ખીમરાણા પાટીયા પાસે ફોરવ્હીલે ઠોકર મારતા પરિવારના ચાર સભ્યોને ઇજા
ખીરીથી દર્શન કરીને બાઇકમાં પરત ફરતા અકસ્માત નડયો : ઠેબા ચોકડી પાસે કારે રીક્ષાને હડફેટે લેતા ચાલકને ફ્રેકચર
જામનગરના ખીમરાણા પાટીયા પાસે બે દિવસ પહેલા એક ફોરવ્હીલ ચાલકે બેદરકારીથી ચલાવીને બાઇકને ઠોકર મારતા એક પરિવારના ચાર સભ્યોને નાની મોટી ઇજા પહોચી હતી, બીજા બનાવમાં ઠેબા ચોકડી પાસે ૧૦ દિવસ પહેલા કારચાલકે પેસેન્જર રીક્ષાને ઠોકર મારતા રીક્ષા ડ્રાઇવરને ફ્રેકચર જેવી ઇજા થઇ હતી આ બંને બનાવમાં પોલીસ ફરીયાદો નોંધાવવામાં આવી છે.
જામનગરના લાલવાડી નાગમતી આવાસ રૂમ નં. ૭૦૪માં રહેતા વનરાજસિંહ બાલુભા જેઠવા (ઉ.વ.૪૩) તથા સાહેદ તેમના પત્ની જયશ્રીબેન, દિકરી કામ્યાબા (ઉ.વ.૧૫) અને પુત્ર ભાગ્યરાજસિંહ (ઉ.વ.૧૧) વાળાઓ મોટરસાયકલ નં. જીજે૨૫એફ-૪૩૩ લઇને ગત તા. ૧૨ના ખીરી ગામ પાસે આવેલ હનુમાનજીના મંદિરેથી દર્શન કરીને પરત ઘર તરફ આવતા હતા.
દરમ્યાન રાત્રીના ૧૦-૩૦ વાગ્યાની આસપાસ જામનગર-રાજકોટ હાઇવે ખીમરાણા પાટીયા પાસે પહોચતા પાછળથી એક અજાણ્યા ફોરવ્હીલના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરીયાદીને માથાની પાછળ અને કોણીના ભાગે તેમના પત્નીને નેણ પર ઇજા અને હાથમાં ફ્રેકચર, દિકરી-દિકરાને છોલછાલ જેવી ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન ચાલક કાર લઇને નાસી ગયો હતો.
વનરાજસિંહ જેઠવા દ્વારા આ બનાવ અંગે ગઇકાલે પંચ-એમાં અજાણ્યા ફોરવ્હીલના ચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં જીજી હોસ્પીટલ પાછળ કબીરનગરમાં રહેતા રીક્ષાચાલક મોહમદરફીક બોદુભાઇ નાયક (ઉ.વ.૫૨)એ ગઇકાલે પંચ-બીમાં કાર નં. જીજે૬પીએચ-૦૭૫૦ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગત તા. ૫ના બપોરના ૧૨ વાગ્યાના સુમારે ઠેબા ચોકડી પાસે ઉપરોકત નંબરની ફોરવ્હીલ કારના ચાલકે ગફલતભરી રીતે ચલાવી રોડ ક્રોસ કરતી સીએનજી રીક્ષા નં. જીજે૧૦ટીઝેડ-૦૧૪૬ પેસેન્જર ભરીને નીકળતા રીક્ષાને ઠોકર મારી હતી. જેમાં ફરીયાદીને પછાડી દઇ નાકના ભાગે ફ્રેકચર, માથામાં મુંઢ ઇજા અને હાથ પગમાં ઉપરાંત પેસેન્જરને છોલછાલ જેવી ઇજા પહોચાડી હતી.