BREAKING NEWS

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ

  • July 07, 2026 05:18 PM 

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ

રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારીયા, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની દિશા સમિતિમાં વિસ્તૃત સમીક્ષા કરાઈ

અધિકારીઓને લોકકેન્દ્રિત અભિગમથી કામગીરી કરી લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સાંસદનું સૂચન

જામનગર તા.૭ જુલાઈ, સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની વિભાગવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારીયા, પદાધિકારીઓ, લોકપ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસકાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન રેલવે વિભાગ, ગ્રામ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયતી રાજ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આવાસ અને શહેરી બાબતો, જળ સંસાધન, પીવાના પાણી અને સ્વચ્છતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, પશુપાલન અને ડેરી વિકાસ, માર્ગ પરિવહન, વન વિભાગ, સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની કુલ ૧૦૧ જેટલી જનકલ્યાણકારી યોજનાઓની અમલીકરણ સ્થિતિ, ભૌતિક અને નાણાકીય પ્રગતિ, લાભાર્થીઓને મળતા લાભો તથા બાકી રહેલા પ્રશ્નોની વિભાગવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાઓની વર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ તેમજ આગામી કાર્યયોજનાની વિગતવાર માહિતી રજૂ કરી હતી.

સાંસદ પૂનમબેન માડમે બેઠક દરમિયાન અધિકારીઓને સૂચના આપી હતી કે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર અને પારદર્શક રીતે પહોંચે તે માટે વધુ અસરકારક કામગીરી કરવામાં આવે. તેમણે યોજનાઓના અમલીકરણમાં ગુણવત્તા જળવાય, બાકી રહેલા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને કામગીરીમાં વિભાગો વચ્ચે વધુ સારું સંકલન જળવાય તે માટે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમયમર્યાદામાં તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવે, તેમજ વિકાસકાર્યોમાં કોઈ પ્રકારની બેદરકારી ન રહે તેની ખાતરી કરવામાં આવે. લાભાર્થીઓને યોજનાઓની પૂરતી માહિતી મળે અને તેમને સરળતાથી લાભ મળી રહે તે માટે જનજાગૃતિ વધારવા પણ સૂચના આપી હતી.

બેઠક દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોથી ઉપસ્થિત લોકપ્રતિનિધિઓએ તેમના વિસ્તારોને લગતા વિકાસલક્ષી પ્રશ્નો, લોકહિતની રજૂઆતો અને યોજનાઓના અમલીકરણ અંગેની રજૂઆતો સાંસદ સમક્ષ કરી હતી. સાંસદે તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનો યોગ્ય અને સમયબદ્ધ નિકાલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

બેઠક દરમિયાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ રોજગાર ગેરંટી યોજના (મનરેગા), દિનદયાળ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દિનદયાળ ઉપાધ્યાય ગ્રામિણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામિણ, સાંસદ આદર્શ ગ્રામ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના, ઈ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM), પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA), એગ્રીક્લિનિક અને એગ્રીબિઝનેસ સેન્ટર યોજના, કિસાન કોલ સેન્ટર, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY-PDMC), પીએમ-કિસાન, સ્વામિત્વ યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT 2.0), પ્રધાનમંત્રી આવાસ યોજના–શહેરી, સ્વચ્છ ભારત મિશન–શહેરી, સ્માર્ટ સિટીઝ મિશન, પીએમ સ્વનિધિ યોજના, કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ, એક્સેલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ, રિપેર-રિનોવેશન એન્ડ રેસ્ટોરેશન ઓફ વોટર બોડીઝ, સરફેસ માઈનોર ઇરિગેશન યોજના, જળ શક્તિ અભિયાન – કેચ ધ રેઇન, જળ સંચય જનભાગીદારી, રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ, રાષ્ટ્રીય પશુધન મિશન, રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ તેમજ ICDS, બેટી બચાવો–બેટી પઢાવો યોજના, વન સ્ટોપ સેન્ટર યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, રાષ્ટ્રીય ક્ષયરોગ નિવારણ કાર્યક્રમ, આયુષ્માન ભારત ડિજિટલ મિશન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સમગ્ર શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના 2.0, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS),યુનિક ડિસેબિલિટી આઈડી,રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA)નો અમલ, પીએમ કુસુમ યોજના તથા જામનગર મહાનગર પાલિકા ક્ષેત્રમાં અમલી વિવિધયોજનાઓ સહિતની કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની અમલીકરણ સ્થિતિ, ભૌતિક અને નાણાકીય પ્રગતિ, લાભાર્થીઓને મળતા લાભો તથા બાકી રહેલા પ્રશ્નોની વિભાગવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. 

જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગોને કેન્દ્ર સરકારની યોજનાઓના વધુ અસરકારક અમલીકરણ દ્વારા જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે સંકલિત પ્રયાસો ચાલુ રાખવા તેમજ સાંસદ દ્વારા સૂચવવામાં આવેલા કામો હકારાત્મક દિશામાં પૂર્ણ કરવા લગત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.

બેઠકમાં મેયર મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી  નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, રાજકોટ એડીઆરએમ બ્રિજેશકુમાર સિંઘ, ભાવનગર એસડીસીએમ અતુલકુમાર ત્રિપાઠી, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, જામનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર ડી.એ.ઝાલા,તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application