BREAKING NEWS

જામનગર: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’: નવાનગર હાઈસ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતમાં ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ

  • September 26, 2026 01:47 PM 

જામનગર: 'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’: નવાનગર હાઈસ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતમાં ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ

આજની યુવા પેઢી કૌશલ્ય, વિઝન અને ઉત્સાહ સાથે આવનારા ભવિષ્યનું નિર્માણ કરશે-મંત્રી રિવાબા જાડેજા

વિકસિત ભારત-૨૦૪૭ની થીમ પર જામનગરના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો

જામનગર શહેરની નવાનગર હાઈસ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર શહેર અને તાલુકાની ૬૦૦થી વધુ શાળાઓના આશરે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત’, ‘શિક્ષિત ભારત’, ‘પર્યાવરણ’ અને ‘ગ્રામીણ સંસ્કૃતિ’ જેવા વિષયો પર આકર્ષક ચિત્રો બનાવ્યા હતા. આ સાથે જ ‘વિકસિત ભારત’ વિષય પર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં ૬૫ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કૌશલ્યની સરાહના કરી હતી.

પ્રાસંગિક ઉદબોધન આપતાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધાઓ માત્ર એક હરીફાઈ નથી, પરંતુ તમારા સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ તે કલ્પનાને સાકાર કરવાનો મંચ છે. આજની યુવા પેઢી કૌશલ્ય, વિઝન અને ઉત્સાહ સાથે આવનારા ભવિષ્યનું નિર્માણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યુવાનોને સશક્ત બનાવવા માટે આશરે ૧૭ કરોડ જેટલી રોજગારીનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને સમાન તકો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી છે. માતૃશક્તિના વિકાસના આધારે જ દેશનો સર્વાંગી વિકાસ શક્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રીએ ઉપસ્થિત સૌને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિકસિત ભારતની યાત્રામાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના ૨૫ વર્ષમાં ભારતે વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈઓ સર કરી છે. તેમણે સૌ નાગરિકો અને વિદ્યાર્થીઓને 'વિકસિત ભારત-૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application