એક વોર્ડ એક કોર્પોરેટર કેસની સુપ્રીમ કોર્ટમાં તારીખ 19ના ફાઇનલ સુનાવણી

  • January 13, 2021 11:03 AM 707 views

છ વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટનો વર્બલ ઓર્ડર: જો ચૂંટણી જાહેર થશે તો પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ પડશે

એક વોર્ડ દીઠ માત્ર એક કોર્પોરેટર કે ચૂંટાયેલા સભ્ય હોવો જોઈએ તેવી મતલબની રીટ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે સુપ્રીમ કોર્ટમાં કરી છે. છ વર્ષથી ચાલતા આ કેસમાં મંગળવારે સુનાવણી રાખવામાં આવી હતી અને તેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત તરફથી ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ અને અશ્વિન રાવલે જોરદાર દલીલો કરતાં સુપ્રીમ કોર્ટે આગામી તારીખ 19 ના રોજ આ કેસમાં ફાઇનલ સુનાવણી કરવામાં આવશે તેવો વર્બલ ચુકાદો આપતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાં એક તરફથી ભાજપ ,કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા થનગનતા ટિકિટના દાવેદારોને ભારે તૈયારી કરી રહ્યા છે બરાબર તેવા સમયે જ છ વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે આગામી તારીખ 19 ના રોજ ફાઇનલ સુનાવણી રાખતા હવે શું થશે તેવા સવાલો ગુજરાતના રાજકારણમાં પૂછાતા થઈ ગયા છે.


સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાના વર્બલ ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે તારીખ 19 ના રોજ ફાઇનલ સુનાવણી હાથ ધરવામાં આવશે અને તારીખ 20મી સુધીમાં તે પૂરી કરી દેવામાં આવશે. આ સમયગાળા પહેલાં જો રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે તો પણ સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપશે તેને અનુસરવું પડશે.


કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલમાં જણાવ્યું હતું કે છ વર્ષથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે કેસ ચાલુ હોવા છતાં 2015માં ચૂંટણીઓ ગુજરાતમાં થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં 2020 ની ચૂંટણીનું જાહેરનામું પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ થવાનું છે.ન્યાય મળવામાં આટલો બધો વિલંબ થવાથી સ્વાભાવિક રીતે જ નિરાશા જન્મે છે.


કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે અલગ અલગ બે રિટ પિટિશન સુપ્રીમકોર્ટમાં કરી છે અને છ વર્ષથી કેસ ચાલી રહ્યો છે ફાઇનલ સુનાવણીમાં કાનૂની પ્રશ્નોને કારણે વિલંબ થતો હોવાથી ન્યાયના અધિકાર સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે તેવી દલીલ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.


ગુજરાતમાં નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં સંભવત: તારીખ 20 આસપાસ જાહેર થાય તેવી શક્યતા છે બરાબર તેવા સમયે જ સુપ્રીમ કોર્ટે છ વર્ષ જૂના કેસમાં આગામી તારીખ 19 ના ફાઇનલ સુનાવણી રાખતા રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી છે. નરેન્દ્ર રાવતે 2015માં સ્પેશિયલ લીવ પીટીશન નંબર 24950 અને 2020માં રિટ પિટિશન (સિવીલ) 786 નંબર થી દાખલ કરી છે બંને રીટની સંયુક્ત ફાઇનલ સુનાવણી આગામી તારીખ 19 ના રોજ રાખવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application