કેવી વિચિત્રતા: મંદિરમાં ભક્તો લાઇનમાં ઉભા રહે, ટ્રસ્ટ નેતાઓની આગતા-સ્વાગતા કરે

  • March 16, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કમનસીબી એવી છે કે વીવીઆઇપી નેતાની સરભરામાં ટ્રસ્ટ ખર્ચો કરે છે, અને તેઓ જેટલો સમય રોકાય તેટલો સમય ભક્તો માટે દર્શનના દ્વાર બંધ કરી દેવાય છે


ગુજરાતના મંદિરોમાં દર્શન કરવા જવું હોય તો ભક્તોને લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે. કોઇ મંદિરમાં લાગવગ ચલાવીને કે દાન આપીને પહોંચ મેળવીને ગર્ભગૃહમાં જઇને દર્શન અને પૂજા કરવાનો લહાવો મળે છે પરંતુ રાજકીય નેતાઓને રૂપિયા ખર્ચવા પડતા નથી, એ હકીકત છે. આ નેતાઓ લાઇનમાં ઉભા રહેતા નથી. તેઓ જ્યારે મંદિરમાં એન્ટર થાય છે ત્યારે લોકો માટે ટ્રસ્ટીઓ દર્શન બંધ કરે છે. ભક્તોને અટકાવે છે.

 


ગુજરાતના મોટા મંદિરોમાં સામાન્ય ભક્તજનો અને વીવીઆઇપી કલ્ચર વચ્ચેનો આવો તફાવત વર્ષોથી જોવા મળે છે. શું રાજકીય નેતાઓ ભક્તોની વચ્ચે રહી લાઇનમાં ઉભા રહી દર્શન કરી શકે નહીં તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે પરંતુ રાજ્યના યાત્રાધામોમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદસભ્યો કે રાજકીય પાર્ટીના આગેવાનો દર્શન કે પૂજા કરવા આવે તો તેમના માટેના દ્વાર અલગ હોય છે. સામાન્ય જનતાને તે દ્વારમાંથી પ્રવેશ અપાતો નથી.

 


ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે ગુજરાતના મોટા અને ખ્યાતનામ મંદિરોમાં રાજકીય નેતાઓની આગતા સ્વાગતા માટે ટ્રસ્ટ અને સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ નેતાઓ તેમના પોતાના પૈસે દર્શન કરતા નથી પરંતુ ટ્રસ્ટના રૂપિયાથી તેઓ છેક ગર્ભગૃહના દર્શન કરે છે. મોટા મંદિરોમાં જતા રાજકીય નેતાઓ ક્યારેય દર્શન માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા નથી.

 


જ્યારે કોઇ વીવીઆઇપી નેતા દર્શને જાય તો ટ્રસ્ટીઓ અને વહીવટી તંત્ર માર્ગ બંધ કરી દે છે. કોઇપણ રાજનેતા અંબાજી, બહુચરાજી કે પાવાગઠ જેવા મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે તેમને માતાજીની સન્મુખ રહીને પૂજા કરાવવામાં આવે છે. આ નેતા સોમનાથ, દ્વારકા કે ડાકોર જાય ત્યારે પણ ટ્રસ્ટીમંડળ તેમને ગર્ભગૃહમાં લઇ જઇને ભગવાનના દર્શન તેમજ પૂજા કરાવે છે. આ નેતાઓ સલામતી જવાનો વચ્ચે રહીને દર્શન કરે છે ત્યારે સામાન્ય ભક્તજનો માટે દરવાજા બંધ કરી દેવામાં આવે છે.

 


ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભાજપના નેતાઓ અને સરકારના મંત્રીઓની આગતા સ્વાગતા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ એક વર્ષમાં આઠ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. એવી જ રીતે સોમનાથ, દ્વારકા અને ડાકોરમાં પણ આટલી રકમનો ખર્ચ થાય છે. સરકારના મંત્રી કે પાર્ટીના નેતાઓ જ્યારે દર્શનાર્થે જાય છે ત્યારે ટ્રસ્ટીમંડળ તેની સરભરામાં ખડેપગે હોય છે.

 


મંત્રી, નેતા અને તેમના પરિવારની સ્વાગતા માટે ટ્રસ્ટીઓ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. ધર્મસ્થળોમાં આવો શિષ્ટાચાર સામાન્ય દર્શનાર્થીઓના ભોગે થતો હોય છે. હિન્દુત્વ અને રામ કે ભગવાન શિવના નામે દુહાઇ દેવામાં આવે છે પરંતુ આ રાજનેતાઓની આગતા સ્વાગતા માટે ટ્રસ્ટમાં અલગ ભંડોળ રાખવામાં આવે છે જે હકીકતમાં તો ભક્તો દ્વારા કરવામાં આવેલા દાનની રકમ હોય છે. ટ્રસ્ટીમંડળ દ્વારા આપવામાં આવતી ભેટસોગાદો લેતાં નેતાઓ ખચકાતા પણ નથી. તેમની આ મુલાકાત દરમ્યાન રહેવાનો તેમજ જમવાનો ખર્ચ પણ ટ્રસ્ટ કરતું હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS