દડીયામાં ઇંટોના ભઠ્ઠાના ધંધાથી સાથે પોણા લાખની છેતરપીંડી
ગુગલ-પેથી એડવાન્સ રૂપીયા લઇ કોલસો પુરો પાડયો નહીં : થાનગઢના શખ્સ સામે રાવ
જામનગર નજીક દડીયા ગામમાં ઇટોનો ભઠ્ઠો ધરાવતા આધેડને ઓપન કટીંગ કોલસો જોતો હોય જેથી થાનગઢના શખ્સનો સંપર્ક કર્યો હતો, ગુગલ પે એડવાન્સથી ૭૫ હજારની રકમ લઇ લીધા બાદ કોલસો પુરો નહી પાડીને છેતરપીંડી કરવામાં આવતા મામલો પોલીસમાં પહોચ્યો છે. જયાં ફરીયાદના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
જામનગરના પટેલ પાર્ક શેરી નં. ૬માં રહેતા અને દડીયા ગામ નદી કાંઠે ઇંટોનો ભઠ્ઠો ધરાવતા સુનિલ નાનજીભાઇ ચાવડાએ થાનગઢના ચાંદળીયા ગામના રામભાઇ ભરવાડ નામના શખ્સ વિરુઘ્ધ છેતરપીંડી કર્યાની પંચ-બીમાં ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી સુનિલભાઇને ૨૮ થી ૩૦ ટન જેટલો ઓપન કટીંગ પ્રકારનો કોલસો જોઇતો હોય જેથી તેઓએ રામભાઇનો મોબાઇલ પર સંપર્ક કર્યો હતો આથી ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇને ૧ ટન કોલસાના ૪૩૦૦ ભાવ લેખે ૭૫ હજાર ગુગલ પેના માઘ્યમથી એડવાન્સ લઇ લીધા હતા.
ત્યાર બાદ કોલસો પુરો નહી પાડીને તેમજ આજ સુધી રૂપીયા પરત નહી કરીને છેતરપીંડી આચરી હતી. ગત ડીસેમ્બર મહીનામાં બનાવ બન્યાનું ફરીયાદમાં જાહેર થયુ છે. ઠગાઇ કરનાર શખ્સની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.