દિલીપકુમારના જીવનના ત્રણ એપિસોડ : નોકરી-અભિનય-લગ્ન, ‘બોલિવુડ ટોપ 20 સુપર સ્ટાર્સ ઓફ ઈન્ડિયા’ નામના પુસ્તકમાં લખાયેલી જાણો રોચક હકીકતો

  • July 08, 2021 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુસુફખાન અને કેન્ટિન

 

દિલીપકુમારનું અસલી નામ યુસુફ ખાન છે. તેમના પિતાનું નામ ગુલામ સરવર ખાન છે. નાનકડા યુસુફે તેમની કારકિર્દીના શરૂઆત પૂણેની આર્મીની કેન્ટિનમાં નોકરી દ્વારા શરૂ કરી હતી. તે વખતે તેમનો માસિક પગાર રૂ.૩૬ હતો. હિસાબ રાખવાનું કામ તેઓ કરતા હતા. દરમિયાન દેશમાં રેશનિંગ આવી જતાં કેન્ટિન બંધ થઈ ગઈ હતી.

 

‘હવે શું કરવું?’ તેવી ગડમથલ સાથે તેઓ ફરતા હતા. તેમના પિતાને ફળનો વેપાર હતો. એકવાર તેઓ પિતા સાથે ફળ ખરીદવા નૈનિતાલ ગયા હતા. ૧૯૪૪ની સાલ હતી. દેવીકારાણી ‘જવારભાટા’ નામની ફિલ્મ માટે દિગ્દર્શક તરીકે અમીય ચક્રવર્તી સાથે લોકેશન જોવા નૈનિતાલ આવેલાં હતાં. એ દરમિયાન દેવીકારાણીના પતિ હિમાંશુ રાયનું અચાનક અવસાન થઈ ગયું. યુસુફને ખબર નહોતી કે દેવીકારાણી કોણ છે? એવામાં દેવીકારાણીને યુસુફની આંખોમાં એક ઊગતો કલાકાર દેખાયો. દેવીકારાણીએ યુવાન યુસુફને પૂછયું, “તું ફિલ્મમાં કામ કરવા માંગે છે?”

 

યુસુફે હા પાડી. દેવીકારાણીએ યુસુફને મુંબઈ આવી તેમની મલાડ ખાતેની ઓફિસે મળવા ક્હ્યું. મલાડમાં તેમની બોમ્બે ટોકીઝ નામની કંપનીની ઓફિસ હતી. યુસુફ પહેલી જ વાર દેવીકારાણીને મળવા ગયો ત્યારે કંઈ જ આશાસ્પદ જણાયું નહીં. યુસુફે મુંબઈમાં ચાના સ્ટોલ્સ શરૂ કરવા વિચાર્યું. એવામાં એક દિવસ દેવીકારાણીની ઓફિસમાંથી ફોન આવ્યો. યુસુફ ફરી દેવીકારાણીને મળવા ગયો. બોમ્બે ટોકીઝે યુસુફ સાથે મહિને રૃા.૫૦૦ ના પગારથી તેમની ફિલ્મોમાં કામ કરવા કોન્ટ્રાક્ટ કર્યો. દર વર્ષે રૃા.૨૦૦નો વેતનધારો આપવાનું નક્કી કર્યું.

 

પિતા ગુસ્સે થયા

 

યુસુફના પિતા ગુલામ સરવર ખાનને નૌટંકીવાલાઓ માટે માન નહોતું. ફિલ્મના એક્ટર્સ પણ ગમતા નહોતા. તેઓ તેમને કંજર્સ (પંજાબી અપશબ્દ) કહેતા. મજાની વાત એ હતી કે પૃથ્વીરાજ કપૂરના પિતા દીવાન બસેશ્વરનાથ કપૂર ગુલામ સરવર ખાનના મિત્ર હતા અને દીવાન બસેશ્વરનાથ કપૂરે તેમના પુત્ર પૃથ્વીરાજ કપૂરને ફિલ્મોમાં કામ કરવા આપેલી પરવાનગી માટે તેઓ પૃથ્વીરાજ કપૂરના પિતા પર હંમેશાં વ્યંગ કરતા. યુસુફને પણ ડર હતો કે તેમના પિતા તેમને ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી કદી આપશે નહીં. યુસુફના પિતા પૃથ્વીરાજના પિતાને ‘કંજરનો બાપ’ કહી કટાક્ષ કરતા હતા. એક દિવસ યુસુફની તસવીર મુંબઈના એક ફિલ્મી મેગેઝિનમાં પ્રગટ થઈ. પૃથ્વીરાજ કપૂરના પિતાએ મેગેઝિન લઈ ગુલામ સરવર ખાનની દુકાને ગયા અને તેમની સમક્ષ મેગેઝિન મૂક્તાં કહ્યું, “બોલ હવે કંજરનો બાપ કોણ છે?” ગુલામ સરવર ખાનને લાગ્યું કે તેમના પુત્રએ તેમને અપમાનિત પરિસ્થિતિમાં મૂકી દીધા છે.

