હાલની પરીક્ષાઓ ચાલુ રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય

  • March 16, 2020 12:37 PM 560 views

કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શાળા-કોલેજોમાં આજથી તારીખ ૨૯ માર્ચ સુધી રજા રાખવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. બોર્ડ સિવાયની પરીક્ષાઓ રદ કરવાની સૂચના આપવામાં આવી છે .પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હાલ જે પરીક્ષાઓ ચાલી રહી છે તે શેડ્યુલ મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે આ સંદર્ભે પ્રસિદ્ધ કરેલા પરિપત્રમાં જણાવાયુ મુજબ ગત તારીખ ૧૨ માર્ચથી પ્રથમ તબક્કાની પરીક્ષાઓ શરૂ થઈ છે અને તે રાબેતા મુજબ ચાલુ રહેશે.જયારે આગામી તારીખ ૨૩ માર્ચથી કે ત્યાર પછીથી શરૂ થતી પરીક્ષાઓની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. કુલસચિવે વધુમાં જણાવ્યું છે કે તારીખ ૧૬ માર્ચ થી તારીખ ૩૧ માર્ચ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને ભવનોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જ્યારે આ સમયગાળા દરમિયાન કર્મચારીઓએ રાબેતા મુજબ ફરજમાં હાજર થવાનું રહેશે.