BREAKING NEWS

ચૂંટણીલક્ષી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

  • April 09, 2026 06:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણીલક્ષી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


સાહિત્યના છાપકામ માટે મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા દર્શાવવા અનિવાર્ય

​વાંધાજનક લખાણ કે ચારિત્ર ખંડન કરતા પેમ્ફલેટ છાપનાર સામે થશે કડક કાર્યવાહી

જામનગર તા.09 એપ્રિલ, ​જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મોટા પ્રમાણમાં ચોપાનિયા, ભીંતપત્રો અને હેન્ડબિલનું છાપકામ કરાવી વિતરણ કરવામાં આવતું હોય છે. આવા પ્રચાર સાહિત્યમાં ધર્મ, જ્ઞાતિ કે ભાષાના નામે મતદારોને અપીલ ન થાય અથવા પ્રતિસ્પર્ધી ઉમેદવારનું ચારિત્ર ખંડન કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા રાજ્ય ચૂંટણી આયોગની સૂચના મુજબ જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.

​આ જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા તેમજ છાપેલી નકલોની સંખ્યા દર્શાવ્યા વિનાના ચૂંટણીલક્ષી ચોપાનિયા કે ભીંતપત્રો પ્રસિદ્ધ કરી શકશે નહીં. પ્રચાર માટે વપરાતા હોર્ડિંગ્સની સાઈઝ ૧૫ ફુટ બાય ૮ ફુટ અને કટઆઉટની સાઈઝ ૮ ફુટથી વધુ હોવી જોઈએ નહીં. મુદ્રકે કોઈપણ સાહિત્ય છાપતા પૂર્વે પ્રકાશકની ઓળખ અંગેના બે નકલના એકરારનામા મેળવવાના રહેશે અને છાપકામ પૂર્ણ થયાના ત્રણ દિવસની અંદર તેની નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સંબંધિત ચૂંટણી અધિકારીને જમા કરાવવાની રહેશે. પ્રચાર સાહિત્યમાં મુદ્રક અને પ્રકાશકના નામની સાથે તેમના ફોન અને મોબાઈલ નંબર દર્શાવવા પણ ફરજિયાત છે. જો છાપકામમાં કોઈ ગેરકાયદે બાબત, ધાર્મિક પૂર્વગ્રહ કે વ્યક્તિગત ચારિત્ર પર આક્ષેપ કરતા લખાણો જણાશે તો સંબંધિત મુદ્રક અને પ્રકાશક સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ આદેશ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર જામનગર જિલ્લાના ચૂંટણીલક્ષી વિસ્તારોમાં અમલી રહેશે.


ચૂંટણી પ્રચાર માટે જાહેર કે ખાનગી મિલકત પર લખાણ લખવા કે બેનર લગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

માલિકની લેખિત પૂર્વ પરવાનગી વિના મિલકત બગાડનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

જામનગર તા.09 એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે, જે અંતર્ગત રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે. પ્રચાર ઝુંબેશ દરમિયાન ઉમેદવારો કે તેમના ટેકેદારો જાહેર અથવા ખાનગી મિલકતના માલિકોની લેખિત પૂર્વ પરવાનગી લીધા વિના પ્રચારપત્રો ચોંટાડીને, સૂત્રો લખીને કે પક્ષના પ્રતીકો ચીતરીને દિવાલો અને રસ્તાઓ બગાડે નહીં તે સુનિશ્ચિત કરવા માટે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યો છે.

આ જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ઉમેદવાર મિલકત માલિકની લેખિત મંજૂરી વિના સરકારી કે ખાનગી મકાનો, કમ્પાઉન્ડ વોલ, વીજળી કે ટેલિફોનના થાંભલા, વાહનો અને જાહેર રસ્તાઓનો ઉપયોગ પ્રચાર માટે કરી શકશે નહીં. જાહેર મકાનોની વ્યાખ્યામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જાહેર સાહસોના મકાનો તેમજ રેલ્વે પ્લેટફોર્મ, બસ ટર્મિનલ અને સાઈન બોર્ડનો પણ સમાવેશ થાય છે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર જામનગર જિલ્લાના ચૂંટણીલક્ષી વિસ્તારોમાં અમલી રહેશે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જાહેર સુલેહ-શાંતિ ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

જામનગર તા.09 એપ્રિલ, ​જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીના આ માહોલમાં ઉમેદવારો, રાજકીય પક્ષો કે વિવિધ સંસ્થાઓ દ્વારા સભા, સરઘસ અને રેલીઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં ભયમુક્ત વાતાવરણ જળવાઈ રહે, લોકો શાંતિપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તે હેતુથી જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

​આ જાહેરનામા મુજબ, જામનગર જિલ્લાના ચૂંટણી સંબંધિત વિસ્તારોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓની મંડળી ભરવા, સરઘસ કાઢવા કે એકઠા થવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ આદેશમાંથી સરકારી ફરજ પરના કર્મચારીઓ, ખાસ પોલીસ અધિકાર ધરાવતા દળો (જેવા કે હોમગાર્ડ, NCC, ફોરેસ્ટ વગેરે), લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા તેમજ મતદાન મથકો પર મતદારોની લાઈનોને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી અધિકારી કે અધિકૃત મેજિસ્ટ્રેટ પાસેથી પૂર્વ મંજૂરી મેળવનાર વ્યક્તિઓને પણ આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે અને તેનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે વપરાતા વાહનોની નોંધણી કરાવી પરમિટ મેળવવી ફરજિયાત

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વાહનોના ખર્ચ પર દેખરેખ રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

જામનગર તા.09 એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાના ૬ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ મતદાન યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતાની સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વાહનોના ઉપયોગ પર યોગ્ય દેખરેખ રાખી શકાય, ઉમેદવારનો ચૂંટણી ખર્ચ પારદર્શક રીતે નોંધાય અને પ્રચાર દરમિયાન વિવિધ જૂથો વચ્ચે કોઈ ઘર્ષણ કે સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે હેતુથી જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયત વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા કે ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર માટે વપરાતા તમામ વાહનોને સંબંધિત ચૂંટણી અધિકારી પાસે રજિસ્ટર્ડ કરાવવાના રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ મેળવેલી પરમિટ વાહનની વિન્ડ સ્ક્રીન પર અથવા દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમિટમાં વાહન કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવાનું છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવી અનિવાર્ય છે અને તેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે. યાંત્રિક શક્તિ કે અન્ય રીતે ચાલતા મીની બસ, ટેક્સી, કાર, ટ્રક, ટ્રેક્ટર, રીક્ષા અને મોટરસાયકલ જેવા તમામ વાહનોને આ નિયમ લાગુ પડશે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલી રહેશે.


ચૂંટણી પ્રચાર માટે ઈલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત આપતા પૂર્વે મંજૂરી મેળવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પ્રસારણના ત્રણ દિવસ અગાઉ અરજી કરી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે

જામનગર તા.09 એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન થાય અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી થતો પ્રચાર નિયમોનુસાર રહે તે માટે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કેબલ ટેલિવિઝન નેટવર્ક વિનિયમન અધિનિયમ અને નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, કોઈપણ વ્યક્તિ કે પક્ષ નિયત આચાર સંહિતા વિરુદ્ધની કે ધાર્મિક-રાજકીય દ્વેષ ફેલાવતી જાહેરાતો પ્રસારીત કરી શકશે નહીં. આ વ્યવસ્થાના ભાગરૂપે હવેથી દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ઉમેદવારે ટેલિવિઝન કે કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા માટે તેના પ્રસારણની તારીખથી ઓછામાં ઓછા ત્રણ દિવસ અગાઉ સંબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. જ્યારે બિન નોંધાયેલ પક્ષો અથવા અન્ય સંસ્થાઓએ સાત દિવસ અગાઉ મંજૂરી માટે અરજી રજૂ કરવી પડશે.

આ આદેશ અનુસાર, જાહેરાત કે જીંગલ્સના સર્ટીફીકેશન માટે અરજી કરતી વખતે ઈલેક્ટ્રોનિક ફોર્મમાં તેની બે નકલો, નિર્માણ ખર્ચની વિગતો, પ્રસારણના અંદાજિત ખર્ચ અને તમામ ચૂકવણીઓ એકાઉન્ટ પેઈ ચેકથી કરવામાં આવશે તેવી કબૂલાત આપવાની રહેશે. જો કોઈ ખાનગી વ્યક્તિ જાહેરાત આપે તો તેણે સોગંદનામું કરવું પડશે કે આ જાહેરાત કોઈ પક્ષ કે ઉમેદવારના લાભ માટે પુરસ્કૃત નથી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે કે, જરૂરી પ્રમાણપત્ર મેળવ્યા વિના કોઈપણ પ્રકારની જાહેરાત, જીંગલ્સ કે બાઈટ્સનું પ્રસારણ કરી શકાશે નહીં. આ નિયમોના અમલીકરણ અને દેખરેખ માટે તમામ સંબંધિત ચૂંટણી અધિકારીઓને તપાસ તેમજ સીઝર સહિતની કામગીરી કરવા માટે સત્તા આપવામાં આવી છે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર જામનગર જિલ્લામાં અમલી રહેશે અને તેનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન મથકોમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયુ

જામનગર તા.09 એપ્રિલ, જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની કુલ ૬ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ મતદાન યોજાનાર છે. આ સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોના મતાધિકારની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ન થાય અને જાહેર સલામતી જળવાયેલી રહે તે હેતુથી મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

આ અંગે જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા એમ કુલ ૬ તાલુકા પંચાયત વિસ્તારના તમામ મતદાન મથકોમાં કોઈ પણ મતદાન એજન્ટ, ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે નોંધાયેલ મતદારો તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરી શકશે નહીં. જો કે, આ પ્રતિબંધમાંથી ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ચૂંટણી અધિકારી દ્વારા ખાસ અધિકૃત કરવામાં આવેલ વ્યક્તિઓને મુક્તિ રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News