જામનગરમાં જર્જરીત કસ્ટમ હાઉસ આખરે જમીનદોસ્ત
પાડતોડ દરમ્યાન છત પડતા ૩ શ્રમીક ઇજાગ્રસ્ત થતાં કામગીરી અટકાવામાં આવી હતી
મનપા દ્વારા અવન્તીકા કોમ્લેકસની ભયજનક દીવાલ અને મહેશ્ર્વરી વાસમાં જાહેર શૌચાલય તોડી પડાયા
જામનગરના ગ્રેઇનમાર્કેટ નજીક આવેલા વર્ષો જૂના અને જર્જરિત કસ્ટમ હાઉસ બિલ્ડીંગ આખરે જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. આ ઇમારતના ડીમોલેશન દરમ્યાન ૩ શ્રમીક ઇજાગ્રસ્ત થતાં કામગીરી અટકાવામાં આવી હતી. તદઉપરાંત મનપા દ્વારા અવન્તીકા કોમલેકસની ભયજનક દીવાલ અને મહેશ્ર્વરી વાસમાં જાહેર શૌચાલય તોડી પડાયા હતાં.
જામનગરમાં ચોમાસા પૂર્વે મનપા દ્વારા જર્જરીત ઇમારતો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જૂના રેલવે સ્ટેશન પાસેની ગીતા લોજ ને ગ્રેઇનમાર્કેટમાં આવેલા જૂના કસ્ટમ હાઉસની ઇમારતનું ડીમોલીશન હાથ ધરાયું હતું. જેમાં કસ્ટમ હાઉસના ડીમોલીશન દરમ્યાન છતનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં ૩ શ્રમીક કાટમાળ નીચે દબાઈ જતા ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દુઘર્ટના બાદ કસ્ટમ હાઉસ અને ગીતાલોજની ડીમોલીશન કામગીરી મનપા દ્વારા તાકીદે અટકાવામાં આવી હતી.
બંને સ્થળે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની વિગતવાર ચકાસણી તથા તકનિકી મૂલ્યાંકન કરાવવામાં આવ્યું હતું. નિષ્ણાતોની મંજૂરી અને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી બાદ કસ્ટમ હાઉસનું રવિવારે ડીમોલીશન કરી જમીનદોસ્ત કરાયું હતું. જયારે શનિવારે રાત્રીના લીમડાલાઇન વિસ્તારમાં આવેલા અવન્તીકા કોમ્પલેકસની ભયજનક પારાપેટ દીવાલ પણ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવી હતી. તદઉપરાંત મહેશ્ર્વરી વાસમાં આવેલા જર્જરીત ૪ શૌચાલય પણ મહાપાલીકા દ્રારા તોડી પાડવામાં આવ્યા હતાં.