ભુજીયા કોઠાના રીનોવેશનમાં દીલ્હીથી તપાસના આદેશ ?
નવો વળાંક: ફરિયાદોથી નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટી લાલઘૂમ, નવાજૂનીના એંધાણ
ગુજરાત કોમ્પિટન્ટ ઓથોરીટીને તાકીદે રિપોર્ટ આપવા તાકીદ: જામ્યુકો અને રાજય પુરાતત્વ વિભાગે પણ એનઓસી સહીતના પ્રશ્ર્નોનો જવાબ આપવો પડશે
જામનગરના ભુજીયા કોઠાના વિવાદાસ્પદ રીનોવેશનની ફરિયાદોથી લાલઘૂમ દીલ્હીની નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટીએ તપાસના આદેશ આપ્યા હોવાનું અતરંગ સૂત્રોએ જણાવતા ભારે ચકચાર સાથે આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આટલું જ નહીં નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટીએ આ મામલે ગુજરાત કોમ્પિટન્ટ ઓથોરીટીને તાકીદે રિપોર્ટ આપવા તાકીદ કરી છે. આટલું જ નહીં આ વિવાદાસ્પદ પ્રકરણમાં જામ્યુકો અને રાજય પુરાતત્વ વિભાગે પણ એનઓસી સહીતના પ્રશ્ર્નોનો જવાબ આપવો પડશે.
જામનગરની ઓળખ સમાન ભુજીયા કોઠાનું ગત સપ્ટેમ્બર મહીનામાં વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ બાદ ગત તા.૧૯ માર્ચના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ નવાઇની વાત એ છે કે, રૂ.૨૫ કરોડના અધધ.. ખર્ચ અને ૪ વર્ષથી વધુ ચાલેલા રેસ્ટોરેશન કામ પછી તૈયાર થયેલા ભુજીયા કોઠાના નવીનીકરણની કામગીરીમાં પુરાતત્વ વિભાગના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યાની અને પ્રોજેકટની વિશ્ર્વનીયતા સામે સવાલ ઉભા કરતી ચોંકાવનારી ફરિયાદ શિલ્પકાર અને આર્ટીસ્ટ હીમાંશુ જોશીએ ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરી હતી. જેના પગલે જામનગરના ઐતિહાસીક ભુજીયા કોઠાના વિવાદાસ્પદ રીનોવેશન અંગે નવી દીલ્હીમાં કાર્યરત નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટીએ તપાસના આદેશ આપતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.
આટલું જ નહીં, એનએમએએ ભુજીયા કોઠાના સ્મારક પર થઇ રહેલા બીન-શાસ્ત્રીય કામ, પ્રાચીન શિલ્પોને ચણતર એટલે કે બાંધકામમાં દબાવી દેવા અને સ્મારકની મૂળ ઓળખ સમાન સેન્ડસ્ટોન(પથ્થર) પર આધુનિક ટાઇલ્સના બિનઅધિકૃત ઉપગોગ અંગેની ચોંકવાનારી ફરિયાદોની ગંભીર નોંધ લીધી હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.
આટલું જ નહીં, નેશનલ મોન્યુમેન્ટસ ઓથોરીટીના ડાયરેકટર કર્નલ સવ્યસાચી મારવાહાએ આ બાબતે વ્યકિતગત હસ્તક્ષેપ કર્યો છે. તદઉપરાંત ગુજરાત કોમ્પિટન્ટ ઓથોરીટીને ભુજીયા કોઠાની વર્તમાન સ્થિતિ અંગે તાકીદે રિપોર્ટ અને મંતવ્યો રજૂ કરવા આદેશ આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સાથે સાથે જામનગર મહાનગરપાલીકા અને રાજય પુરાતત્વ વિભાગે પણ નવી દીલ્હીની એનએમએને શું તેઓએ વર્તમાન ડીઝાઇન અને સૂચીત બ્રીજ માટે નિયમ મુજબનું ના વાંધા પ્રમાણપત્ર (એનઓસી)મેળવ્યું છે કે કેમ તેનો જવાબ પણ આપવો પડશે. પરંતુ મનપાના અધિકારીઓએ તપાસ અંગે કોઇ પત્ર ન મળ્યો હોવાનું જણાવ્યું છે. ભુજીયાકોઠાની વિવાદાસ્પદ રીનોવેશન કામગીરી અંગે સ્થાનીક કચેરીઓ એકબીજા પર જવાબદારીની ફેંકાફેકી કરી રહી હતી. પરંતુ હવે રાષ્ટ્રીય કક્ષાની ઓથોરીટીએ હસ્તક્ષેેેેેેેેેેપ કરી તપાસના આદેશ આપતા ભુજીયા કોઠાની રેસ્ટોરેશન સામે શંકા અને સવાલ ઉઠ્યા છે. ત્યારે હવે આ પ્રકરણમાં ગુજરાત કોમ્પિટન્ટ ઓથોરીટીના રીપોર્ટ પર મીટ મંડાઇ છે. કારણ કે, ભુજીયા કોઠાના રેસ્ટોરેશનમાં ૧૬ મી સદીના સેન્ડસ્ટોન હેરીટેજને આધુનીક ટાઇલ્સ અને ચાઇનીઝ શૈલીના સિંહો વડે ઢાંકી દેવાની મંજૂરી કોને અને કેવી રીતે આપી તેની સ્પષ્ટતા કરવી પડશે.