પાટીલના આદેશ પછી પણ પંડિતના પાટિયા ન ઉતર્યા

  • April 19, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાપાલિકાની શિક્ષણ સમિતિના અંધેર વહીવટ નો વધુ એક નમૂનો: રાજીનામાં મંજુર થઇ ગયા પછી પણ કચેરીમાં નેઇમ પ્લેટ અને બોર્ડમાં મેમ્બર્સના નામ યથાવત: ડેપ્યુટી મેયરએ રાજીનામુ આપ્યાના એક કલાકમાં નેઇમ પ્લેટ દૂર થઈ હતી, શિક્ષણ સમિતિમાં ૨૪ કલાક પછી પણ કોઇ કાર્યવાહી નહીં




પાટીલના આદેશ પછી પણ પંડિતના પાટિયા ઉતર્યા ન હોય ભારે આશ્ચર્ય સર્જાયું છે.મહાપાલિકાની શિક્ષણ સમિતિના અંધેર વહીવટ નો વધુ એક નમૂનો સામે આવ્યો છે. રાજીનામાં મંજુર થઇ ગયા પછી પણ કચેરીમાં નેઇમ પ્લેટ અને બોર્ડમાં મેમ્બર્સના નામ યથાવત રાખવામાં આવ્યા છે, તે દૂર કરવા કોઈ કાર્યવાહી કરાઈ નથી. ડેપ્યુટી મેયરએ રાજીનામુ આપ્યાના એક કલાકમાં નેઇમ પ્લેટ દૂર થઈ હતી, જ્યારે શિક્ષણ સમિતિમાં ૨૪ કલાક પછી પણ કોઇ કાર્યવાહી થઈ નથી.



રાજકોટ મહાનગરપાલિકાના ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રદેશ ભાજપના આદેશથી મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, સરકાર નિયુક્ત ત્રણ સભ્યો સહિત તમામ ૧૫ સભ્યોના રાજીનામાં લઇ લેવાયાની ઘટના બની છે અને પ્રદેશના ખૌફથી સૌ ધ્રુજી ઉઠ્યા છે પરંતુ શિક્ષણ સમિતિનો સ્ટાફ તો હજુ પણ ચેરમેન અતુલ પંડિતના નામથી ધ્રૂજે છે! ભૂતકાળમાં ક્યારેય ન બની હોય તેવી સામુહિક રાજીનામાં લેવાની ઘટના પાછળ ખરેખર કયા કારણો જવાબદાર છે તે મામલે સમગ્ર શહેરમાં ચર્ચાઓ ચાલી રહી છે છતાં શિક્ષણ સમિતિની કચેરીમાં હજુ પણ અતુલ પંડિતના નામના પાટિયા ઝૂલી રહ્યા છે અને કોઈ તેને દૂર કરવાની હિંમત કરી શક્યું નથી.



દરમિયાન શાસનાધિકારી કિરીટસિંહ પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ચેરમેન અતુલ પંડિતને હોદ્દાની રૂએ અપાયેલી સત્તાવાર કાર પરત લઈ લેવાઈ છે , સમિતિ ચેરમેન મોબાઇલ ફોનની સુવિધા અપાતી નથી તેથી તે પરત લેવાનો મુદ્દો ઉપસ્થિત થતો નથી.


જો કે પ્રદેશ પ્રમુખ પાટીલના આદેશ પછી પણ ચેરમેન અતુલ પંડિતની નેઇમ પ્લેટ અને મેમ્બર્સનું બોર્ડ હજુ સુધી કેમ દૂર કરાયું નથી તે મુદ્દે સમિતિના અધિકારીઓ તેમજ મહાપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ પણ કોઈ જવાબ કે ખુલાસો રજૂ કરી શક્યા ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application