BREAKING NEWS

ખેડૂતોની માઠી, જામનગરમાં ડીઝલની અછતથી ખેતીનું ચક્ર ખોરવાયું..!

  • May 25, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેડૂતોની માઠી, જામનગરમાં ડીઝલની અછતથી ખેતીનું ચક્ર ખોરવાયું..!

મૂંઝવણ અને ચિંતા: ખેડૂતોએ રોષ સાથે કહ્યું ચોમાસુ પાકના વાવેતર ટાંકણે ૬૦-૬૦ કીલોમીટર સુધી ધક્કા ખાવા છતાં ડીઝલ મળતું નથી

બળદથી ખેતી મહદઅંશે ભૂતકાળ બની હોય ડીઝલની તંગીથી જમીનમાં ખેડ, ખાતર ભરવાની, ચાસ સહીતની મહત્વની કામગીરી ઠપ્પ 

જામનગર જિલ્લામાં ડીઝલની અછતથી ખેતીનું ચક્ર ખોરવાઇ જતાં પારાવાર મુશ્કેલીથી ખેડૂતોની માઠી બેઠી છે. ચોમાસુ પાકના વાવેતર ટાંકણે જ ૬૦-૬૦ કીલોમીટર સુધી ધક્કા ખાવા છતાં ડીઝલ ન મળતું હોવાનું જિલ્લાના ખેડૂતોએ રોષ સાથે જણાવ્યું છે. બળદથી ખેતી મહદઅંશે ભૂતકાળ બની હોય ડીઝલની તંગીથી જમીનમાં ખેડ, ખાતર ભરવાની, ચાસ સહીતની મહત્વની કામગીરી ઠપ્પ થતાં ખેડૂતો ભારે મૂંઝવણ સાથે ચિંતામાં મૂકાયા છે. 

અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુઘ્ધમાં હજુ કોઇ ચોકકસ સમજૂતી થઇ નથી. આથી ક્રુડ ઓઇલ, ગેસની આયાત-નિકાસ માટે મહત્વની હોર્મુઝની ખાડીમાં હજુ વાહણોનું આવાગમન સામાન્ય બન્યું નથી. આથી ભારતમાં ઇંધણી મોકાણ સર્જાઇ છે. ખાસ કરીને છેલ્લાં ચાર-પાંચ દીવસથી ડીઝલની તંગીએ માઝા મૂકી છે. જામનગર શહેર-જિલ્લામાં ડીઝલની અછતથી પેટ્રોલપંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ડીઝલની અછતની સૌથી માઠી અસર ટ્રાન્સપોર્ટેશનની સાથે કૃષિ ક્ષેત્રમાં જોવા મળી છે. કારણ કે, જામનગરમાં વિવિધત ચોમાસાના આડે હવે પખવાડીયાનો સમય બાકી રહ્યો છે. આથી મોટાભાગના ખેડૂતો ચોમાસું પાકના વાવેતરમાં લાગ્યા છે. પરંતુ વાવણી સમયે ડીઝલ ન મળતાં ખેડૂતોમાં ભારે દેકારા સાથે રોષની લાગણી ફેલાઇ છે.

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્વના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ કાંતિભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે, ચોમાસુ પાકની વાવણી સમયે ડીઝલની તંગીથી ખેડૂતોમાં કાગારોળ મચી ગઇ છે. કારણ કે, હાલમાં પ્રી-મોન્સુન વાવેતરનો સમય છે. જિલ્લામાં બળદથી થતી ખેતી મહદઅંશે ભૂતકાળ બની છે. આ સ્થિતિમાં ડીઝલ ન મળતાં ચોમાસુ પાકના વાવેતર કરવા માટે જમીનમાં ખેડ, દેશી અને રાસાયણી ખાતર ભરવું, ચાસ પાડવા સહીતની કામગીરી કે જે ડીઝલથી ચાલતા વાહનો-સાધનો પર આધારીત હોય થઇ શકતી નથી. જેના કારણે સમયસર વાવેતર થઇ શકશે નહીં. આથી જમીન તૈયાર ન થતાં વાવેતરમાં વિલંબ થવાની શકયતા નકારી શકાતી નથી. જેના કારણે ચોમાસુ પાકના ઉત્પાદન અને ગુણવતા પર પણ માઠી અસર થવાની ભીતિ છે.

અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં ચોમાસુ પાકમાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ, સોયાબીન સહીતના તેલીબીયાના પાક તથા શાકભાજી, ફળનો સમાવેશ થાય છે. પરંતુ ડીઝલ ન મળતાં આ તમામ પાકના વાવેતર પર માઠી અસર પડશે તેમાં બેમત નથી. આટલું જ નહીં જિલ્લાના ખેડૂતોએ ૬૦-૬૦ કીમી સુધી ધકકા ખાવા છતાં પેટ્રોલપંપો પરથી ડીઝલ ન મળતું હોવાનું રોષભેર જણાવ્યું હતું. આથી કમોસમી વરસાદની જેમ ડીઝલની અછતથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડે તો નવાઇ નહીં. 

ચોમાસુ પાકના આગોતરા વાવેતર પર બ્રેક, ૧૦ થી ૧૫ લીટર ડીઝલ મળતું નથી

લાલપુર તાલુકાના ખડબા ગામના ખેડૂત આદમભાઇ સપીયાએ જણાવ્યું હતું કે, દૂર-દૂર સુધી ધકકા ખાવા છતાં પેટ્રોલ પંપો પરથી ૧૦ થી ૧૫ લીટર ડીઝલ મળતું નથી. આથી ચોમાસુ પાકના આગોતરા વાવેતર પર બ્રેક લાગી ગઇ છે. વાવણીની મોટાભાગની કામગીરી ઠપ્પ થઇ છે. જમીન ખેડ કરી શકાતી નથી તો જે ખેડૂતોએ જમીન ખેડ કરી લીધી હોય તેઓ ડીઝલ ન મળતા વાવેતર કરી શકતા નથી. જે ખેડૂતને જેટલી જમીન હોય તે પ્રમાણમાં વાવણી સહીતના કાર્યો માટે તેટલા ડીઝલની જ‚ર પડે છે. પરંતુ હાલમાં ડીઝલની અછતથી ખેતી કરવી એક મોટો પડકાર બન્યો છે. ​​​​​​​

ખેતીમાં કામ અટકી પડતા ભારે હાલાકી, ડીઝલ મળતું નથી, કયાં ફરિયાદો કરવી

ધુડશીયા ગામના ખેડૂત બાબુભાઇ કામાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ખેતીમાં ઉનાળુ પિયતા કાઢેલું હોય આથી ચોમાસુ પાકની વાવણીનો સમય છે. પરંતુ ડીઝલ ન મળતા જમીન ખેડવી, વાવેતર કરવું સહીતની તમામ પ્રક્રીયા અટકી ગઇ છે. કારણ કે, મોટાભાગની કામગીરી ડીઝલ આધારીત વાહનો દ્વારા કરવામાં આવે છે. કતારોમાં કલાકો સુધી ઉભા રહેવા છતાં ડીઝલ મળતું નથી આથી ફરિયાદો કયાં કરવી?, ડીઝલ ન મળતાં ખેતીમાં કામ અટકી પડતા ભારે હાલાકી પડી રહી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application