કોરોના સામે લડત : ફેસબુકે ગુજરાતની સ્કૂલના કર્યા વખાણ

  • March 19, 2020 04:50 PM 528 views

સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે. આ વાઇરસની હજુ સુધી કોઈ રસી કે દવા શોધાઈ નથી, એકમાત્ર સ્વચ્છતા અને સાવધાની તેનાથી બચવાનો વિકલ્પ છે એમ ડોક્ટરો કહી રહ્યા છે.કોરોના વાઇરસનો ચેપ ન લાગે એ માટે નિષ્ણાત ડોક્ટરો વારંવાર હાથ ધોવાની સલાહ આપી રહ્યા છે.
તો હાથ કેવી રીતે ધોવા જોઈએ એ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણથી માંડીને બોલીવૂડ સેલિબ્રિટી સહિતનાં લોકો હાથ ધોવાની રીતનો વીડિયો શેર કરીને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતની એક સ્કૂલના વિદ્યાર્થીઓનો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે.


આ વીડિયો ફેસબુકનાં ચીફ ઑપરેટિંગ ઑફિસર શેરિંગ સેન્ડબર્ગે શેર કર્યો છે. ફેસબુકનાં ચીફ ઑપરેટિંગ ઑફિસર શેરિંગ સૈન્ડબર્ગને ગુજરાતની સ્કૂલનાં વખાણ કર્યાં છે.તેઓએ આ સંદર્ભે ફેસબુક પર ગુજરાતની અમરગઢ પ્રાઇમરી સ્કૂલની એક પોસ્ટ પણ મૂકી છે, જેમાં બે વિદ્યાર્થીઓ હાથ કેવી ધોવા જોઈએ એ દર્શાવી રહ્યા છે. તેઓએ લખ્યું કે હું બધા શિક્ષકો, શિક્ષણાધિકારીઓ અને લોકોને અભિનંદન આપવા માગું છું જેઓ પોતાનાં બાળકો અને સમુદાયને કોવિડ-૧૯ના પ્રકોપથી બચવા માટે કાર્ય કરી રહ્યા છે.આ સરળ નથી. સ્કૂલ સંચાલકોએ તેમનાં હજારો બાળકોની સુરક્ષા માટે તથ્યો અને સાબિત સાથે સલાહ આપવાની જરૂર છે. આ બાળકોની સુરક્ષાથી પણ વધુ છે, જે ખરેખર મહત્ત્વનું છે.


તેઓએ લખ્યું કે ગુજરાતમાં હજારો વિદ્યાલયોમાં ૧૦૦,૦૦૦થી વધુ શિક્ષકો છે, જેઓ વીડિયો, ઇન્ફોગ્રાફિક્સ અને સમાચાર શેર કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. સરકારની સલાહ પ્રમાણે બાળકોએ હાથ કેવી રીતે ધોવા જોઈએ એ આપણને દેખાડી રહ્યા છે. અમે તેમના શિક્ષણ વિભાગ સાથે એક લાઇવ સત્રનું આયોજન કરી રહ્યા છીએ, જેથી લોકોને માહિતી મળી રહે.જ્યાં સ્કૂલોને પોતાના દરવાજા બંધ કરવા પડે છે, ત્યાં આપણે જોઈએ છીએ કે શિક્ષકો પોતાનાં બાળકો અને સમાજ સાથે સંપર્ક જાળવી રાખવા માટે રચનાત્મક રીતો અપનાવે છે. શેરિંગ સેન્ડબર્ગે વિદેશોમાં પણ કોણ-કોણ ફેસબુકનો ઉપયોગ કરીને લોકોને માહિતગાર કરી રહ્યા છે એની પણ વાત કરી હતી.તેઓએ લખ્યું, ઉત્તર ઇટાલીના ઇસ્ટિટ્યૂટો ક્વાર્ટો સાસુયોલો ઓવેસ્ટમાં જે ત્રણ સ્કૂલો ઘણાં અઠવાડિયાંથી બંધ છે, ત્યાંના ડીન ફેસબુક પેજનો ઉપયોગ કરીને માતાપિતાને મહત્ત્વની જાણકારી અને સલાહ આપી રહ્યા છે. તેમાં બાળકો માટે સૌથી સારું શું છે એ પણ કહી કહ્યા છે.અને થાઇલેન્ડના ક્રિસ્ટન ડ્યૂરવોર્ડમાં સ્કૂલ બંધ થતાં દુનિયાભરના શિક્ષકો અને અન્ય લોકોની મદદ માટે શૈક્ષણિક ગ્રૂપ ઑનલાઇન શિક્ષણની પદ્ધતિ અપનાવી રહ્યું છે.