રાજ્યમાં પહેલીવાર દિવ્યાંગ-વૃદ્ધ મતદારો ઘરેથી કરી શકશે મતદાન

  • October 28, 2020 02:04 AM 864 views

આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં દરેક વોટનું મહત્વ હોય છે અને તેને વાસ્તવિક બનાવવા માટે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી પંચે તેવા મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટના વિકલ્પ્નો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે, જેઓ દિવ્યાંગ છે તેમજ જેમની ઉંમર 80 વર્ષથી ઉપર છે. આમ કરવાથી તેઓ આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઘરેથી આરામથી મતદાન કરી શકશે.અબડાસા. લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ. ડાંગ અને કપરાડા બેઠકના આશરે 18 લાખ મતદારો છે, જેઓ 3 નવેમ્બરે મતદાન કરવા જશે. ધ ગુજરાત ચીફ ઈલેક્ટોરલ ઓફિસને આ બે કેટેગરીમાં આવતા લગભગ 50 હજાર મતદારો પાસેથી રજિસ્ટ્રેશન ફોર્મ્સ મળ્યા છે.


ચીફ ઈલેક્ટોરલ ઓફિસર ડો. એસ મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ’અમને 8 મતદારક્ષેત્રમાંથી રજિસ્ટ્રેશન્સ મળ્યા છે. જેમાંથી 13 હજાર દિવ્યાંગોના છે. જેઓ આ સુવિધાનો લાભ મેળવવા માગતા હોય તેમણે અમને જાણ કરવી પડશે અને અમે અમારી ટીમને તેમના ઘરે મોકલીશું કે જેથી તેઓ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકે’..આ આઠ મતદારક્ષેત્રમાં 3,024 મતદાન મથક છે. મત ગણતરી 10 નવેમ્બરે થશે. તેમણે આ વિશે વિગતવાર સમજાવતા કહ્યું કે, આ પોસ્ટલ બેલેટ સેવા થોડી અલગ છે. અહીં, સુવિધાનો ઉપયોગ કરવા માગતા ઈચ્છુક લોકોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અધિકારીઓ બેલેટ લઈને આા મતદારોના ઘરે જશે અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મતદાનની વીડિયોગ્રાફી કરશે.

આવતા અઠવાડિયાથી ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાશે. ’અમે વોટિંગ સ્લિપ આપવા માટે આવતા અઠવાડિયે ડોર ટુ ડોર અભિયાન શરુ કરીશું. અમે મતદારની માર્ગદર્શિકા પણ વહેંચી રહ્યા છીએ. જે આવા મતદારોને આપવામાં આવતી સુવિધાઓને સૂચિબદ્ધ કરે છે’, તેમ તેમણે કહ્યું હતું. કોરોના મહામારીના સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાન મથક પર જતાં મતદારોની સુરક્ષા માટે તેમને ગ્લવ્ઝ અને સેનિટાઈઝર આપવામાં આવશે. પ્રવેશ આપતા પહેલા થર્મલ ગનથી તેમનું ટેમ્પરેચર માપવામાં આવશે તેમજ બૂથ પર ભીડ ભેગી કરવા દેવામાં આવશે નહીં.


જો કોઈ મતદારનું તાપમાન વધારે હોવાનું જાણવા મળે છે, તો તેને શંકાસ્પદ કોવિડ-19 કેસો માટે ખાસ બનાવવામાં આવેલા આઈસોલેશન એરિયામાં રાહ જોવાનું કહેવામાં આવશે.એનએસએસ, એનસીસીના સભ્યોને મતદાન મથકો પર ઉભા રહેવાનું કહેવામાં આવશે. તેઓને ટોકન આપવામાં આવશે અને મતદાનના છેલ્લા કલાકમાં તેઓ પોતાના મતદાન મથકમાં જઈને મત આપી શકશે.સામાન્ય રીતે મતદાન મથકો પર ચાર અધિકારીઓની ટીમ હોય છે પરંતુ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સીઈઓ ઓફિસે આશા કાર્યકર અથવા મિડ-ડે મીલ કાર્યકરને તેમજ પેરામેડિક સ્ટાફ સહિત વધુ બે વ્યક્તિઓને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. સીઈઓ ગુજરાત એનએસએસ અને એનસીસીની પણ મદદ લેશે, કે જેમનું કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાણ નથી. તેઓ મતદાન મથકે આવતા મતદારોને મદદ કરશે.


આ મતદારક્ષેત્રના સંરક્ષણ અને અન્ય સેવાના લગભગ 850 મતદારોને પણ પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે. ’તેમને તેમના બેલેટ પેપર ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવશે. તેમણે તેની પ્રિન્ટ કાઢ્યા બાદ મતને ચિન્હિત કરીને પોસ્ટ દ્વારા ઓફિસે મોકલવું પડશે’.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application