ડેલ્ટા વેરિયન્ટ ચિંતાનું કારણ, 10 રાજ્યોમાં સંક્રમણની સરેરાશ નેશનલ એવરેજ કરતાં વધુ

  • August 07, 2021 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને તેના તમામ પહેલાના વેરિયન્ટ કરતા વધારે સંક્રમણકારી માનવામાં આવે છે. કહેવાય છે કે આ વાયરસ અછબડા અને ઓરીના વાયરસ કરતા પણ વધુ ચેપગ્રસ્ત છે. આ કારણે જ ભારતની આર-નોટ વેલ્યુ 1 કરતા વધી છે. જે એક મહિના પહેલા 0.93 જેટલી હતી. આર-નોટ એટલે કે રોગીના સંપર્કમાં આવવાથી કેટલા લોકો સંક્રમિત થાય છે તેની સરેરાશનો આંકડો. આર-નોટના માધ્યમથી નિષ્ણાંતો એ જાણી શકે છે કે વર્તમાનમાં કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું રિપ્રોડક્શન ફેક્ટર 1.01 થી ગયું છે. જેનો સીધો અર્થ એ છે કે આ સંક્રમણ જેમને પણ થયું તે વ્યક્તિના સંપર્કમાં આવનારા એકથી વધુ લોકોને તેનો ચેપ લાગે છે. તેમ વેલ્લોરના સીનિયર વાયરોલોજિસ્ટ ડો. ટી જેકોબ જ્હોને કહ્યું હતું.

 

આને આ રીતે સમજીએ કે જ્યારે ગત માર્ચ મહિનામાં કોરોનાની બીજી લહેર શરું થઈ અને અચાનક જ સમગ્ર દેશમાં કેસ વધવા લાગ્યા ત્યારે આર વેલ્યુ વધીને 1.4 જેટલી થઈ ગઈ હતી પરંતુ જ્યારે મે મહિનામાં કેસ ઘટવા લાગ્યા ત્યારે આ નંબર 0.7 જેટલો ઘટી ગયો હતો. ત્યારે દેશમાં સતત વધતી આર વેલ્યુ એક ચિંતાનું કારણ છે જોકે નિષ્ણાંતો કહે છે કે તેઓ હાલ રાજ્યો અને જિલ્લાને રેડ ઝોનમાં નથી મૂકી રહ્યા.

 

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના ડિરેક્ટર ડો મનોજ મુર્હેકરે જણાવ્યું હતું કે, "સંક્રમણનો વૃદ્ધિ દર, મૃત્યુની વધતી સંખ્યા અને હોસ્પિટલનો ઓક્યુપેન્સી રેટ સહિત મહામારીના પરિબળોનું સંયોજન જોખમ અંગે માહિતી આપે છે."

 

હાલ ઓછામાં ઓછા 10 રાજ્યોની આર-વેલ્યુ દેશની સરેરાશ 1.01 કરતા વધારે છે, અને દિલ્હી અને મહારાષ્ટ્ર બંને પણ રાષ્ટ્રીય સરેરાશ 1.01ની નજીક પહોંચી ગયા છે. દેશમાં સૌથી વધુ આર વેલ્યુ ધરાવતા રાજ્યોમાં મધ્યપ્રદેશ (1.31) ત્યારબાદ હિમાચલ પ્રદેશ (1.30) અને નાગાલેન્ડ (1.09) છે. સમગ્ર ભારતમાં 5 ઓગસ્ટના દિવસે એક હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવા આઠ રાજ્યોમાંથી પાંચ રાજ્યોમાં આર વેલ્યુ એક કરતા વધારે હતી. કેરળ જે દરરોજ 20,000 થી વધુ કેસ નોંધે છે તેની આર વેલ્યુ 1.06 છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર માટે પણ આ સંખ્યા 1 થી ઉપર છે.

 

તમામ રાજ્યમાં કોવિડ કેસો માટે R0 નું વિશ્લેષણ કેટલીક વ્યાપક પેટર્ન તરફ નિર્દેશ કરે છે. ડેટા દર્શાવે છે કે બીજી લહેર કે જે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં હજુ પણ મજબૂત છે, તે અસ્ત થવાના તબક્કામાં છે. પૂર્વોત્તર રાજ્યોમાં માત્ર નાગાલેન્ડમાં આ ઈન્ડિકેટર એક કરતા વધારે વેલ્યુ દર્શાવે છે. એક હજારથી વધુ દૈનિક કેસો ધરાવતા રાજ્યોમાં મિઝોરમ, આસામ અને ઓડિશા માટે આ વેલ્યુ એક કરતા ઓછી છે. પરંતુ આ રાજ્યોમાં પણ સંક્રમણ ફેલાવાના અને મૃત્યુની સંભાવના વધારે રહે છે. અને વધુ રાજ્યો પ્રતિબંધો હળવા કરી રહ્યા છે જેનાથી ફરી કેસો વધવાની સંભાવના છે.

 

3 ઓગસ્ટના રોજ 100 થી 1,000 કેસ નોંધાયા હોય તેવા છ રાજ્યોમાં R0 વેલ્યુ હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં 1 કરતા વધારે છે અને જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ તેમજ પશ્ચિમ બંગાળમાં આર વેલ્યુ 1 છે. જાહેર આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે આર વેલ્યુના વધવા સાથે વધતા કેસને લઈને ત્રીજી લહેર આવી કે નહીં તે જાહેર કરવા માટે આપણે હજુ વધુ સમય રાહ જોવી પડશે. જો કેસોમાં ઉછાળો નહીં જોવામાં આવે તો વધતી આર વેલ્યુને ગ્રાફ પર ખાલી એક બ્લિપ તરીકે માનીને નજરઅંદાજ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021