વોટ્સએપ અને રૂબરૂ પણ ઉપલબ્ધ રહેશે જિલ્લા પંચાયત પ્રમુખ બોદર

  • March 18, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વોટ્સએપ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ જાહેર કર્યો: સોમ અને ગુરુવારે સવારના 11થી 6 સામાન્ય લોકો રજૂઆત કરી શકશે: ભૂપત બોદર: જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાના ઝડપી અમલ પર રહેશે વિશેષ ધ્યાન: સિંચાઈ, ચેકડેમ, જૂના ડેમની મરામત માટે અને નવા ડેમના નિમર્ણિ પર ભાર અપાશે; તલાટીઓની થમ્બ પ્રિન્ટથી હાજરી લઈ લોકો પ્રત્યે જવાબદેહી બનાવવા રાજ્ય સરકારમાં રજૂઆત કરશે


રાજકોટ જિલ્લા પંચાયતનાં નવનિર્વિચિત પ્રમુખ ભૂપત બોદરે સત્તાની ધૂરા સંભાળતાવેંત જ રાજકોટ જિલ્લાનાં 595 ગામડાંઓની શકલ બદલી નાંખવા કમર કસી છે. ‘આજકાલ’ સાથેની મુલાકાતમાં તેમણે જિલ્લાના વિકાસની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેડૂતોનાં કલ્યાણ માટે સિંચાઈની સુવિધાઓ વધારવા, ચેકડેમનાં નિમર્ણિ પર ખાસ ધ્યાન આપવા પર, જૂનાં ડેમનાં સમારકામ પર અને નવા જળાશયોનાં નિમર્ણિ પર તેમનું વિશેષ ધ્યાન રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાનો રાજકોટ જિલ્લામાં ઝડપભેર અમલ કરાવવા તેઓ તમામ પ્રયત્નો કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના નલ સે જલ પણ જેટ ગતિએ જિલ્લામાં લાગું કરવા તેઓ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરશે. ઉપરાંત તલાટીઓ ગામડાંનાં લોકો પ્રત્યે જવાબદેહ બને એ માટે તેઓ તલાટીની થમ્બ પ્રિન્ટથી હાજરી લેવા પણ રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરશે. ગામડાંમાં જ અનેક સુવિધાઓ પ્રાપ્ત થાય અને શહેર તરફ હિજરત ઘટે તે માટે તેમનાં પ્રયત્નો રહેશે.

 


જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે લોકોનાં પ્રશ્નો ઉકેલવા નવતર અભિગમ અપ્નાવ્યો છે. સમસ્યાઓ અંગે તેમનો વ્હોટ્સએપ્પ, ઈ-મેઈલ અને રૂબરૂ પણ સંપર્ક કરી શકાશે. તેઓ સોમવારે અને ગુરુવારે સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધી સામાન્ય લોકોને મળશે. આ લોક દરબારમાં લોકો પોતાની સમસ્યા રજૂ કરી શકશે. આ ઉપરાંત તેમણે વ્હોટ્સએપ્પ નંબર પણ જાહેર કર્યો છે. આ નંબર (9033300125) પર વાતચિત નહીં થાય પણ લોકો પોતાની સમસ્યા વ્હોટ્સએપ્પ દ્વારા લેખિતમાં મોકલી શકશે. આ ઉપરાંત જિલ્લાનાં લોકો ઈ-મેઈલ ([email protected]) પર વિગતવાર મોકલી શકશે. અને આમાંથી યોગ્ય સમસ્યાઓ પર તત્કાળ એક્શન લેવાશે. આમ ભૂપત બોદરે જિલ્લા પંચાયતની કમાન સંભાળતા જ વિસ્ફોટક ફટકાબાજી શરૂ કરી છે.

 


રાજકારણમાં ભૂપત બોદર કશુંક આપવા આવ્યા છે, કંઈ મેળવી લેવા માટે નહીં. સમાજ તરફથી તેમને જે મળ્યું - તેનો એક અંશ સમાજને સપ્રેમ-સાદર પરત કરવાની એમની ભાવના. તારીખ 1 ડિસેમ્બર 1966નાં રોજ રાજકોટનાં બેડલા ગામે તેમનો જન્મ. પિતા એક ખેડૂત હતાં અને આખો પરિવાર ખેતી સાથે જ સંકળાયેલો. એટલે જ તેઓ માટીનાં માણસ જ રહ્યાં. ધૂળ સાથે જોડાયેલાં. એમનાં પગ હંમેશા જમીન પર રહે છે. રાજકારણ હોય કે સેવાનું ક્ષેત્ર કે પછી વ્યવસાયનું ક્ષેત્ર, ચોતરફ તેમનાં સરળ અભિગમ અને મળતાવડાં તથા હંમેશા લોકોની મદદ કરવાનાં સ્વભાવથી સૌ પરિચિત છે.

