧–૭–૨૧ના રોજ નિલેશ ભાલોડી દ્રારા ચાલુ કરાઈ હતી. ૨૦ દિવસના સમયગાળામાં નિલેશે કર્મચારી સંજય પર મુકેલા વિશ્ર્વાસનો સંજયે ભગં કર્યેા હતો અને કદાચિત મોટો દલ્લો હાથ લાગી જશે એવા આશયથી જ નોકરીએ રહ્યો હોય તેમ ૨૦મા દિવસે જ ૩૦ લાખની રકમ હાથ લાગતા લૂંટનું નાટક રચ્યું હતું.

 

સીસીટીવી ફૂટેજમાં પણ પોલીસને મળી કડી
આરોપીએ જે સ્થળે લૂંટ થઈ અને કયાં રૂટ પરથી આવતો હતો તે વિગતો પોલીસ સમક્ષ સ્પષ્ટ્ર વર્ણવી શકયો નહીં. ઉપરાંત લૂંટારૂઓના વર્ણનમાં પણ ગોળ ગોળ ફરી વાતો કરતો હતો. પોલીસે એ રૂટના સીસીટીવી ચેક કરતા સંજય જ ચાલીને લઈને જતો દેખાયો હતો. કડક પૂછતાછમાં બધુ કબુલી ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS