કાલે હાલારની તા.પંચાયતોના હોદેદારોની વરણી: જિ.પંચાયતમાં સોમવારે નવા સુકાની
જામનગર જિલ્લાની છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૪ તાલુકા પંચાયતોમાં થશે વરણી: લાલપુર તાલુકા પંચાયતમાં આપના સુકાની હશે, જયારે બાકીની નવ પંચાયતોમાં ભાજપના હોદેદારોની થશે વરણી: કલ્યાણપુરમાં કોંગ્રેસનું શાસન
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તાલુકા પંચાયતોના હોદેદારોની આવતીકાલે વરણી થશે, શનિવારે વરણી થયા બાદ સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લા પંચાયતોના હોદેદારોની વરણી થનાર છે ત્યારે પંચાયતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને ખાસ કરીને હાલારની બન્ને પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખપદ કોને મળશે તે અંગે ચર્ચાઓ શરૂ થઇ છે. લાલપુર પંચાયતમાં આમ આદમી પાર્ટી અને કલ્યાણપુરમાં કોંગ્રેસના હોદેદારો શાસનની ધુરા સંભાળશે.
જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતમાં જામનગરમાં ૨૬ બેઠકોમાંથી ભાજપને ૨૩, કોંગ્રેસ ૧, અને ર અન્યને ફાળે ગઇ છે જયારે કાલાવડ તા.પંચાયતમાં ૧૮માંથી ૧૪ ભાજપ, ર કોંગ્રેસ, ૧ અપક્ષ, ૧ આપને ફાળે ગઇ છે.
લાલપુરમાં પ્રથમ વખત આપના ઉમેદવારો તાલુકા પંચાયતમાં રાજ કરશે. ૧૮માંથી ૧૦ બેઠકો આપે મેળવી છે જયારે ભાજપે ૬, એક અપક્ષ, ૧ અન્યને ફાળે ગઇ છે.
જામજોધપુર તાલુકા પંચાયતમાં ૧૮માંથી ૧૧ ભાજપ, અને ૭ આમ આદમી પાર્ટીને ગઇ છે. જયારે ધ્રોલમાં ૧૬ બેઠકોમાંથી ૧૪ ભાજપને અને ૨ આપને મળી છે. જોડીયા તા.પંચાયતમાં ૧૬માંથી ૧૧ બેઠકો ભાજપને, ૩ કોગ્રેસને, તેમજ ૨ બેઠક આપને મળી છે.
દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયતની વાત લઇએ તો ખંભાળીયામાં તા.પંચાયતમાં ૨૪ માંથી ૨૨ ભાજપ અને ર આપને બેઠક મળી છે. દ્વારકા તા.પંચાયતની તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. ૧૬ બેઠકો ભાજપને મળી છે. ગયા વખતે ભાજપને ૯ અને કોંગ્રેસને ૭ બેઠકો મળી હતી. ભાણવડની વાત લઇએ તો ભાણવડમાં ૧૬ બેઠકોમાંથી ૧૪ પંચાયતની ભાજપને અને ર બેઠકો આપને મળી છે જયારે કલ્યાણપુર તાલુકામાં ફરીથી કોંગ્રેસ શાસન આવ્યું છે, ૨૪માંથી ૧૧ કોંગ્રેસ, ૯ ભાજપ અને ૪ બેઠક આપને મળી છે.
જામનગર જિ.પંચાયતનું પરિણામ આવી ગયા બાદ સ્થાનિક રાજકારણમાં થોડુ સખળ-ડખળ થયુ હતું આ વખતે સામાન્ય મહિલા મેયર બનવાના છે ત્યારે ભાજપે ૧૯ આપે ૨ અને કોંગ્રેસે ૩ બેઠકો મેળવી છે. ભાજપના મહિલા મેયર થવા માટે ત્રણેક ઉમેદવાર મહિલા દાવેદાર છે. તેમાંથી કોઇની પસંદગી થશે. જામનગરમાં સોમવાર તા.૨૫ના રોજ જિલ્લા કલેકટર પી.બી. પંડયાના અઘ્યક્ષસ્થાને અને ડીડીઓ નીશાના સચિવપદે હોદેદારોની વરણી થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૨ બેઠકોમાં ૧૮ બેઠકો ભાજપના ફાળે ગઇ છે જયારે ૩ કોંગ્રેસને અને ૧ આમઆદમીના ફાળે ગઇ છે. ત્યારે જિ.પંચાયતમાં પણ ભાજપનુ શાસન આવશે.