દ્વારકા જિલ્લાના એન્જિનિયર કરે છે પ્રાકૃતિક ખેતી

  • February 15, 2023 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભારતમાં પ્રાચીન યુગથી કૃષિ ઋષિઓની પરંપરા રહી છે. પ્રકૃતિએ ધરતી પર કૃષિના રૂપમાં માનવજાત પર સૌથી મોટા આર્શીવાદ આપ્યા છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી અને સમૃધ્ધ બને તે માટે ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આત્મનિર્ભર બની રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક ખેડૂતો વિવિધ યોજનાનો લાભ લઇને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત દિનેશભાઈ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને નોકરી કરવાના બદલે તેઓ છેલ્લા દોઢ દાયકાથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વેદોમાં ઋષિઓએ માઁ ના રૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જો આપ્યો છે. જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી પર છે. ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ત્યારે ખેડૂતો હવે ધરતીમાતાના રક્ષણ કાજે ગૌ આધારીત ખેતી તરફ વળી રહ્યા છે. માત્ર મગફળી, કપાસ, કઠોળ જેવા પાકો જ નહીં પરંતુ વિવિધ ફળોનું પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી વાવેતર કરવામાં આવી રહ્યું છે. આવક માટેનું નવું માધ્યમ બનાવ્યું છે. રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે અને જમીન બિન ફળદ્રુપ થઈ રહી છે. લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામના રહેવાસી અને બેચલર ઓફ એન્જિનિયરિંગ ઈન મિકેનિકલ સુધીનો અભ્યાસ કરી અભ્યાસઅર્થે વિવિધ કંપનીઓની વિઝીટ દરમિયાન દિનેશભાઈને મશીન સાથે કામ કરવા કરતા પ્રકૃતિ સાથે જોડાઈ રહી આત્મનિર્ભર બની જીવનમાં સફળતા હાંસલ કરવાનો વિચાર આવ્યો અને પિતાએ શરૂ કરેલી પ્રાકૃતિક ખેતીમાં જોડાઇ ગયા. પ્રાકૃતિક કૃષિના વિચારો અપનાવી દિનેશભાઈએ પોતાની પાસે રહેલી દસ વિઘા જમીનમાં રાજ્ય સરકારની ગાય આધારીત ખેતી માટેની યોજનાનો લાભ મેળવી ચાર ગાયો અને સાધન સહાય અંતર્ગત સબસીડી મેળવી ટ્રેક્ટરની ખરીદી કરી વર્ષ ૨૦૧૭માં પ્રાકૃતિક કૃષિ યજ્ઞનો પ્રારંભ કર્યો. આ અંગે વધુ માહિતી આપતા દિનેશભાઈએ જણાવ્યું કે, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. જો હું કોઇ પણ કંપનીમાં નોકરી કરતો હોત તો મને મહિનાનો ૩૦ થી ૪૦ હજાર રૂપિયા સુધીનો પગાર મળત. પરંતુ ખેતી પ્રત્યેના લગાવના કારણે મને મારા પિતાજી સાથે ખેતીમાં જોડાવવાનુંમન થયું. મારા પિતાજી વર્ષ ૨૦૦૭થી પ્રાકૃતિક ખેતી કરતા અને મને પણ તેમની સાથે ખેતીમાં જોડાવવાની ઇચ્છા થઇ. તેથી મેં નોકરી કરવા કરતા ખેતીમાં જોડાવવાનું પસંદ કર્યું. દિનેશભાઈ વધુમાં જણાવે છે કે, તેઓ પોતાની જમીનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર મગફળી, ચણા, રાય, સુર્યમૂખીનું વાવેતર કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરી વાર્ષિક રૂપિયા ૫ થી ૬ લાખથી વધુની આવક મેળવે છે. ચાલુ વર્ષે દિનેશભાઈ મગફળીનું ઉત્પાદન મેળવી ચૂક્યા છે, જ્યારે હાંલમાં તેમના ખેતરમાં ચણા, સુર્યમૂખી અને રાયડો, સરસવનું વાવેતર કરેલું છે. આ સિવાય પ્રાકૃતિક ખેતી થકી મેળવેલ ઉત્પાદનમાંથી મગફળીનું સિંગતેલ, સિંગદાણાના પેકેટ, પીનટ બટર બનાવીએ છીએ. આ ઉપરાંત ગીર ગાયના દેશી ઘી ના પેકેટ, ચણાદાળ, ચણાલોટ, સેવ, સુર્યમૂખીના ફુલનું વેચાણ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિ એ કૃષિની એક એવી પધ્ધતિ છે જેમાં ખેડુતને એક પૈસાનું પણ ઉત્પાદન બજારમાંથી ખરીદવું પડતું નથી કે રોકડ નાણાની પણ જરૂર પડતી નથી. તેઓ આ તમામ વસ્તુઓનું વેચાણ ખંભાળિયા, દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં કરે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી નહીવત ખર્ચે બમણી આવક મેળવતા થયા છે. આત્મનિર્ભર કૃષિ થકી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બની રહ્યાં છે. પ્રાકૃતિક ખેતી કરી પ્રકૃતિ અને માનવ આરોગ્યનું જતન કરીએ તેવી અપીલ પણ કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application