BREAKING NEWS

દ્વારકામાં કમાવવાની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપી ફ્રોડ આચરતી ટોળકી પકડાઈ

  • July 09, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં કમાવવાની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપી ફ્રોડ આચરતી ટોળકી પકડાઈ

૬૬.૧૬ લાખના ટ્રાન્ઝેક્શન કરનારા ૪ આરોપીઓની પુછપરછ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનતા સાયબર ફ્રોડના ગુન્હાઓ અટકાવવા અને ગુન્હા સાથે સંકળાયેલ મ્યુલ બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા સૂચના આપવામાં આવી હતી. 

જેના અન્વયે ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.જી.રાઠોડ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બેન્ક ઓફ ઇન્ડિયાની ખંભાળીયા શાખા તથા એસબીઆઈ બેન્કની ભાણવડ શાખાના બેન્ક એકાઉન્ટ ધારકો અને તેમના મળતીયાઓ વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરું અને સાયબર ફ્રોડના બે જુદા-જુદા ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે આ મામલે બેન્ક એકાઉન્ટ ભાડે આપી રાતો-રાત પૈસા કમાવવાની લાલચમાં સાયબર ફ્રોડના કુલ રૂ. ૬૬,૧૬,૦૦૦/- ની આપલે કરનાર મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ અને આ એકાઉન્ટ્સનો સાયબર ગુન્હામાં વપરાશ કરનારા ૪ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં યોગીરાજસિંહ દશરથસિંહ ચુડાસમા (રહે. ગાયત્રી નગર, ખંભાળીયા), સિધ્ધરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહીલ (રહે. નોકરીયાત સોસાયટી, તળાજા, જી.ભાવનગર), અરશીભાઇ મારખીભાઇ બેરા (રહે. માનપર ગામ, તા. ભાણવડ) અને શીવમ અરવિંદભાઇ વિસાવાડીયા (રહે. કુંભારપાડો, ભાણવડ) નો સમાવેશ થાય છે. 

આ સફળ કામગીરી સાયબર ક્રાઇમ પીઆઈ એચ.જી.રાઠોડ, પીએસઆઈ બી.કે.કડછા, હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઇ, ભરતભાઇ, હેભાભાઇ, સાજણભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરપાલસિંહ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સફળ ઓપરેશન બાદ દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ જનતાને અપીલ કરી છે કે પોતાના નામે કે પેઢીના નામે ખોલાવેલ બેન્ક એકાઉન્ટ ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે અન્ય વ્યક્તિને આપવા એ ગુન્હો બને છે, જેથી જો કોઈ આવી રીતે બેન્ક એકાઉન્ટની માંગણી કરે તો સતર્ક રહેવું, અન્યથા કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.  

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application