BREAKING NEWS

ગીર સોમનાથમાં ૩૧૦ કરોડનાં સાયબર ફ્રોડ રેકેટમાં દ્વારકાના શખ્સ સહિત પાંચ પકડાયા

  • June 13, 2026 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથમાં ૩૧૦ કરોડનાં સાયબર ફ્રોડ રેકેટમાં દ્વારકાના શખ્સ સહિત પાંચ પકડાયા

ભાડે અપાયેલા બેંક ખાતામાં દેશભરના ૨૯૦ લોકો સાથે થયેલી ઓનલાઇન ઠગાઇ

ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે  ઓપરેશન મ્યૂલ હન્ટ ૨.૦ અંતર્ગત દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી ૩૧૦ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. કમિશન મેળવવાની લાલચમાં બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપનાર વેરાવળ, રાજકોટ તથા દ્વારકાના પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેકટર એમ.એ. ઝણકાત તથા ટીમે જિલ્લાના કાર્યક્ષેત્રની બેન્કોમાં ખોલવામાં આવેલ મ્યૂલ એકાઉન્ટની માહિતી પોલીસ મહાનિરીક્ષકની કચેરી, જૂનાગઢ તરફથી પ્રાપ્ત થઇ હતી. તેમજ સમન્વય
પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર ઉપલબ્ધ ફરિયાદોના એનાલિસિસ દરમિયાન કેટલાક શંકાસ્પદ બેન્ક ખાતાઓ સામે આવ્યા હતા. જે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એકાઉન્ટ ધારક દ્વારા પોતાના બેન્ક ખાતાઓ સાયબર ફ્રોડની પ્રવૃત્તિઓ માટે ભાડે આપવામાં આવ્યા હતા અને તેના બદલામાં કમિશન મેળવવામાં આવતું હતું.

તપાસમાં સામે આવ્યું કે બેન્ક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી કુલ ૧૯૩ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ. ૨૮૨ કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા તથા કેનરા બેન્કના એક ખાતામાં એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી કુલ ૯૭ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ. ૩૭ કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ રીતે બંને ખાતાઓમાં કુલ ૨૯૦ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ.૩૧૦ કરોડના સાયબર ફ્રોડના નાણાં વિવિધ રાજ્યોના ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી ટ્રાન્સફર થયેલ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.

આ અંગે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મ્યુલ એકાઉન્ટ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની પૂછપરછ અને તકનિકી તપાસ દરમિયાન અન્ય વ્યક્તિઓની સંડોવણી બહાર આવતા અલગ-અલગ ટીમો રચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસના પરિણામે કુલ-૫ આરોપીઓ આકાશ ભરતકુમાર પાલા (રહે.વેરાવળ),  હિરેન રાજગોર (રહે. રાજકોટ), આશુતોષ ઠાકર (રહે. દેવભૂમી દ્વારકા), અજય દાફડા ( રહે. રાજકોટ), દીપકગીરી અપરનાથી (રહે. વેરાવળ)ની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application