 


ખેતીનાં વ્યવસાયમાં પ્રવૃત્ત અને વેપાર સાથે પણ જોડાયેલાં ભૂપત બોદર બાપા સિતારામ સહિત પાંચેક ગુજરાતી ફિલ્મોનું નિમર્ણિ પણ કરી ચૂક્યાં છે. તેઓ અગાઉ પણ સક્રિય રાજનીતિમાં રહી જ ચૂક્યાં છે. 2005માં તેઓ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 18માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ડ્રેનેજ સમિતિનાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓ રાજકોટ શહેર યુવા ભાજપ્નાં ઉપપ્રમુખ રહી ચૂક્યાં છે, વોર્ડ પ્રભારી, રાજકોટ તાલુકા ભાજપ પ્રભારી અને એસ.ટી. બોર્ડ સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે પણ રહી ચૂક્યાં છે.

 


રાજકારણની ઊંડી સમજ અને સૂઝ ધરાવતાં ભૂપત બોદર જો કે, એક નિષ્ઠાવાન લોકસેવક અને દાતા તરીકે વધુ જાણીતા છે. ચાનું પણ વ્યસન નહીં ધરાવતા ભૂપતભાઈને લોકસેવાનું વ્યસન છે, દુ:ખિયારાંઓનાં આંસુ લૂછવાનું બંધાણ છે. વિવિધ સામાજિક-સેવાકીય સંસ્થાઓનાં નેજાં હેઠળ તેઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા રહે છે. તેઓ શ્રીમતી દૂધીબેન જશમતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે - જેનાં પ્રમુખ પણ તેઓ જ છે. આ ટ્રસ્ટ દ્વારા તેમણે 2018માં 18 દીકરીઓના સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કર્યું હતું. અભૂતપૂર્વ કહી શકાય એવા આ લગ્નોત્સવની આખા સૌરાષ્ટ્રનાં મીડિયાએ ભરપૂર પ્રશંસા કરી હતી. તેમનાં વતન બેડલામાં આરોગ્ય કેન્દ્ર મંજુર થયું પણ એ બનાવવા જમીન ન હતી ત્યારે તેમણે આ ટ્રસ્ટનાં નેજા હેઠળ જ રૂપિયા 60 લાખની કિંમતની 1400 વાર જગ્યા ક્ષણવારમાં દાનમાં આપી દીધી હતી! થોડાં વર્ષો પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઇ હતી ત્યારે આ સંસ્થા દ્વારા જ તેમણે રફાળા, પરસાણા, અણીયારા, કાળીપાટ, ડેરોય, ફાડદંગ, પાડાસણ જેવાં ગામડાંઓમાં મહિનાઓ સુધી પાણીનાં ટેન્કરો દોડાવ્યા હતાં. ટ્રસ્ટ થકી તેઓ દર્દીઓ, વિદ્યાર્થીઓ વગેરેની યથાશક્તિ મદદ કરતા રહે છે. મૂંગા પશુઓ માટે સહાય તેમજ ગૌસેવાની પ્રવૃત્તિઓ પણ તેઓ આ સંસ્થા થકી કરતાં રહે છે. તેઓ નાથદ્વારા તેમજ દ્વારકા સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. સો કરતા વધુ રૂમ ધરાવતું આ સુવિધાજનક અને આધુનિક બિલ્ડિંગ યાત્રાળુઓને ઘરનાં ઘર જેવી શાતા અને હૂંફ આપે છે.

 


જનસેવા માટે સદા તત્પર અને લોકોની મદદ માટેની તક શોધતાં ભૂપત બોદરને આપણે 108 હેલ્પલાઈન સાથે સરખાવીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. અર્ધો ડઝન કરતા વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલા ભૂપતભાઈએ તન-મન-ધનથી હંમેશા સેવાકાર્યો કયર્િ છે. સોરઠિયાવાડી યુવક મંડળનાં પ્રમુખપદે રહી તેમણે સતત અઢી દાયકા સુધી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કર્યું છે. આ ઉપરાંત આ જ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. બોદર પરિવાર સ્વા સમાજ ટ્રસ્ટના પણ તેઓ પ્રમુખ છે. આ સંસ્થા દ્વારા અમરેલી જિલ્લાનાં ચિતલ તાલુકાનાં મોણપર ગામે હનુમાનજીનું ભવ્ય-દિવ્ય મંદિર બનાવાયું છે અને તમામ સુવિધાઓથી સમાજની વાડી પણ બાંધવામાં આવી છે. તેઓ પાર્થ યુવા ગ્રુપ તથા પરમાર્થ યુવા ગ્રુપ્નાં પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. આ સંસ્થાનાં નેજા તળે બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સામાજિક- સેવાકીય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક કરી ચૂક્યાં છે. ભૂપતભાઈ બેડલા સહકારી મંડળીના કારોબારી સભ્ય છે અને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં સલાહકાર પણ છે. વ્હાલુડીનાં વિવાહ નામનાં આ સંસ્થાનાં લગ્નોત્સવમાં જે યુગલોનાં લગ્ન થાય તે 44 યુગલોને તેઓ પોતાનાં ખર્ચે દર વર્ષે ગોવા ફરવા મોકલે છે.    