 

પ્રથમ પ્રેમ કામિની કૌશલ

 

દિલીપકુમારના જીવનમાં અનેક સ્ત્રીઓ આવી, પરંતુ તેઓ હંમેશાં હૃદયથી એકાકી રહ્યા. ઘણાં ઓછા લોકો એ વાત જાણે છે કે દિલીપકુમાર કોઈને દિલથી સાચો પ્રેમ કર્યો હોય તો તે કામિની કૌશલ હતાં. એમના સમયમાં દિલીપકુમાર અને કામિની કૌશલની જોડી ‘હોટ’ પણ ગણાતી. કામિની કૌશલ અને દિલીપકુમારે જે ચાર ફિલ્મોમાં કામ કર્યું તે તમામ (૧) નદિયાં કે પાર (૨) શહીદ (૩) શબનમ અને (૪) આરઝૂ હિટ રહી હતી. સ્ક્રીન પર બંનેની જોડી કમાલની લાગતી હતી. સ્ક્રીન પરનો રોમાન્સ તેમની રીયલ લાઈફમાં પણ પ્રવેશ્યો હતો. કામિની કૌશલનું અસલી નામ ઉમા કશ્યપ હતું. તેઓ મસૂરીની બ્યુટી સ્પર્ધામાં જીતેલાં ‘મિસ મસૂરી’ હતાં. ચેતના આનંદે તેમને કામિની કૌશલ નામ આપી તેમની ફિલ્મ ‘નીચા નગર’ (૧૯૪૬)માં મુખ્ય ભૂમિકા આપી હતી. આ ફિલ્મને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો હતો. એક ઊગતા કલાકાર તરીકે કામિની કૌશલની પહેલી મુલાકાત યુસુફ સાથે ‘નદિયાં કે પાર’ના સેટ પર થઈ હતી. એ ફિલ્મ દરમિયાન બેઉ એકબીજાની નજીક આવ્યાં હતાં, પરંતુ બન્યું એવું કે કામિની કૌશલનાં મોટાં બહેનનું અવસાન થતાં કામિની કૌશલે તેમના જીજાજી સાથે લગ્ન કરવું પડયું. એ લગ્ન કરવાનું કારણ પણ એ હતું કે અચાનક અવસાન પામેલાં તેમના મોટાં બહેનને નાન-નાના બાળકો હતાં. એ બાળકોને સાચવવા તેમણે આ નિર્ણય લીધો હતો. અલબત્ત, આ લગ્ન પહેલાં દિલીપકુમાર અને કામિની કૌશલ એકબીજાના પ્રેમમાં ડૂબી ગયાં હતાં. દિલીપકુમાર દુઃખી થઈ ગયા હતા.

 

મધુબાલા

 

કામિની કૌશલ સાથેપ્રણયભંગથી ભાંગી પડેલાં દિલીપકુમારના જીવનમાં હવે મધુબાલાનો પ્રવેશ થયો. ૧૯૫૧માં ‘તરાના’ ફિલ્મના સેટ પર તેમનું પ્રથમ મિલન થયું. દંતકથા એવી છે કે મધુબાલાએ જ તેની હેરડ્રેસર સાથે એક લાલ ગુલાબ દિલીપકુમારને મોકલાવ્યું હતું. સાથે ઉર્દૂમાં લખેલી એક ચિઠ્ઠી પણ મોકલાવી હતી. જેમાં લખ્યું હતું, “તમે મને ચાહતા હોવ તો જ આ લાલ ગુલાબ સ્વીકારજો.”

