ખંભાળિયામાં મહિનાઓથી અપાતું ગંદુ-ડોહળું પાણી: જનઆક્રોશ ચરમસીમાએ
ગાંધીનગર સુધી ગુંજ્યા પડઘા, કોર્ટના ભણકારા: તંત્રની ઘોર નિષ્ક્રિયતા અને અણઘડ વહીવટ સામે સ્થાનિકો લાલઘૂમ: રોગચાળાના ભય વચ્ચે હવે ઉગ્ર આંદોલનની તૈયારી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પીવાના પાણીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી નહીં, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરના અનેક વિસ્તારોમાં અત્યંત ગંદુ, પીળાશ પડતું, ડોહળું અને દુર્ગંધયુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે. પાણીની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે તે પીવા તો ઠીક, ઘરવપરાશ કે અન્ય કોઈ કામમાં લેવા લાયક પણ રહ્યું નથી.
તંત્રની આ ઘોર બેદરકારીના કારણે પ્રજાના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે જ અહીંના પાણીના સેમ્પલ લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો, જેના ધગધગતા રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા દ્વારા અપાતું આ પાણી આરોગ્ય માટે અત્યંત હાનિકર્તા છે અને પીવાલાયક બિલકુલ નથી. આમ છતાં, પાલિકાના પાણી પુરવઠા તંત્રના પેટનું પાણી હલ્યું નથી અને કોઈ જ નક્કર સુધારો કરવામાં આવ્યો નથી.
આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો હવે સ્થાનિક કક્ષાએથી વધીને રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. ખંભાળિયા શહેરમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા, પ્રાંત અધિકારી અને મામલતદાર જેવા ક્લાસ-૧ અને ક્લાસ-૨ ના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો બેસતો હોવા છતાં, પાલિકાના અણઘડ વહીવટ અને અધિકારીઓની અણઆવડતના કારણે જનતા પીસાઈ રહી છે.
શહેરમાં જડેશ્વર સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ગત ૨૬મી માર્ચથી સતત ગંદુ પાણી આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. પરિણામે, શહેરના અનેક નાગરિકો, બાળકો અને વૃદ્ધો ડાયેરિયા તેમજ પાણીજન્ય ગંભીર રોગોનો ભોગ બની ચૂક્યા છે. તાજેતરમાં જ સંઘ પરિવારના એક ઉચ્ચ પદાધિકારી પણ આ ગંદા પાણીના કારણે ગંભીર બીમારીનો ભોગ બનતા મામલો વધુ ગરમાયો હતો અને ગાંધીનગર સુધી રજૂઆતો થતાં ત્યાંથી ઉચ્ચ સ્તરેથી સ્થાનિક નેતાઓ અને અધિકારીઓને કડક આદેશો છૂટ્યા હોવાનું બહાર આવ્યું છે.
બીજી તરફ, પાલિકાના સત્તાધીશો માત્ર કાગળ પર વાતો કરી રહ્યા હોય તેમ નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. તંત્ર દ્વારા માત્ર પાણીના ટાંકા સાફ કરાયા હોવાના દાવા થાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે નળ ખુલતાની સાથે જ આજે પણ ગટર જેવું કાળું અને ગંદુ પાણી બહાર આવે છે. જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ માત્ર ’અમે કહીએ છીએ, કામ થઈ ગયું છે’ તેવું રટણ કરીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લે છે.
ભૂતકાળમાં જ્યારે નગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના એન્જિનિયર સ્વ. મુકેશભાઈ જાની કે રાજુભાઈ વ્યાસ જેવા કાર્યદક્ષ અધિકારીઓ હતા, ત્યારે આવી ગંભીર સમસ્યાઓ માટે તેઓ રાત-દિવસ જાગીને પણ ત્વરિત ઉકેલ લાવતા હતા, જ્યારે વર્તમાન અધિકારીઓ માત્ર એસી ચેમ્બરોમાં બેસીને સૂચનાઓ આપવામાં જ મશગૂલ રહેતા હોવાથી શહેરીજનોમાં તેમની સામે ભારે ધિક્કારની લાગણી જન્મી છે. તાજેતરની ચૂંટણીઓમાં જ જનતાએ ભાજપને ૩૬ માંથી ૩૦ બેઠકોની તોતિંગ બહુમતી આપીને સત્તા સોંપી છે, તેમ છતાં લોકોને પીવાનું ચોખ્ખું પાણી પણ ન મળતા રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.
હવે આ મામલે જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો આરપારની લડાઈ લડવાના મૂડમાં આવી ગયા છે. પાલિકાની આ નપાવટ નીતિ સામે લડવા માટે સોસાયટીઓ અને વિવિધ સંગઠનો દ્વારા સામૂહિક મીટિંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જનતાનું કહેવું છે કે જો આગામી દિવસોમાં આ ગંદા અને રોગચાળો ફેલાવતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો બિનરાજકીય અને સ્વૈચ્છિક રીતે આખું ખંભાળિયા બંધ રાખવા માટેનું ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ સાથે જ પાલિકાના તંત્રને સીધું દોર કરવા માટે જાગૃત નાગરિકો અને નેતાઓ દ્વારા કોર્ટના દરવાજા ખખડાવવાની અને કાયદાકીય લડત શરૂ કરવાની પણ સપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેના કારણે આગામી દિવસોમાં પાલિકા તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર માટે મોટી મુશ્કેલીઓ ઊભી થાય તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.