 


ધરતી સાથે જોડાયેલાં ભૂપત બોદરે ગ્રામ્ય જીવનનો જાત અનુભવ વર્ષો સુધી કર્યો છે. ગ્રામિણ પ્રજાની, ખેડૂતોની વ્યથા, તેમની મુશ્કેલીઓ તેઓ સારી પેઠે જાણે છે. તેમનાં દુ:ખ-દર્દ નિવારવા તેઓ સદા પ્રયત્નશીલ રહ્યાં છે. એટલે જ ગ્રામ્ય વિસ્તારનાં લોકોને તેઓ માયાળુ સ્વજન જેવાં જ લાગે છે.

ભ્રષ્ટાચાર જરા પણ ચલાવી નહીં લઉં, બિનખેતીની સત્તા પાછી નહીં માગું


રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુકત ચેરમેન ભૂપતભાઈ બોદરે ‘આજકાલ’ની તેમની શુભેચ્છા મુલાકાત દરમિયાન ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથેની વાતચીતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારે માજા મુકી હતી. અમે તેના પોપડા ઉખેડવામાં માનતા નથી પરંતુ હવે એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે તે સ્પષ્ટ છે.

 


ભૂપતભાઈ બોદરે વધુમાં જણાવ્યું હતું કે, મારી પ્રથમ પ્રાયોરિટી બજેટ મંજૂર કરાવવાની છે. આગામી તા.26ના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળનારી છે અને તેમાં બજેટ મંજૂર કરવામાં આવશે. બજેટમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ અને ખેડૂતોના ઉત્થાનની વાત મહત્વની બની રહેશે.

 


પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બાદ હવે કમિટીઓની રચના કયારે ? તેવા સવાલના જવાબમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, નવા ચૂંટાયેલા સભ્યોનો હં પરિચય કેળવું અને ત્યારબાદ કમિટીઓની રચના કરવામાં આવશે. ભલે એકાદ અઠવાડીયું મોડું થતું હોય પરંતુ મારે જેમની સાથે કામ કરવાનું છે તે ટીમ પસંદ કરતા પહેલાં તેને જાણવી જરી છે.

 


રાજકોટ જિલ્લા પંચાયતની બે મુખ્ય આવક હોય છે. રેતી, કપચી અને બિનખેતીની ગણવામાં આવે છે. બિનખેતીના અધિકારો જિલ્લા પંચાયત પાસેથી લઈને સરકારે જિલ્લા કલેકટરને આપી દીધા છે. રેતી-કપચીની ગ્રાન્ટ પણ મળતી નથી. આવકના સાધનો ઉભા કરવા માટે તમારું શું આયોજન છે ? તેવા સવાલના જવાબમાં ભૂપતભાઈ બોદરે કહ્યું હતું કે, બિનખેતી મંજૂરીની વ્યવસ્થા સરકારે જે કરી છે તેમાં અમારે કંઈ કહેવાનું નથી, આ અધિકાર પરત આપવા માટે અમે સરકારમાં માગણી કરવાના નથી પરંતુ રેતી-કપચી સહિતની આવક વધારવા અને ગ્રાન્ટ વધુમાં વધુ મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

 


કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં સાચો મુલાકાતી હેરાન ન થાય અને આંટાફેરા કરવા આવનારાઓની સંખ્યા ઘટે તે માટે અમુક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવશે તેમ પણ ભૂપતભાઈ બોદરે જણાવ્યું હતું.

 


ભૂપતભાઈ બોદર સાથેની ‘આજકાલ’ની મુલાકાત વખતે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનિષભાઈ ચાંગેલા, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા, અરવિંદભાઈ તાળા, રાજકોટ જિલ્લા પંચાયતના દંડક મુકેશભાઈ તોગડિયા અને પ્રેસ મીડિયા ઈન્ચાર્જ અણભાઈ નિર્મળ સાથે રહ્યા હતા.

 

 

ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પ્રદેશમાં ધગધગતો રિપોર્ટ કરાશે: મનસુખ ખાચરિયા
તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે અને આવા આગેવાનો સામે શિસ્તભંગની કડકમાં કડક કાર્યવાહી કરવા પ્રદેશ ભાજપ્ને રિપોર્ટ કરવામાં આવશે તેમ ‘આજકાલ’ની મુલાકાતે આવેલા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની સંખ્યા કદાચ વધારે હશે પરંતુ નાના કાર્યકરો તો પોતાના નેતાના દોરીસંચારથી આવું કરતા હોય છે તેથી જે કંઈ પગલાં લેવાનું થશે તે પાંચ-છ નેતાઓ સામે થશે. આ અંગે પ્રદેશને રિપોર્ટ કરી દેવામાં આવનાર છે. ચૂંટણીના સમયગાળામાં રાજકોટ જિલ્લા ભાજપ્ની સત્તા હતી તેવા 19 લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે પરંતુ મોટામાથાઓના કિસ્સામાં પ્રદેશ નેતાગીરી નિર્ણય લેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS