મહંતના આપઘાતમાં એક માસ બાદ પણ પોલીસ તપાસ મૂર્છિત જેવી!

  • July 06, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રારંભે તો કુદરતી મોતમાં જ ખપાવી દેવાનો કારસો થયો હતો, સ્યૂસાઈડ નોટથી ભાંડો ફટયો હતો
 


રાજકોટની નજીક મોરબી રોડ પરના કાગદડી ખોડિયાર આશ્રમના મહતં જયરામદાસ બાપુના મોતને સવા માસ અને ભાંડો ફટયો મહંતના જ ભત્રીજા, જમાઈ અને સાગરિતો સામે મહંતને મોત માટે મજબુર (આપઘાત) કરવાના આરોપસર નોંધાયેલા ગુનાને એક માસ વીત્યા બાદ પણ તપાસનીસ કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચને હજી સુધી એકપણ આરોપી હાથ લાગ્યા નથી જાણે પોલીસ તપાસ જ મૂર્છિત અવસ્થામાં સરી પડી હોય કે આરોપીઓને હાજર થવાની રાહમાં ઓન પેપર દોડધામ તપાસ ચાલી રહી હોવા જેવો ઘાટ પ્રવર્તી રહ્યાનો અનુયાયીઓ આર્ય સાથે ઘંૂંઘવાટ ઉભો થયો છે.

 


કોડીનારના પ્રશ્નાવાડા ગામના વતની પૂર્વ રેલવે કર્મચારી જયરામદાસબાપુ સંસાર છોડી દોઢ દાયકાથી વધુ સમયથી સાધુ બની ગયા હતા અને કાગદડી પાસે પ્રથમ નાનુ મંદિર બાદ ધીમે ધીમે દર્શનાર્થીઓ, અનુયાયીઓ વધતા આશ્રમ અને ગૌશાળાનું નિર્માણ કરી મહતં સાથે ગૌભકત તરીકે પણ અનુયાયીઓમાં ઓળખવા લાગ્યા હતા. આશ્રમ ટ્રસ્ટ રચ્યું હતું.

 


મહંતને સાંસારિક જીવન છોડયા બાદ પણ પૂર્વાશ્રમ (પરિવારજનો) સાથેનો લગાવ કે લાગણી ન છૂટયા હોય તેમ મહતં તેના ભત્રીજા અલ્પેશ અને ત્યારબાદ અલ્પેશના બનેવી હિતેષ જાદવને આશ્રમે લઈ આવ્યા હતા અને બન્ને પરિવારના જ સભ્યો હોવાથી આંધળો વિશ્ર્વાસ મુકયો હતો. બન્નેને આશ્રમમાં ટ્રસ્ટી બનાવ્યા હતા. મહંતની આ ભૂલ કે વિશ્ર્વાસ તેમને મોત સુધી લઈ ગયો.

 


મહંતના જ ભત્રીજા, જમાઈએ મળીને મહંતના જ કૌટુંબિક ભત્રીજી કે જે પણ અવારનવાર આશ્રમ પર આવતી તેની સાથે મળી મહતં અને ભત્રીજી બધં રૂમમાં હોય તેવો ગુપચુપ વિડીડિયો બનાવી લીધો હતો. આવી જ રીતે અન્ય એક મહંતના જ કોડીનાર પંથકની પરિચીત યુવતી સાથેનો પણ વીડિયો બનાવી લેવાયો હતો. જે વિડીયો આધારે મહંતને બ્લેકમેઈલ કરાતા હતા અને અલ્પેશ, હિતેષે લાખો રૂપિયા પડાવ્યા હતા. મહંતના અન્ય ચાર વીડિયો પણ બનાવ્યા હતા જેમાં મહંતને માફી મંગાવાની હોય તેવી મુદા સહિતના વિડીયો હતા. વિડીયો આધારે મહતં પાસે રૂપિયા બાદ આશ્રમના અન્ય ટ્રસ્ટીઓને હટાવી બધુ પોતાને જ સોંપી દેવા બન્ને દબાણ કરતા હતા જેમાં ત્રીજા આરોપી રાજકોટના વિક્રમ ગમારાનો પણ સાથ મળ્યો હતો. મહંતને મારકૂટ, ધાકધમકીઓ અપાતી હતી. એક માસ પહેલા તા.૩૧–૫ની રાત્રીએ મહંતે ઝેર પીધાના પૂર્વ દિવસે પણ વિક્રમ લાકડી લઈને આવ્યો હતો અને મહંતને મારકૂટ કરી હતી.

