કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા સ્વાગતમાં આવેલ ૧૩ પૈકી ૧૦ અરજીઓનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. કલેકટરએ કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.
કલેક્ટરએ અરજદારો સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓની મૂળભૂત હકીકતો જાણી સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
સ્વાગત કાર્યક્રમમાં આવેલ ચાલુ મહિનાની ૮ અને ગત માસની ૫ એમ કુલ ૧૩ પૈકી ૧૦ અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જ્યારે બાકીની અરજીઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા કલેકટરએ જણાવ્યું હતું.
આ અરજીઓમાં વાહન ટ્રાન્સફર અન્વયે પેમેન્ટને લગત પ્રશ્ન, સરકારી ખરાબાનું દબાણ દૂર કરવા, ચા ની હોટેલના દબાણ અને ગંદકીને લગત પ્રશ્ન, ઘર પાસે અવરોધરૂપ બંધ કેબિન દૂર કરવા અંગે, પ્લોટમાં વારસાઈ એન્ટ્રી પાડી વારસાઈ કરાવવા બાબત, પીએમ કિસાન યોજનાના હપ્તાની સહાય અંગે, ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા બાબત, આવાસની ડિપોઝિટ અંગે અરજદારોની રજૂઆતોની ચર્ચા કરી તેનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
“સ્વાગત” કાર્યક્રમ દ્વારા નાગરિકોને સીધી રીતે પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને પારદર્શક પદ્ધતિથી ઝડપી નિવારણ મેળવવાની સગવડ ઉપલબ્ધ થતી હોવાને કારણે અરજદારોએ સંતોષ વ્યક્ત કરી કલેકટરશ્રીનો અભાર માન્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નિવાસી અધિક કલેકટરશ્રી શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.