બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વિલંબમાં પડવાની દહેશત, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ઘર્ષણના સંકેત

  • March 16, 2021 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિન ભાજપી સરકારની દરકાર વિના પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર મક્કમ, વાપી સુધીનો ટ્રેક ઝડપથી પૂર્ણ કરવા આદેશ

 અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વિધ્ન આવી રહ્યાં છે છતાં કેન્દ્ર અને ગુજરાત સરકાર આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા માટે મક્કમ છે. આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રની બિન ભાજપી સરકાર ધર્ષણમાં ઉતરી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ટ્રેક અંગે વિલંબ થાય તેવી સંભાવના છે.

 


ગુજરાતમાં જમીન સંપાદન પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવી છે પરંતુ મહારાષ્ટ્રના વિસ્તારોમાં જમીન સંપાદન પ્રક્રિયામાં વિધ્નો ઉભા થઇ રહ્યાં છે. મહારાષ્ટ્રની સરકાર આ પ્રોજેક્ટમાં સહકાર આપતી નથી તેથી વિલંબ થઇ રહ્યો હોવાનું નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના એક અધિકારી જણાવે છે આમ છતાં ગુજરાતના ટ્રેકના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

 


આ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને જાપાન રેલવે ટ્રેક કંપની વચ્ચે એક એમઓયુ સાઇન થયો છે જેમાં વડોદરા થી વાપી વચ્ચેના 237 કિલોમીટરના ટ્રેનરૂટની ડિઝાઇન આ કંપની તૈયાર કરી આપશે.

 


મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના રૂટની રૂપરેખા તૈયાર કરવા માટે ભારતના નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને જાપાન રેલવે ટ્રેક ક્ધસલટન્સી કંપ્ની સાથે કરારો કર્યાં છે. જાપાની કંપ્ની અને ભારતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી જેમાં ભારતના વિવિધ અધિકારીઓ ઉપરાંત જાપાન દૂતાવાસના અધિકારી અને જાપાનની રેલવે કંપ્નીના અધિકારીઓ વચ્ચે બધા મુદ્દે વાતચીત થઈ હતી.

 


આ એમઓયુ અંતર્ગત 237 કિલોમીટરના લાંબાં રૂટની ડિઝાઈનથી લઈને વિવિધ બાબતોની ડિઝાઈન અને ડ્રોઈંગ જાપાનની કંપ્ની ભારતને આપશે. આ એમઓયુ ખૂબ જ મહત્વના સાબિત થશે. તેનાથી ભારત-જાપાન વચ્ચે હાઈસ્પીડ રેલવે બાબતે સહકાર વધારે મજબૂત થશે.

 


ઉલ્લેખનીય છે કે ભારત-જાપાન વચ્ચે 2017માં 1.08 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટર વચ્ચે આ બુલેટ ટ્રેન દોડાવવાનું સરકારનું આયોજન છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ થાય અને મહારાષ્ટ્ર સરકાર આ પ્રોજેક્ટમાં સહકાર ન આપે તો રેલવે પહેલા તબક્કામાં અમદાવાદથી વાપી સુધી 325 કિલોમીટરનો પ્રોજેક્ટ શરૂ કરી શકે છે.

 


મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં માત્ર 30 ટકા જમીનનું જ સંપાદન થઈ શક્યું છે. સંપૂર્ણ યોજના માટે 70 ટકા જમીનનું સંપાદન થવું જરૂરી છે. બુલેટ ટ્રેન કોરીડોરનો 155.76 કિલોમીટરનો ભાગ મહારાષ્ટ્રમાં, 348.04 કિલોમીટર ગુજરાતમાં અને 4.3 કિલોમીટર દાદરા-નગર હવેલીમાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application