જામનગરમાં વધુ બે જર્જરિત મકાનો તોડવાની કાર્યવાહી શરૂ
એસ્ટેટ શાખાએ ચોમાસા પહેલા અતિ જર્જરિત બિલ્ડીંગોને તોડવાની કામગીરી ચાલુ રાખી
જામનગર શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જાહેર સલામતીના હેતુસર જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને જોખમી ઇમારતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગત સપ્તાહ દરમિયાન શહેરી વિસ્તારમાં આવેલા સાત જર્જરિત મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ગીતા લોજનું બાંધકામ તોડયા બાદ આજે ફરીથી અન્ય બે જર્જરિત મકાનો ઉપર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું.
આ કામગીરીના અનુસંધાને હાલ ગીતા લોજ વાળી બિલ્ડિંગમાં ડિમોલિશન કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ આજે ગ્રેન માર્કેટ નજીક આવેલું કસ્ટમ હાઉસનું જર્જરિત મકાન તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સાથે સાથે વોર્ડ નં. ૯ના વંડા ફળી વિસ્તારમાં આવેલું એક જર્જરિત મકાન પણ જાહેર જનતા તેમજ આસપાસના રહેવાસીઓ માટે જોખમરૂપ બન્યું હોવાથી તેનું પણ આજે ડીમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ શાખાની ટીમ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં જોખમી હાલતમાં રહેલી ઇમારતોની ઓળખ કરી તબક્કાવાર કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
મહાનગરપાલિકાની આ કામગીરીને પગલે શહેરમાં જાહેર સલામતી માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને જોખમી ઇમારતો દૂર કરવાની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.