એક વર્ષમાં વિલફુલ ડિફોલ્ટર્સના લેણાંમાં રૂ. 50,000 કરોડનો વધારો

  • October 28, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૭૭% વિલફુલ ડિફોલ્ટર્સ એસબીઆઈ અને રાષ્ટ્રીયકૃત બેંકોના, હવે આરબીઆઈની ગાઈડલાઈનની રાહ




વિલફુલ ડિફોલ્ટર્સના લેણાંમાં માર્ચ ૨૦૨૨ની સરખામણીમાં માર્ચ ૨૦૨૩ સુધીમાં લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. જે લોકોએ જાણીજોઈને બેંકોને તેમની લોન ચૂકવી ન હોય તેને વિલફુલ ડિફોલ્ટર્સ કહેવામાં આવે છે. માર્ચ ૨૦૨૨માં ૧૪,૮૯૯ ખાતાઓમાં આવી રકમ રૂ. ૩,૦૪,૦૬૩ કરોડ હતી, જે માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૬,૮૮૩ ખાતાઓમાં રૂ. ૩,૫૩,૮૭૪ કરોડ થઈ હતી. ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની ટ્રાન્સયુનિયન સિબિલના ડેટા અનુસાર, ૭૭% વિલફુલ ડિફોલ્ટર્સ એસબીઆઈ અને રાષ્ટ્રીયકૃત બેંકોના છે.


ટ્રાન્સયુનિયન સિવિલના જણાવ્યા અનુસાર, એસબીઆઈ પર વિલફુલ ડિફોલ્ટર્સનું રૂ. ૭૯,૨૭૧ કરોડનું દેવું છે. પંજાબ નેશનલ બેન્કે રૂ. ૪૧,૩૫૩ કરોડ, યુનિયન બેન્ક રૂ. ૩૫,૬૨૩ કરોડ, બેન્ક ઓફ બરોડાએ રૂ. ૨૨,૭૫૪ કરોડ અને આઈડીબીઆઈએ રૂ. ૨૪,૧૯૨ કરોડ આવા ડિફોલ્ટરો પાસેથી વસૂલવાના બાકી છે. તમામ બેંકોએ ૩૬,૧૫૦ એનપીએ ખાતાઓમાંથી રૂ. ૯.૨૬ લાખ કરોડની વસૂલાત માટે કેસ દાખલ કર્યા છે. આરબીઆઈની માર્ગદર્શિકાને અનુસરીને, આ ખાતાઓને વિલફુલ ડિફોલ્ટની સીરીઝમાં મૂકવામાં આવશે. જે લોકો જાણીજોઈને લોન ચૂકવતા નથી તેમના પર કડક વલણ અપનાવી આરબીઆઈએ ધોરણોમાં વ્યાપક ફેરફારો માટેનો ડ્રાફ્ટ પ્રસ્તાવ મુક્યો છે. આમાં, આવી વ્યક્તિઓને વિલફુલ ડિફોલ્ટર તરીકે ગણવામાં આવે છે, જેમણે રૂ. ૨૫ લાખ કે તેથી વધુની રકમ લેણી હોય છે અને જેમણે ચૂકવવાની ક્ષમતા હોવા છતાં ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો હોય. ડ્રાફ્ટ અંગે બેંકો અને સંબંધિત પક્ષો પાસેથી ૩૧ ઓક્ટોબર સુધી સૂચનો માંગવામાં આવ્યા છે.


આરબીઆઈના ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં પણ જરૂરી હોય ત્યાં, ધિરાણકર્તા બાકી રકમની વસૂલાત માટે ઋણ લેનારાઓ/જામીનદારો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરશે. ધિરાણકર્તા વિલફુલ ડિફોલ્ટર્સને લગતા પાસાઓની સમીક્ષા કરશે અને ખાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કર્યાના છ મહિનાની અંદર અંતિમ નિર્ણય લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application