 


મારકૂટ, બ્લેકમેઈલિંગથી ત્રસ્ત બની મહંતે અંતે સ્યૂસાઈડનોટ લખીને ઝેર પી આપઘાત કરી લીધો હતો. તા.૧–૬ના રોજ સવારે આશ્રમના ટ્રસ્ટીઓ, એડવોકેટ રક્ષિત કલોલા, ડોકટર નિલેષ નિમાવત સહિતના પણ આશ્રમ પર હાજર હતા અને બધાએ મળી મહંતના આપઘાતને કુદરતી મોતમાં ખપાવી દેવા કારસો કર્યેા હતો અને એ મુજબ ડો.નિમાવત દ્રારા તેના અન્ય તબીબ ટીમ મારફતે હાર્ટ એટેકથી મોતનું ડેથ સટિર્. પણ બનાવડાવી દેવાયું હતું.

 


આપઘાતના છ દિવસ બાદ સમગ્ર ભાંડો ફટયો હતો. પોલીસ સમક્ષ મહંતે લખેલી સ્યૂસાઈડ નોટ પહોંચી હતી જે આધારે તપાસ થતા તા.૬ના રોજ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ મુજબ મહંતના ભત્રીજા અલ્પેશ, જમાઈ હિતેષ અને અન્ય આરોપી વિક્રમ ગમારા વિરૂધ્ધ મહંતને મોત માટે મજબુર કર્યાનો ગુનો નોંધાયો હતો.

 


આ ઉપરાંત મહંતના આપઘાતને કુદરતી મોતમાં ખપાવી દેવા પુરાવાઓના નાશ કરવા, બોગસ દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરવા સહિતના આરોપસર એડવોકેટ કલોલા અને તબીબ નિમાવત સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.

 


તપાસ દરમિયાન પોલીસને વિડીયોમાં દેખાતી મહંતની પારિવારિક ભત્રીજી હાથ લાગી હતી તેણીની પૂછતાછ કરાઈ હતી જેમાં મહતં રાત્રી રોકાણ માટે કહેતા હોય જેથી તેણે હિતેષ સાથે મળી વિડીયો કિલપ બનાવી હોવાનું પોલીસ સમક્ષ કથન કયુ હતું. એક પ્રશ્ન એ પણ છે કે, જો યુવતી વિડીયો કિલપ માટે તૈયાર ન થઈ હોત તો કદાચિત આરોપીઓ મહંતને બ્લેકમેઈલ કરી શકયા ન હોત. પોલીસને કદાચિત યુવતીનો જવાબ ગળે ઉતરી ગયો હશે. પોલીસ તપાસ ઓન પેપર કાર્યરત હોય એ મુજબ હજી સુધી એકપણ મુખ્ય આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નથી થોડા દિવસ પહેલા એરપોર્ટ પોલીસે વિક્રમની કુવાડવા પાસેની ફેકટરીએ તલાસી લીધી પણ ત્યાં આરોપી નહીં પણ ઓફિસમાંથી એક બોટલ દારૂ મળી આવતા વિક્રમ સામે પ્રોહિબિશન એકટ હેઠળ વધારાનો એક ગુનો નોંધ્યો હતો.

 

 

ક્રાઈમ બ્રાંચ, કુવાડવાની ચાર–ચાર ટીમો, અધિકારીઓનું સુપરવિઝન પણ જાણે નાકામ!
કોઈપણ આરોપીઓને નહીં છોડાય, આરોપીઓને ત્વરિત પકડવા માટે ક્રાઈમ બ્રાંચની બે અને કુવાડવા પોલીસની બે મળી ચાર ટીમોને આરોપીઓને પકડવાની જ ખાસ કામગીરી સોંપાઈ હતી. સમગ્ર ચર્ચાસ્પદ બનાવમાં ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાંચ ખેરખાઓ કે અઠગં ખેલાડીઓ જેવા સાતિર દિમાગધારી ગુનેગારોને ગમે ત્યાંથી શોધી લાવે છે જયારે આ બનાવમાં ક્રાઈમ બ્રાંચની ટીમો પણ ટૂંકી પડી રહી હોય અથવા આરોપીઓ વધુ ચબરાક હોય એ રીતે એક માસ વીત્યે મુખ્ય ત્રિપુટી પૈકી એકપણ આરોપી હજી સુધી ચાર ટીમો ઉપરાંત રાજકોટ શહેર પોલીસ કોઈપણને હાથ લાગ્યા નથી અને એક માસ બાદ તપાસ જૈસે થે જેવી કે સમયાંતરે આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર તલાસી, દરોડાઓ પડાતા હોવાનું કાગળો પર તપાસ ચાલી રહ્યા જેવું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS