જામનગરમાં બે શેડ ખરીદવાના બહાને ૧.૪૦ કરોડની છેતરપીંડી
બે ભાઈઓએ સોદો કર્યા પછી નાણાં નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત કર્યો
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના બે ભાઈઓએ બે વર્ષથી રૂપિયા નહીં ચૂકવી એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.
જામનગરમાં હરિયા સ્કૂલ સામે, મહાવીર એપાર્ટમેન્ટ રૂમ નં. ૨૦૨માં રહેતા અને ઉદ્યોગનગર વિસ્તારમાં મુંબઈના મહાજન વેપારીની મિલકતો વગેરે સંભાળતા અને કારખાનાનું એકમ ચલાવતા મેહુલભાઈ વીરચંદ શાહ નામના મહાજન વેપારીએ જામનગરના દિ.પ્લોટ ૫૮ વિસ્તાર, કૃષ્ણ કોલોની શેરી નં. ૫માં રહેતા મુકેશ મંગળજી મકવાણા તેમજ શાંતિલાલ મંગળજી મકવાણા સામે રૂપિયા એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીના શેઠ રાજનભાઇ ગડાને આરોપીઓએ વિશ્ર્વાસમાં લઇને ફરીયાદીના નામના લોનના ચેક દર્શાવી શેડ નં. ૧૩/૨/એ તથા શેડ નં. ૧૩/૨/બીના વેચાણ કરાર મુજબ કુલ રૂ. ૧.૬૫ કરોડમાં સોદો આશરે બે વર્ષ પહેલા કરીને સુથી પેટે ૫૧ હજારની રકમ આપી હતી. જયારે બાકી રહેતા ૧.૪૦.૨૫.૦૦૦ જેવી માતબર રકમ બાકી હોવા છતા રાજનભાઇના બંને પ્લોટ / શેડ પોતાના નામે કરાવી બાકીની રકમ નહીં ચુકવી લોન થશે તો પૈસા આપશું તેવા ખોટા વાયદાઓ બંને આરોપીઓએ કરીને ફરીયાદીના શેઠ સાથે વિશ્ર્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી.
આશરે બે વર્ષ પુર્વે શંકરટેકરી જીઆઇડીસી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો અને લાંબા સમય વિતવા છતા બાકીની રકમ નહીં ચુકવીને ખોટા વાયદાઓ આપવામાં આવતા હોય આખરે મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો છે, જે ફરીયાદના આધારે બંને જૈન બંધુઓની અટકાયત કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.