 

દિલીપકુમાર આ પરિસ્થિતિ માટે સજ્જ નહોતા, પરંતુ સુખદ આૃર્ય સાથે ગૌરવપૂર્ણ રીતે તેમણે એ ગુલાબનો સ્વીકાર કર્યો હતો. અલબત્ત, એ સાથે બીજી વાત એવી હતી કે મધુબાલા એ વખતના એક્ટર પ્રેમનાથ સાથે પણ આંખમીંચોલી રમતાં હતાં. પ્રેમનાથ ‘બાદલ’ (૧૯૫૧) ફિલ્મમાં તેમની સાથે કામ કરતા હતા. પ્રેમનાથ ને દિલીપકુમાર મિત્ર હતા. મધુબાલાના રોમાન્સની ખબર પડતાં પ્રેમનાથ પ્રેમથી ખસી ગયા હતાં.

 

મતભેદો સર્જાયા

 

દિલીપકુમાર અને મધુબાલાના ભરપૂર પ્રેમની ખબર પડતાં જ મધુબાલાના પિતા અતૌલા ખાનની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેમને ડર હતો કે મધુબાલા દિલીપકુમાર સાથે જતી રહેશે તો પરિવારનું ભરણપોષણ કોણ કરશે? ઘરમાં ૧૧ જેટલાં તો બાળકો હતાં. પિતાએ મધુબાલાને દિલીપકુમાર સાથે બુન્દી (મધ્યપ્રદેશ) ખાતે આઉટડોર ફિલ્મ શૂટિંગ માટે જવા પરવાનગી આપી નહીં. એ વખતે બી.આર.ચોપરા દિલીપકુમાર અને મધુબાલાને લઈને ‘નયા દૌર’ (૧૯૫૭) ફિલ્મ બનાવી રહ્યા હતા. પરિણામ એ આવ્યું કે બી.આર.ચોપરા કોર્ટમાં ગયા. કોર્ટમાં દિલીપકુમારે તેમની જ પ્રેયસી મધુબાલા સામે બી.આર.ચોપરાના સાક્ષી તરીકે સાક્ષીના પાંજરામાં આવવું પડયું એ પાંજરામાં જ તેમણે કહ્યું, “હું મધુબાલાને ચાહું છું અને જિંદગીભર ચાહતો રહીશ.” પરંતુ તેમની જુબાન બી.આર.ચોપરાની તરફેણમાં રહી. આ તેમનું પ્રોફેશનાલિઝમ હતું, મધુબાલાની અપેક્ષા મુજબ તેઓ કોર્ટમાં મધુબાલાને મદદરૂપ થાય તેવું કંઈ જ બોલ્યા નહીં. પરંતુ મધુબાલાના પ્રોફેશનાલિઝમનો પણ ટેસ્ટ થયો. ‘નયા દૌર’ના વિવાદ પછી ‘મોગલે આઝમ’ (૧૯૬૦) ફિલ્મમાં બંનેએ સાથે કામ કરવાનું આવ્યું. એ વખતે મધુબાલા અને દિલીપકુમાર વચ્ચે વાત કરવાના પણ સંબંધો નહોતા. છતાં બંનેએ આ ઐતિહાસિક ફિલ્મમાં પ્રણયનાં સુંદર અને ઉત્કૃષ્ટ દૃશ્યોમાં પ્રેમની આબેહૂબ ભૂમિકા અદા કરી.

 

૧૯૬૦ના વર્ષમાં દિલીપકુમાર વહીદા રહેમાન સાથે લગ્ન કરી જીવનમાં સ્થિરતા લાવવા માંગતા હતા. દિલીપકુમારને વહીદા રહેમાનની ગંભીરતા અને સુસંસ્કૃત વર્તન ગમતાં હતાં. દિલીપકુમાર વહીદા રહેમાન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે તે પહેલાં સાયરાબાનુ તેમની જિંદગી પર છવાઈ ગયાં. સાયરાબાનુ નસીમબાનુનાં પુત્રી હતાં. તેમણે ખૂબ જ ઉતાવળથી અને ખૂબ જ ચાલાકીપૂર્વક દિલીપકુમારના ઘરે સાયરાબાનુના સગપણનો પ્રસ્તાવ મોકલી આપ્યો અને બંનેને પરણાવી દીધાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS